ભીંગડાવેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gmelina hystrix Schult. (ગુ. ભીંગડાવેલ, અર્જુનવેલ, શંખવેલ) છે.
તે કાંટાવાળી ભારે વેલ છે અને તેની શાખાઓ પ્રકાંડમાંથી સમાંતરે વિકસી બધી દિશામાં ફેલાતી હોવાથી તે વિપથગામી (straggler) સ્વરૂપની છોડ અને વેલ વચ્ચેની જાતિ ગણાય છે. તેનાં પર્ણો મધ્યમ કદનાં અને લંબગોળ હોય છે. તેને પુષ્પો ચોમાસાની અધવચથી શિયાળાની અધવચ સુધી આવે છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો હોય છે. તેની સેરો છોડ ઉપરથી લટકતી દેખાય છે. પીળા રંગનાં પુષ્પો સેરોના નીચલા ભાગમાં હોય છે; તેમનાં નિપત્રો (bracts) જાડાં અને કથ્થાઈ-ગુલાબી રંગનાં અને ઢાલ જેવાં હોવાથી આખી સેર સુંદર લાગે છે. આ રચના ભીંગડાં જેવી દેખાતી હોવાથી તેને ભીંગડાવેલ કહે છે. તેનો આકાર શંખો ઉપરાઉપરી ગોઠવ્યા હોય તેવો દેખાતો હોવાથી તેને શંખવેલ પણ કહે છે.
ઉદ્યાનોમાં આ વેલને છત્રીનો આકાર આપી તેને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવે છે.
જંગલમાં થતું સીવનનું ઝાડ (Gmelina arborea) આ વેલનું જાતભાઈ છે.
તેની વંશવૃદ્ધિ ગુટી અથવા કટકારોપણ દ્વારા થાય છે. તેની શાખાઓને પુષ્પો આવી ગયા પછી કૃંતન (prunning) કરવાથી વેલ નિયંત્રણમાં રહે છે. પુષ્પો નવી શાખા ઉપર જ આવે છે; તેથી વેલ પુષ્પોથી ભરેલી દેખાય છે. મલેશિયામાં કફમાં રાહત મેળવવા ચૂના સાથે તેનો ભૂકો કરી તેની પોટીસ ગળે લગાડવામાં આવે છે.
મ. ઝ. શાહ