ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર મેળવવું. (2) બજારમાં એકમની પેદાશના વેચાણને જાળવી રાખવું કે ધારવું. (3) બજારમાં ઝડપથી પ્રવેશ મેળવવો. (4) હરીફોને પહોંચી વળવું અને (5) કુલ માંગ અને કુલ પુરવઠાનાં પરિબળોમાંથી મહત્તમ નફો પ્રાપ્ત કરવો અથવા નુકસાન ન્યૂનતમ થાય તે જોવું.

સંચાલકો મનસ્વી રીતે ભાવનિર્ધારણની નીતિ નક્કી કરી શકતા નથી. તેમના પર અનેક પરિબળો અસર કરે છે; જેમ કે, કંપનીનું ધ્યેય સિદ્ધ થઈ શકે તે રીતે ભાવ નક્કી કરવામાં આવે છે. ભાવનિર્ધારણવેળા ઉત્પાદિત વસ્તુની પડતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉત્પાદન-પડતર નક્કી કરવામાં કાચો માલ, મજૂરી, કરવેરા, વ્યાજ જેવા ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. અન્ય હરીફોની ઉત્પાદિત વસ્તુની કિંમતને ધ્યાનમાં રાખ્યા વગર જો કોઈ ઉત્પાદક વસ્તુના ભાવ નક્કી કરે તો તે બજારમાંથી ફેંકાઈ જાય છે. ઉત્પાદિત વસ્તુના ઉપભોક્તા વર્ગનો પ્રકાર, તેમનું શૈક્ષણિક સ્તર, ઉપભોક્તાની ખરીદશક્તિ વગેરેને ધ્યાનમાં રાખી વસ્તુના ભાવ નક્કી કરવામાં આવે છે. ઉપભોક્તા વર્ગને વેચાણ પછીની સેવા પૂરી પાડવાની હોય તો તે પણ ધ્યાનમાં લઈ કિંમત નક્કી કરવામાં આવે છે. ઉત્પાદિત માલની ગુણવત્તા ઊંચી છે એવી છાપ ગ્રાહક વર્ગમાં ઊભી થાય તો ગ્રાહકો વસ્તુની ઊંચી કિંમત આપવા તૈયાર થાય છે. ઉત્પાદક એકમ ગ્રાહકને પ્રત્યક્ષ રીતે વેચાણ કરતું હોય તો કિંમત નક્કી કરવાનું સ્વાતંત્ર્ય તેની પાસે વધુ રહે છે. મધ્યસ્થીઓની મદદ લઈ માલનું વેચાણ થતું હોય તો કિંમત નક્કી કરવાનું સ્વાતંત્ર્ય એકમ પાસે ઓછું રહે છે. વળી ગ્રાહકો અને ઉત્પાદકોનાં હિતોને ધ્યાનમાં રાખી કાયદા દ્વારા વસ્તુની કