ભાસ (ઈ. પૂ. 500 આશરે)

સંસ્કૃત ભાષાના પ્રાચીન નાટ્યકાર. ઈ. પૂ. ઘણાં વર્ષો પહેલાં થયેલા આ પ્રાચીન નાટ્યકાર વિશે અત્યારે કશી આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ અનુસાર તેઓ धावक એટલે ધોબીના પુત્ર હતા. તેમણે નાટ્યકાર બનીને ઘણી કીર્તિ મેળવી હતી. તેમણે ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યો તથા નગરોનો ઉલ્લેખ કર્યો હોવાથી તેઓ ઈશાન ભારતના વતની હોવાનું અનુમાન થયું છે. દક્ષિણ ભારત સાથે તેમનો પરિચય નહિ જેવો હતો. ભાસનાં નાટકોનાં ભરતવાક્યમાં કોઈ ‘રાજસિંહ’નો ઉલ્લેખ પ્રાય: મળતો હોવાથી તેમના આશ્રયદાતા ‘રાજસિંહ’ હોવાનું કેટલાક વિદ્વાનો માને છે. તેરમી-ચૌદમી સદીમાં રામચંદ્ર, દસમી સદીમાં અભિનવગુપ્ત, નવમી સદીમાં રાજશેખર, સાતમી સદીમાં બાણ અને ઈ. પૂ. પહેલી સદીમાં કાલિદાસ પ્રાચીન નાટ્યકાર ભાસનો ઉલ્લેખ કરે છે અને તેમનાં નાટકોની વિલક્ષણતાઓ બતાવે છે. આથી તેઓ ઘણા જાણીતા પ્રશંસાપ્રાપ્ત નાટ્યકાર હતા એમ કહી શકાય. તેમણે વર્ણવ્યવસ્થા, યજ્ઞયાગ, બૌદ્ધ ધર્મ વગેરેની સ્થિતિ ઉલ્લેખી છે; તેના આધારે તેમનો સમય ઈ.પૂ. 500ની આસપાસ હોવાનું અનુમાન વિદ્વાનોએ કર્યું છે.

પહેલાં આવા કીર્તિપ્રાપ્ત નાટ્યકારનું એક પણ નાટક ઉપલબ્ધ ન હતું. ઈ. સ. 1909માં કેરળના નટો પાસેથી તેમનાં નાટકો મહામહોપાધ્યાય ટી. ગણપતિશાસ્ત્રીને મળી આવ્યાં. આમ છતાં પંડિત રામાવતાર શર્માએ તેનો દલીલો આપી વિરોધ કર્યો અને આ નાટકો પ્રાચીન નાટ્યકાર ભાસનાં નથી તેવો એક પક્ષ ખડો કર્યો. બંને વિદ્વાનોના મતોને સમર્થન આપનારા ઘણા વિદ્વાનો મળ્યા. અંતે, તટસ્થ વિદ્વાનો ડૉ. જી. કે. ભટ અને ડૉ. એ. ડી. પુસળકર વગેરેએ આ નાટકોનો ઊંડો અભ્યાસ કરીને એ નાટકો પ્રાચીન છે અને એક જ નાટ્યકારની રચનાઓ છે અને ઘણું કરીને તે પ્રાચીન નાટ્યકાર ભાસની છે એવો મત દલીલો સાથે પ્રદર્શિત થયો. એ પછી કર્તૃત્વનો આ વિવાદ શાંત પડ્યો છે.

આ નાટકો ગણપતિશાસ્ત્રીએ 1912માં અનંતશયન સંસ્કૃત ગ્રંથાવલીમાં પ્રકાશિત કર્યાં. એમાં મહાભારત પર આધારિત છ, રામાયણ પર આધારિત બે, હરિવંશ પર આધારિત એક, ઉદયનકથા પર આધારિત બે અને લોકકથા પર આધારિત બે – એમ કુલ 13 નાટકોનો સમાવેશ થાય છે. ‘યજ્ઞફળ’ નામનું 14મું નાટક સૌરાષ્ટ્રના ગોંડળમાંથી જીવરાજ કાલિદાસ શાસ્ત્રીએ ભાસના નાટક તરીકે પ્રગટ કરેલું છે, પરંતુ વિદ્વાનોએ તેને ભાસનું રચેલું માન્યું નથી.

(1) ઊરુભંગ – જુઓ એ નામનું અધિકરણ.

(2) કર્ણભાર – જુઓ એ નામનું અધિકરણ.

(3) દૂતઘટોત્કચ : મહાભારત પર આધારિત અને રાજનીતિની ચર્ચા કરતું આ એકાંકી રૂપક છે. તેમાં ચક્રવ્યૂહમાં અભિમન્યુના વધથી અર્જુન અભિમન્યુને મારનાર જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે. કૃષ્ણ ઘટોત્કચને દૂત તરીકે કૌરવોની પાસે મોકલે છે અને અર્જુનની પ્રતિજ્ઞાના સમાચાર કહેવડાવે છે. આ સાંભળીને ધૃતરાષ્ટ્ર અને દુ:શલા દુ:ખી થાય છે, પરંતુ દુર્યોધન, દુ:શાસન અને શકુનિ તેનાથી પ્રસન્ન થાય છે અને જયદ્રથને છુપાવી રાખી અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય અને અર્જુન સ્વયં પ્રાણત્યાગ કરે એવું બને તેમ વિચારે છે. ઘટોત્કચ દૂત તરીકે કૃષ્ણનો સંદેશો લઈને કૌરવો પાસે આવે છે. દુર્યોધનને તે કૃષ્ણનો સંદેશો આપે છે એ સમયે શકુનિ અને દુ:શાસનનાં વાક્યો સાંભળી તે ગુસ્સે થાય છે અને કૌરવો રાક્ષસોથી અધમ છે એમ કહી તેમને યુદ્ધ માટે પડકાર ફેંકે છે; પરંતુ ધૃતરાષ્ટ્ર તેને શાંત પાડે છે. દુર્યોધન પોતે કૃષ્ણને બાણથી જવાબ આપવાનો વળતો સંદેશો કહેવડાવે છે. અંતે, વિદાય લેતો ઘટોત્કચ ‘તમારું મોત આવતી કાલે નક્કી છે’ એવું દુર્યોધનને સંભળાવી એકત્ર થયેલા રાજાઓને ધર્મ પાળવાની ભલામણ કરે છે.

આ એકાંકીમાં રાજનીતિચર્ચા, ઘટોત્કચના પાત્રનું પ્રાધાન્ય, મહાભારતનાં પાત્રોનો કલ્પેલો નૂતન પ્રસંગ ઘટોત્કચનું દૌત્ય, વીર અને કરુણ રસોની જમાવટ, ભારતી વૃત્તિ, મુખ અને નિર્વહણ સંધિઓ વગેરે ભાસની નાટ્યકળાની વિશિષ્ટતાઓ છે. આ એકાંકીને અંતે ભરતવાક્ય મળતું નથી. કીથનો મત આ એકાંકીને વ્યાયોગ માનવાનો હોવા છતાં તેને ઘણા ઉત્સૃષ્ટિકાંક માને છે.

(4) દૂતવાક્ય : મહાભારત પર આધારિત આ એકાંકીમાં પાંડવોના દૂત તરીકે કૃષ્ણનો દુર્યોધન પાસે જવાનો પ્રસંગ મુખ્ય છે. દુર્યોધન ભીષ્મને પોતાના સેનાપતિ તરીકે પસંદ કરે છે. કૃષ્ણ દુર્યોધનના દરબારમાં આવે ત્યારે કૃષ્ણનો આવકાર કે આદરસત્કાર ન કરવાનું સૂચન દુર્યોધન કરે છે. પોતે દ્રૌપદીવસ્ત્રાહરણનું ચિત્ર જોતો બેસી રહેવાનું નક્કી કરે છે. કૃષ્ણના પ્રવેશ સમયે રાજાઓ ક્ષુબ્ધ થાય છે અને દુર્યોધન પોતાના આસનથી ગભરાટમાં ચલિત થાય છે. કૃષ્ણ પાંડવોની  રાજ્યભાગ માટેની વિનંતિ સ્વીકારવા દુર્યોધનને ભલામણ કરે છે. દુર્યોધન ગુસ્સે થઈને કૃષ્ણ પર અંગત આક્ષેપો કરી કશું પણ આપવા ના પાડે છે. કૃષ્ણ દુર્યોધનને તેનાં દુષ્કૃત્યોની યાદ આપે છે. દુર્યોધન કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કરે છે ત્યારે કૃષ્ણ દુર્યોધનને વિશ્વરૂપ બતાવે છે. દુર્યોધન હથિયાર લેવા જાય છે એટલે કૃષ્ણ પોતાનાં આયુધોને યાદ કરે છે અને આયુધો તરત જ આવી પહોંચે છે, છતાં ભૂમિનો ભાર ઉતારવા દુર્યોધનને જીવતો રાખવો જરૂરી લાગતાં કૃષ્ણ શાંત થાય છે અને પોતાનાં આયુધોને વિદાય કરે છે. છેલ્લે, ધૃતરાષ્ટ્ર કૃષ્ણને ચરણે પડી અર્ઘ્ય આપે છે અને કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે.

આ એકાંકીમાં રાજનીતિની ચર્ચા, નાટ્યપ્રયોગની નવીનતા, દુર્યોધનનો એકપાત્રી અભિનય, દ્રૌપદીના વસ્ત્રાહરણનું ચિત્રપટ, વીર અને અદભુત રસની જમાવટ, દુર્યોધનનું અભિમાન અને કૃષ્ણનાં આયુધોનું શરીરધારી સજીવ વર્ણન કરવાની ભાસની નવીન કલ્પના જોવા મળે છે.

(5) પંચરાત્ર : ત્રણ અંકના બનેલા આ રૂપકમાં મહાભારતનાં પાત્રો જ છે, કથાનક મહાભારતથી તદ્દન વિરોધી છે. દુર્યોધન મોટો યજ્ઞ કરે છે અને દ્રોણગુરુને યજ્ઞદક્ષિણા માંગવા આગ્રહ કરે છે. દ્રોણ પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાનું યજ્ઞદક્ષિણામાં માંગે છે. શકુનિ અને કર્ણની સાથે વાતચીત કરી જો પાંડવોની ભાળ પાંચ રાત્રી સુધીમાં મેળવી અપાય તો પાંડવોનું રાજ્ય પાછું સોંપવા દુર્યોધન તૈયાર થાય છે. ભીષ્મના કહેવાથી દ્રોણ એ શરતનો સ્વીકાર કરે છે. એવામાં વિરાટ રાજાના સાળા અને સેનાપતિ કીચક અને તેના 100 ભાઈઓનો છૂપો વધ થવાના સમાચાર આવે છે. બીજા અંકમાં વિરાટ રાજાના જન્મોત્સવ પ્રસંગે ભીષ્મના હાથ નીચે કૌરવો વિરાટ રાજાની ગાયો વાળે છે. આથી રાજકુમાર ઉત્તર બૃહન્નલા પાસે રથ હંકાવી કૌરવો સામે જંગે ચઢે છે. અર્જુન કૌરવોની સામે લડે છે, પણ કૌરવપક્ષે આવેલા અભિમન્યુ સામે લડતો નથી. કૌરવોને અર્જુન એકલે હાથે ભગાડી ગાયો પાછી વાળે છે. અંતે, ભીમ રથમાં રહેલા અભિમન્યુને પકડી લે છે. રાજકુમાર ઉત્તર અર્જુનને વિજયનો યશ આપે છે, તેથી પાંડવો અજ્ઞાતવાસની મુદત પૂરી થતાં જાહેર થાય છે. વિરાટ રાજા પોતાની રાજકુમારી ઉત્તરાનાં લગ્ન અર્જુન સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ અર્જુન પોતાના પુત્ર અભિમન્યુ માટે પત્ની તરીકે ઉત્તરાનો સ્વીકાર કરે છે. ત્રીજા અંકમાં કૌરવોની છાવણીમાં અભિમન્યુના પકડાવાની ઘટનાની ચર્ચા થાય છે. વિરાટનો રાજકુમાર ઉત્તર અભિમન્યુ સાથે ઉત્તરાનાં લગ્નની ખબર કૌરવોની સભામાં જઈને આપે છે અને પાંચ રાત્રી પૂરી થતા પહેલાં પાંડવોની ભાળ મળી હોવાથી દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય શરત મુજબ પાછું આપે છે. મહાભારત પર આધારિત રૂપકોમાં આ એક જ રૂપક એકાંકી નથી, પરંતુ ત્રિ-અંકી છે. મહાભારતના ભાઈઓ વચ્ચેના યુદ્ધને બદલે કૌટુંબિક શાંતિ માટે રાજ્યની સોંપણી, દુર્યોધનના પાત્રનું ઉદાત્તીકરણ, યજ્ઞનું દીર્ઘ વર્ણન તથા યજ્ઞદક્ષિણા વગેરે મહાભારતથી તદ્દન અવનવીન બાબતો આ રૂપકમાં રજૂ થઈ છે. કીથ ‘પંચરાત્ર’ને સમવકાર માને છે, ડોલરરાય માંકડ એને વ્યાયોગ માને છે, પરંતુ પાંચે નાટ્યસંધિઓ, પ્રસિદ્ધ કથાનક, નાયક પ્રસિદ્ધ રાજવી, વીરરસ, વિષ્કંભક જેવા અર્થોપક્ષેપકોનો પ્રયોગ વગેરે પંચરાત્રને નાટક કહેવડાવવા પૂરતાં છે. ફક્ત પાંચ અંકને બદલે પંચરાત્રમાં ત્રણ અંકો છે એ નાટકનું એક જ તત્વ તેમાં નથી મળતું.

(6) મધ્યમવ્યાયોગ : મહાભારત પર આધારિત આ એકાંકી રૂપકમાં ભીમ અને હિડિંબા વચ્ચેના મિલનનો પ્રસંગ અને કેશવદાસ નામના બ્રાહ્મણકુટુંબની વાર્તા મહાભારતથી તદ્દન જુદી પડે છે.

હિડિંબાને પાંડવો પોતાની નજીકના વનપ્રદેશમાં આવ્યા હોવાની ખબર પડતાં તે પોતાના પુત્ર ઘટોત્કચને ઉપવાસનાં પારણાં માટે કોઈક યુવાનને લઈ આવવા મોકલે છે. કેશવદાસ નામનો બ્રાહ્મણ પત્ની અને ત્રણ પુત્રો સાથે સગાંને ત્યાં જનોઈના વિધિમાં હાજરી આપવા વનમાંથી પસાર થઈ રહ્યો હતો. તેમને ઘટોત્કચ અટકાવી ગમે તે એક પુત્રને સોંપી દેવા કહે છે. આથી મધ્યમ એટલે વચલા પુત્રને તેઓ સોંપવા તૈયાર થાય છે. વચલો પુત્ર જીવતાં શ્રાદ્ધ કરી લેવા ત્યાંથી તળાવે જાય છે અને તેને વાર લાગતાં ‘મધ્યમ’ એટલે ‘વચલા’ પુત્ર એમ કહી બૂમો પાડે છે. આથી કુંતીનો વચલો પુત્ર ભીમ ત્યાં આવી પહોંચે છે અને બ્રાહ્મણકુટુંબની વહારે આવે છે. આથી ઘટોત્કચ અને ભીમ વચ્ચે પહેલાં શાબ્દિક બોલચાલ થાય છે અને બ્રાહ્મણના પુત્રને બદલે પોતે હિડિંબા પાસે બલિ તરીકે  જવા તૈયાર થાય છે. ભીમ પોતે જતો નથી, અને ઘટોત્કચ તેને  તાકાત હોય તો લઈ જાય એવો પડકાર ફેંકે છે. અંતે બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ થાય છે. ઘટોત્કચ તેને હરાવી શકતો નથી. છેલ્લે, ભીમ શરત મુજબ હિડિંબા પાસે જાય છે અને ભીમ પોતાના પિતા છે એવી ઓળખાણ પડતાં ઘટોત્કચ ભીમની માફી માંગે છે; કેશવદાસ બ્રાહ્મણની માફી માંગીને તેને વળાવવા જાય છે.

પિતા અને પુત્ર વચ્ચે દ્વંદ્વયુદ્ધ, કેશવદાસ બ્રાહ્મણનો પ્રસંગ અને ભીમ અને હિડિંબાનું મિલન – આ બધી ભાસની મૌલિક કલ્પનાઓ આ એકાંકીને મહાભારતથી અલગ તારવી આપે છે. આમ આ વ્યાયોગ પ્રકારનું સફળ રૂપક છે.

(7) અભિષેક : રામાયણની વાર્તા રજૂ કરતું આ નાટક છ અંકનું છે. પ્રથમ અંકમાં સીતાના હરણ પછી છેક રામના રાજ્યાભિષેક સુધીના પ્રસંગો રજૂ થયા છે. વાલીએ સુગ્રીવને તેની પત્ની અને રાજ્ય પડાવી લઈ કાઢી મૂક્યો છે, ત્યાંથી અભિષેક-નાટકની વાર્તા આરંભાય છે. સુગ્રીવ રામ સાથે સંધિ કરી વાલી સાથે યુદ્ધ કરે છે. રામ છુપાઈને વાલીને હણે છે. મરણ પામતો વાલી રામનું પગલું અન્યાયી હોવાનું કહે છે, જ્યારે રામ ભાઈની પત્નીનું અપહરણ કરવાના દોષની તેને શિક્ષા થઈ એમ કહીને પોતાનું પગલું ન્યાયી હોવાનું કહે છે. છેવટે વાલી પોતાના પુત્ર અંગદની રામ અને સુગ્રીવને સોંપણી કરે છે અને મૃત્યુ પામે છે. રાજા તરીકે સુગ્રીવનો કિષ્કિંધામાં અભિષેક થાય છે. એ પછી બીજા અંકમાં વાનરોએ કરેલી સીતાની શોધ અને જટાયુના કહેવાથી હનુમાને લંકામાં કરેલી શોધખોળની વાત છે. હનુમાન સીતાને ખોળી કાઢી રામના સમાચાર તેને આપે છે અને રામને લંકામાં લાવવાની ખાતરી આપે છે. હનુમાન રાવણના ઉપવનમાં તોડફોડ કરે છે. ત્રીજા અંકમાં હનુમાનને કેદ કરી રાવણ પાસે લાવવામાં આવે છે. હનુમાન રામના બળનાં વખાણ કરે છે અને વિભીષણ હનુમાનનું સમર્થન કરી રાવણે સીતાને ફરી પાછી રામને સોંપવી જોઈએ એવી ભલામણ કરે છે. રાવણ હનુમાનને તેનું પૂંછડું સળગાવવાની શિક્ષા કરે છે. તે પછી હનુમાન રાવણની લંકાને સળગાવી દે છે. રાવણ વિભીષણને દેશવટો આપે છે; તેથી તે રામની શરણાગતિ સ્વીકારે છે. ચોથા અંકમાં હનુમાન રામને સીતાના સમાચાર આપે છે એટલે રામ સમુદ્રકિનારે પહોંચે છે. વિભીષણ રામને મળી સત્કાર પામે છે. સમુદ્રે માર્ગ કરી આપવાથી રામ સેના સાથે લંકા પહોંચે છે. પાંચમા અંકમાં યુદ્ધનો આરંભ થાય છે. રાવણ રામ અને લક્ષ્મણનાં બનાવટી માથાં બતાવી સીતાને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરે છે. યુદ્ધમાં રાવણનો પુત્ર મેઘનાદ ખતમ થાય છે આથી રાવણ સીતાનો વધ કરવા તૈયાર થાય છે, પરંતુ સ્ત્રીવધના ડરે તે માંડી વાળી રામ સામે યુદ્ધ કરવા જાય છે. છઠ્ઠા અંકમાં રામને હાથે રાવણનો વધ અને વિભીષણનો લંકાના રાજ્યપદે અભિષેક થાય છે. અગ્નિપ્રવેશથી પવિત્ર સીતાનો સ્વીકાર કરી રામ અયોધ્યા જાય છે અને તેમનો રાજ્યાભિષેક થવા સાથે આ નાટક સમાપ્ત થાય છે. વીરરસપ્રધાન આ નાટક મધ્યમ કક્ષાનું છે. થોડાંક વર્ણનો અને સંવાદો યોગ્ય રીતે ભાસની નાટ્યકળાનું સૂચન કરે છે.

(8) પ્રતિમા : રામાયણકથા પર આધારિત આ નાટક સાત અંકનું  છે. તેમાં રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યાંથી શરૂ કરી ખરેખર એ રાજ્યાભિષેક થાય છે ત્યાં સુધીની રામકથા રજૂ કરવામાં આવી છે. પ્રથમ અંકમાં રામનો રાજ્યાભિષેક થવાનો છે એના આનંદમાં સીતા ઉપવનમાં ગમ્મત ખાતર વલ્કલ પહેરી પોતાનાં ઘરેણાં દાસીને ભેટ આપે છે. રામ રાજ્યાભિષેક બંધ રહેવાના સમાચાર સીતાને આપે છે. સીતા દશરથ રાજા તરીકે ચાલુ રહ્યાના ખ્યાલે સંતોષ અનુભવે છે. દશરથ મૂર્ચ્છા પામ્યાના સમાચાર મળે છે, ત્યાં રામને લડી લેવાની વાત લક્ષ્મણ કરે છે, પરંતુ પિતાને મળ્યા વિના જ વલ્કલ પહેરીને રામ વનમાં જવા નીકળે છે અને સીતા તથા લક્ષ્મણ રામને અનુસરે છે. બીજા અંકમાં રામ, સીતા અને લક્ષ્મણના વિયોગમાં દશરથ રાજા ઝૂરે છે અને સુમંત્ર રામાદિને વનવાસ માટે મૂકી એકલો પાછો ફરતાં દશરથ પુત્રવિયોગે મૃત્યુ પામે છે. ત્રીજા અંકમાં મોસાળથી પાછો ફરેલો ભરત શુભ મુહૂર્તની રાહ જોવા અયોધ્યાની ભાગોળે આવેલા મંદિરમાં જાય છે અને અજાણતાં પોતાના પૂર્વજોની સાથે દશરથની પ્રતિમાને જુએ છે અને દશરથનું મૃત્યુ થવાના સમાચાર જાણે છે; આથી તે માતા કૈકેયીને ધિક્કારે છે અને અભિષેક કરવાની ના પાડે છે. ચોથા અંકમાં ભરત રામને વનમાં મળે છે અને રામ પાછા ન ફરતાં તેમની પાદુકાઓ લઈને પાછો ફરી અયોધ્યાની બહાર રહી રાજ્ય ચલાવે છે. પાંચમા અંકમાં પિતાના શ્રાદ્ધ વિશે વિચારી રહેલા રામને કોઈ જ્ઞાની બ્રાહ્મણના રૂપે આવેલો રાવણ કાંચનમૃગ વડે નિવાપાંજલિ શ્રેષ્ઠ છે એમ જણાવે છે. ત્યાં એવું કાંચનમૃગ દેખાતાં રામ તેને મારવા જાય છે. લક્ષ્મણ કુલપતિનો સત્કાર કરવા ગયો હોવાથી રાવણ અસલ રૂપમાં આવી સીતાનું અપહરણ કરી જાય છે. છઠ્ઠા અંકમાં સીતાહરણના સમાચાર સુમંત્ર મારફત ખબર પુછાવતાં ભરતને મળે છે. ભરત માતા કૈકેયીને ધમકાવે છે. કૈકેયી કહે છે કે શ્રવણ મુનિના શાપને સાચો પાડવા અને રામના જીવનને બચાવવા પોતે વરદાન માંગેલાં. ફકત ચૌદ દિવસને બદલે ચૌદ વર્ષ બોલવાની ભૂલ થઈ ગઈ. આથી ભરત માતાની માફી માંગે છે અને સેના સાથે રાવણ પર હુમલો કરવા ભરત માતાઓ સાથે નીકળે છે. સાતમા અંકમાં રામ રાવણવધ કરી વિભીષણને લંકાનો રાજા બનાવી સીતા સાથે પાછા ફરી રહ્યા હોય છે ત્યાં જ ભરત વગેરે સેના સાથે આવે છે. કૈકેયીની આજ્ઞાથી રામનો વનમાં જ રાજ્યાભિષેક થાય છે અને ત્યાંથી બધાં પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછાં ફરે છે. પ્રતિમાગૃહ, રામનો વનમાં રાજ્યાભિષેક વગેરે અનેક નવા પ્રસંગોવાળું અને કરુણ કે કરુણમિશ્રિત ધર્મવીરરસ મુખ્યત્વે ધરાવતું અને રંગભૂમિ પર દશરથનું મૃત્યુ દર્શાવતું આ નાટક વિલક્ષણ છે.

(9) બાલચરિત : હરિવંશ પર આધારિત આ નાટક પાંચ અંકનું બનેલું છે. એમાં કૃષ્ણની બાળલીલાઓ વર્ણવવામાં આવી છે. પ્રથમ અંકમાં નારદ વિષ્ણુનાં દર્શન કરવા દેવકીના હાથમાં રહેલા નવજાત કૃષ્ણનું દર્શન કરી બ્રહ્મલોકમાં પાછા ફરે છે. દેવકીની વિનંતિથી વસુદેવ બાળક કૃષ્ણને સુરક્ષિત સ્થળે નંદગોપને ત્યાં મૂકવા જાય છે. નંદગોપની મૃત પુત્રીને લઈને બદલામાં નંદગોપને કૃષ્ણની સોંપણી કરે છે. વસુદેવ મૃત બાળકીને લઈને દેવકી પાસે આવી બધી માહિતી આપે છે. બીજા અંકમાં કંસને સ્વપ્નમાં ચાંડાળ યુવતીઓ અને મધૂક ઋષિનો શાપ દેખાય છે. શાપ મુજબ રાજ્યલક્ષ્મી કંસને છોડી જાય છે. આ દુ:સ્વપ્નને કંસનો પુરોહિત પ્રકૃતિનો વિકાર ગણાવે છે. ત્યાં દેવકીને પુત્રી જન્મ્યાના સમાચાર કંસને મળતાં કંસ વસુદેવને બોલાવી કન્યાને મારી નાખે છે. એ પછી દુ:સ્વપ્નની શાંતિ માટે કંસ પૂજા કરવા જાય છે. ત્રીજા અંકમાં વ્રજમાં કૃષ્ણના આગમનથી સમૃદ્ધિ થવાનું વર્ણન છે. એક વૃદ્ધ ગોવાળ કૃષ્ણની પૂતનાવધ વગેરે બાળલીલાઓ અને ગોપબાળો સાથેની મજાકો વગેરેનું વર્ણન કરે છે. ત્યાં અરિષ્ટ વૃષભ નામનો રાક્ષસ આવે છે અને કૃષ્ણ તેને મરણ પમાડે છે. દામક નામનો ગોવાળ કાલિય નાગની વાત કરે છે તેથી કૃષ્ણ કાલિય નાગના મર્દનની પ્રતિજ્ઞા કરે છે. ચોથા અંકમાં કૃષ્ણ કાલિય નાગને નાથે છે. ગરુડની પાસેથી અભય મેળવી કાલિય નાગ ત્યાંથી ચાલ્યો જાય છે. એ સમયે કંસનો દૂત મથુરામાં ધનુર્યજ્ઞ માટે કૃષ્ણને નિમંત્રણ આપે છે. કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે. પાંચમા અંકમાં કૃષ્ણે કંસના ધોબી પાસેથી વસ્ત્રો, કુબ્જા પાસેથી સુગંધીની સામગ્રી પડાવીને કુબ્જાને સીધી કરવાની કૃપા કરી. કુવલયાપીડ હાથીને માર્યો. ધનુષ્યશાળાના રક્ષક અને ચાણૂર તથા મુષ્ટિક મલ્લોને કૃષ્ણ અને બળરામે મારી નાખ્યા અને છેલ્લે કંસનો વધ કર્યો. કંસની સેના સામે પડતાં વસુદેવ કૃષ્ણ પોતાનો પુત્ર હોવાની ઓળખાણ આપે છે અને ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરે છે. ફરી નારદ આવીને કૃષ્ણનાં  દર્શન કરી જાય છે. નંદની મૃત પુત્રીની કલ્પના, રાધાના પાત્રનો અભાવ, વીરરસનું પ્રાધાન્ય, કૃષ્ણનાં શસ્ત્રોનું આગમન, નારદનો આરંભે અને અંતે પ્રવેશ અને નિર્ગમ, 26 પુરુષપાત્રો અને 10 સ્ત્રીપાત્રોની ભરમાર વગેરે આ નાટકની વિશિષ્ટતાઓ કહી શકાય.

(10) પ્રતિજ્ઞાયૌગંધરાયણ : વત્સ દેશના રાજા ઉદયન અને વાસવદત્તાની વાર્તા વર્ણવતું આ રૂપક ચાર અંકનું છે. પ્રથમ અંકમાં ઉદયન નીલહસ્તીના શિકારે ગયો એ પછી યૌગંધરાયણને એની પાછળના ષડ્યંત્રની ખબર મળે છે અને દૂતને મોકલે તે પહેલાં જ ઉદયન પકડાવાના સમાચાર પ્રધાન યૌગંધરાયણને મળે છે. એની ખબર પડતાં રાજમાતા યૌગંધરાયણને ઉદયનને છોડાવવા વિનંતિ કરે છે અને યૌગંધરાયણ ઉદયનને છોડાવવાની પ્રતિજ્ઞા લે છે. બીજા અંકમાં ઉજ્જૈનનો રાજા પ્રદ્યોત મહાસેન અને રાણી અંગારવતી વચ્ચે રાજકુમારી વાસવદત્તાનાં લગ્ન કરવા વિશે વાતચીત થાય છે. એટલામાં વત્સરાજ ઉદયન કેદ પકડાયાના સમાચાર આવે છે. આથી ઉદયનનો રાજકુમારને છાજે તેવો સત્કાર જેલમાં કરવા પ્રદ્યોત મહાસેન ભલામણ કરે છે. રાણી તેને વાસવદત્તા માટે યોગ્ય વર ગણાવે છે, છતાં મહાસેન તે ઉદ્દંડ છે અને પોતે કરેલા સન્માનને તે ગણકારતો નથી એમ કહે છે. વાસવદત્તાને હજી નાની વયની ગણાવી રાણી અંગારવતી તેના લગ્નની ઉતાવળ કરવી જરૂરી નથી એમ કહે છે. ઉજ્જયિનીમાં ગાંડાનો વેશ લીધેલા પ્રધાન યૌગંધરાયણ, શ્રમણનો વેશ લીધેલા રુમણ્વાન્ અને વિદૂષક વસંતક એ ત્રણેય વચ્ચે ભાગોળે આવેલા મંદિરમાં બપોરે ખાનગી વાતચીત થાય છે. વિદૂષક એમ જણાવે છે કે ઉદયન વાસવદત્તાના પ્રેમમાં હોવાથી કેદમાંથી ભાગી જવા તૈયાર નથી. આથી યૌગંધરાયણ ઘોષવતી વીણા, ભદ્રવતી નામની હાથણી અને વાસવદત્તા સાથે ઉદયનનું અપહરણ કરવાની પ્રતિજ્ઞા લે છે. ચોથા અંકમાં યૌગંધરાયણ જુદા જુદા વેશમાં પોતાના સૈનિકોને પ્રદ્યોત મહાસેનને ત્યાં ગોઠવી દે છે. દારૂ પીને ગાંડા થયેલા હાથીને કાબૂમાં લેવા કેદમાંથી છોડવામાં આવતાં ભદ્રવતી હાથણી પર બેસીને વાસવદત્તા અને ઉદયન ભાગી જાય છે. એ પછી પ્રદ્યોત મહાસેનની સેનાને રોકવા યૌગંધરાયણ પોતાના સૈનિકો સાથે જઈને તેની સાથે યુદ્ધ કરે છે. તલવાર ભાંગી જતાં યૌગંધરાયણ કેદ પકડાયા પછી પ્રદ્યોત મહાસેનના પ્રધાન ભરતરોહતક સાથે ઉગ્ર બોલાચાલી કરે છે. એટલામાં પ્રદ્યોત મહાસેન વાસવદત્તાનાં ઉદયન સાથેનાં લગ્ન માન્ય રાખતી સુવર્ણની ઝારી કંચુકી દ્વારા મોકલે છે. તેનો સ્વીકાર કરી યૌગંધરાયણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે અને સંતોષ અનુભવે છે. આ સુંદર નાટકમાં વીરરસ પ્રધાન છે અને પ્રધાન યૌગંધરાયણનું પાત્ર મુખ્ય છે. આ રાજનીતિપ્રધાન નાટકમાં મૂળ વાર્તામાં નાટ્યકારે ઘણા ફેરફારો કર્યા છે. ઉદયન અને વાસવદત્તાની વાર્તાના પૂર્વાર્ધ જેવું આ નાટક છે.

(11) સ્વપ્નવાસવદત્તા : ઉદયનકથાનો ઉત્તરાર્ધ આ છ અંકના બનેલા નાટકમાં રજૂ થયો છે. વાસવદત્તા સાથે વિલાસોમાં રચ્યાપચ્યા રાજા ઉદયનના રાજ્યનો કેટલોક ભાગ પાડોશી રાજા આરુણિ પડાવી લે છે. તે પાછું મેળવવા માટે વાસવદત્તાને આગમાં બળી ગયાની અને તેને બચાવવા જતાં પ્રધાન યૌગંધરાયણ પણ બળી મર્યાની અફવા ફેલાવીને મગધની રાજકુમારી પદ્માવતી સાથે ઉદયનને બીજી વાર પરણાવવાની યોજના ઉદયનના પ્રધાનો ઘડે છે. પ્રથમ અંકમાં વેશપલટો કરીને વાસવદત્તા અને યૌગંધરાયણ મગધના તપોવનમાં આવે છે. ત્યાં મગધની રાજકુમારી પદ્માવતી પાસે વાસવદત્તાને પોતાની પ્રોષિતભર્તૃકા બહેન ગણાવી થાપણ તરીકે યૌગંધરાયણ મૂકે છે. તપોવનમાં લાવાણકમાંથી આવેલો બ્રહ્મચારી ત્યાં વાસવદત્તા અને યૌગંધરાયણ બળી મર્યાનો વૃત્તાન્ત જણાવે છે. વાસવદત્તાને માટે ઉદયનના અપૂર્વ પ્રેમની વાત સાંભળી પદ્માવતી રાજા ઉદયન ફરી પરણશે કે નહિ તે વિશે વિચારે છે. બીજા અંકમાં નિકટ સંબંધવાળાં પદ્માવતી અને વાસવદત્તા કંદુકક્રીડામાંથી પદ્માવતીનાં લગ્નની વાત કરે છે અને પદ્માવતી રાજા ઉદયન તરફ આકર્ષાવાની વાત દાસી વાસવદત્તાને જણાવે છે. એટલામાં ઉદયન સાથે પદ્માવતીનાં લગ્ન ગોઠવાયાંની વાત જાહેર થાય છે. ત્રીજા અંકમાં દુ:ખી વાસવદત્તા પદ્માવતીને માટે કૌતુકમાલા ગૂંથી આપે છે. ચોથા અંકમાં પદ્માવતી, વાસવદત્તા વગેરે સાથે પ્રમદવનમાં આવે છે. બીજી બાજુથી ઉદયન વિદૂષક સાથે ત્યાં આવી પહોંચે છે. તેથી પદ્માવતી વગેરે માધવીલતાના મંડપમાં જતાં રહે છે અને ઉદયન વિદૂષક સાથે લતામંડપની બહાર બેસી વાત કરે છે. ઉદયન પોતાને વાસવદત્તા વધુ પ્રિય હોવાનો અભિપ્રાય વિદૂષક સાથેની વાતચીતમાં જણાવે છે. વિદૂષક વાસવદત્તાના મૃત્યુની યાદ અપાવે છે તેથી ઉદયનની આંખમાં આંસુ આવે છે. ત્યાં પદ્માવતી આવી પહોંચે છે તેથી ઉદયન ફૂલની પરાગરજ આંખમાં પડવાનું બહાનું કાઢે છે. પાંચમા અંકમાં પદ્માવતી શિરોવેદનાને કારણે સમુદ્રગૃહમાં રહેલી છે એવી ખબર પડતાં રાજા વિદૂષકની સાથે સમુદ્રગૃહમાં જાય છે. પણ પદ્માવતી ત્યાં પહોંચી ન હોવાથી તે ત્યાં આડે પડખે થાય છે. વાસવદત્તા પણ પદ્માવતીની ખબર કાઢવા ત્યાં આવી પહોંચે છે. રાજા નિદ્રામાં વાસવદત્તા સાથે વાત કરે છે. વાસવદત્તા તેનો હાથ પથારીમાં સરખો કરીને જતી રહે છે એથી રાજા જાગીને વાસવદત્તાને જુએ છે, છતાં ત્યાં આવેલો વિદૂષક ઉદયને સ્વપ્નમાં વાસવદત્તાને જોઈ હશે એમ જણાવે છે. આરુણિ સામે યુદ્ધમાં જવાનો સંદેશો ઉદયનને મળતાં તે ત્યાં જાય છે. છઠ્ઠા અંકમાં ગુમાવેલું રાજ્ય શત્રુ પાસેથી જીતીને પાછા ફરેલા ઉદયનને તેની ઘોષવતી વીણા પાછી મળતાં તેને વાસવદત્તાની યાદ ફરી તાજી થાય છે. મહાસેન અને રાણી અંગારવતી જે ચિત્રની સાક્ષીએ ઉદયન અને વાસવદત્તાનું લગ્ન કરાવેલું તે ચિત્ર વાસવદત્તાની ધાવમાતા અને કંચુકી સાથે મોકલી આપે છે. તે મળતાં ઉદયન ભારે દુ:ખી થાય છે. એ સમયે યૌગંધરાયણ પદ્માવતીને થાપણ તરીકે સોંપેલી પોતાની બહેનને પાછી લેવા આવે છે. તેને જોતાં તે વાસવદત્તા છે એમ ઉદયનને શંકા પડે છે. એ વખતે ઘૂંઘટ અને બનાવટી વેશ દૂર કરીને યૌગંધરાયણ અને વાસવદત્તા બંને જાહેર થાય છે. ઉદયન વાસવદત્તા અને પદ્માવતીની સાથે વાસવદત્તા જીવતી હોવાના સમાચાર આપવા જાય છે.

ભાસનાં નાટકોમાં આ નાટક પ્રાચીન અને આધુનિક બધા વિવેચકોએ શ્રેષ્ઠ નાટક માન્યું છે. ગુમાવેલા રાજ્ય અને વાસવદત્તાની પુન:પ્રાપ્તિ, સ્વપ્નમાં વાસવદત્તાનાં દર્શન, વાસવદત્તાનું કરુણ મનોમંથન વગેરે યાદગાર બની રહે છે. ભાસની નાટ્યકળા અહીં ચરમ સીમાએ પહોંચી હતી એમ મનાય છે.

(12) ચારુદત્ત : ચારુદત્ત અને વસંતસેનાની લોકકથા પર આધારિત આ નાટક ચાર અંકનું બનેલું છે. પ્રથમ અંકમાં પહેલાં ધનિકમાંથી હવે ગરીબ બનેલો વેપારી ચારુદત્ત વિદૂષક સાથે રદનિકાને સાંજના સમયનો બલિ ચાર રસ્તા પર મૂકવા મોકલે છે. બીજી બાજુ પાછળ પડેલો રાજાનો સાળો શકાર વસંતસેનાને પકડવાનો પ્રયત્ન કરે છે. એટલામાં દીવો ઓલવાઈ જતાં ફરી પેટાવવા જતા વિદૂષક સાથે વસંતસેના ચારુદત્તના ઘરમાં પ્રવેશે છે. બહાર શકાર વસંતસેના સમજી રદનિકાને પકડે છે. દીવો સળગાવી પાછો ફરતો વિદૂષક શકારને ધમકાવે છે. બદલામાં શકાર વસંતસેનાને પોતાને સોંપી દેવા ધમકી આપે છે. ચારુદત્તને પોતાનાં ઘરેણાં થાપણ તરીકે સોંપીને વિદૂષક સાથે વસંતસેના પોતાના ઘેર પહોંચે છે. બીજા અંકમાં દાસી મદનિકાને વસંતસેના ચારુદત્ત પ્રત્યેના પોતાના આકર્ષણની વાત કરે છે, ત્યાં ચારુદત્તનો સંવાહક જુગારમાં હારી જઈને વસંતસેનાનો આશરો લે છે. વસંતસેના તેનું દેવું ચૂકવી દે છે, તે પછી તે સાધુ બને છે. વસંતસેનાનો મહાવત કર્ણપૂર ગાંડા હાથીને વશ કરવા બદલ ચારુદત્તે ભેટ આપેલી શાલ વસંતસેનાને આપે છે. ત્રીજા અંકમાં વસંતસેનાનાં ઘરેણાંનો દાબડો રાત્રે વિદૂષક સાચવવા રાખે છે, પરંતુ તેને સજ્જલક ચોરી જાય છે તેથી ચારુદત્ત પત્નીની રત્નમાળા ઘરેણાંના બદલામાં મોકલે છે.

ચોથા અંકમાં વસંતસેના ચિત્રફલકમાં પોતાના ચિત્રની સાથે ચારુદત્તનું ચિત્ર દોરે છે. રાજાના સાળા શકારનો સંદેશો તે નકારે છે. સજ્જલક પોતાની પ્રેમિકા મદનિકાને દાસીપણામાંથી છોડાવવા પોતે ચોરેલાં ઘરેણાં આપે છે. વિદૂષક મોતીની માળા ચારુદત્તના સૂચન મુજબ વસંતસેનાને આપે છે. ચારુદત્તને ઘેર ઘરેણાં આપવા વસંતસેના સજ્જલકને મોકલે છે, પરંતુ ચારુદત્ત તેનો અસ્વીકાર કરે છે. મદનિકાને પત્ની તરીકે સજ્જલક સાથે એ ઘરેણાંથી શણગારીને વસંતસેના વિદાય કરે છે; જ્યારે વસંતસેના પોતે ચારુદત્તે મોકલેલી મોતીની માળા પહેરીને ચારુદત્તને ઘેર અભિસાર કરીને પહોંચે છે.

આ નાટકને કેટલાક વિવેચકો અપૂર્ણ નાટક માને છે અને તેના પરથી સંપૂર્ણ નાટક ‘મૃચ્છકટિક’ શૂદ્રકે લખ્યું હોવાનું કહે છે. કેટલાક વિવેચકો મૃચ્છકટિકનું સંક્ષિપ્ત રૂપ ‘ચારુદત્ત’ છે એમ કહે છે. ગમે તે હોય, આ નાટક શૃંગારરસપ્રધાન અને સફળ નાટક છે. તેમાં બ્રાહ્મણ નાયકનો ગુણથી આકર્ષાયેલી ગણિકા વસંતસેના સાથેનો પ્રણય પ્રણાલિકાભંજક છે.

(13) અવિમારક : લોકકથા પર આધારિત આ પ્રણયપ્રધાન નાટક છ અંકનું બનેલું છે. એમાં ઘેટાના રૂપમાં રહેલા રાક્ષસને મારનાર અવિમારક રાજકુમાર વિષ્ણુસેન અને રાજકુમારી કુરંગીની પ્રણયકથા છે. પ્રથમ અંકમાં ઉદ્યાનવિહાર કરવા ગયેલી રાજકુમારી કુરંગીને હાથીના હુમલામાંથી શાપને લીધે અંત્યજના વેશમાં રહેતો સૌવીર દેશનો રાજકુમાર વિષ્ણુસેન બચાવે છે અને કુરંગી તથા વિષ્ણુસેન એકબીજાના પ્રેમમાં પડે છે. રાજા કુંતિભોજ રાણી સાથે પુત્રી કુરંગીના લગ્ન વિશે વિચાર કરે છે અને સૌવીર અથવા કાશીના રાજકુમારોમાંથી ગમે તે એક સાથે પરણાવવાનું નક્કી કરે છે. બીજા અંકમાં કુરંગીની દાસી વિદૂષકને છેતરી તેની વીંટી પડાવી લે છે. કુરંગીની ધાવમાતા અવિમારક વિષ્ણુસેન પાસે જઈ તેને કુરંગીને મળવા અંત:પુરમાં આવવાનું નિમંત્રણ આપે છે. વિદૂષકની ના હોવા છતાં વિષ્ણુસેન એ નિમંત્રણ સ્વીકારે છે. ત્રીજા અંકમાં કુરંગી કાશીના રાજકુમાર સાથે લગ્ન ન કરવાનો નિર્ણય પોતાની દાસી સાથે વાતચીતમાં જણાવે છે. બીજી બાજુ અવિમારક વિષ્ણુસેન મુશ્કેલીઓને પસાર કરી રાત્રીએ કુરંગી પાસે પહોંચે છે અને મહેલની અંદરના ભાગમાં બંનેનું પ્રથમ મિલન થાય છે. ચોથા અંકમાં રાજાને બંનેના પ્રેમની ખબર પડતાં પકડાવાના ડરથી અવિમારક ત્યાંથી ભાગે છે. વિરહવેદનામાં ડૂબીને તે અગ્નિપ્રવેશ કરી આત્મહત્યા કરવા યત્ન કરે છે, પરંતુ વરદાનને લીધે અગ્નિ તેને બાળતો નથી. એ પછી પર્વત પરથી કૂદીને આપઘાતનો પ્રયત્ન કરવા જતાં અકસ્માત્ મળેલા વિદ્યાધર પાસેથી અર્દશ્ય અને ર્દશ્ય થઈ શકાય તેવી વીંટી વિષ્ણુસેનને મળે છે. આથી તે વીંટી લઈને પાછો ફરે છે. પાંચમા અંકમાં કુરંગી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન કરવા જતાં વાદળની ગર્જના સાંભળી ડરી જાય છે. એ સમયે વીંટીથી અર્દશ્ય બનેલો અવિમારક વિષ્ણુસેન આવે છે અને બંનેનું ફરી મિલન થાય છે. છઠ્ઠા અંકમાં રાજા કુંતિભોજ પુત્રી કુરંગીનાં લગ્ન કાશીના રાજકુમાર સાથે કરવાનું વિચારે છે, ત્યાં જ તેના નગરમાંથી સૌવીરદેશના રાજા મળી આવે છે. તે પોતાના પુત્ર અવિમારક વિષ્ણુસેનની શોધમાં છે. ત્યાં નારદમુનિ આવીને જણાવે છે કે અવિમારક વિષ્ણુસેન અંત:પુરમાં જ છે અને કુરંગી સાથે તેનું ગાંધર્વલગ્ન થઈ ગયું છે. આથી કુંતિભોજની બીજી પુત્રી સુમિત્રાનું લગ્ન કાશીના રાજકુમાર સાથે કરવાની ભલામણ તે કરે છે.

આ નાટકને કેટલાક વિવેચકો પ્રકરણ પણ માને છે. આ સુખાન્ત નાટકમાં શૃંગારરસ મુખ્ય છે, સાહસિક પ્રણયવાર્તા મજાની છે, પરંતુ વિદ્યાધર, જાદુઈ વીંટી, નારદમુનિ વગેરે દિવ્ય તત્વો વડે તેને સુખાન્ત બનાવવામાં આવ્યું છે. કરુણાન્ત ‘ઊરુભંગ’ નાટક કરતાં સુખાન્ત ‘અવિમારક’ નાટક તદ્દન જુદા પ્રકારનું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી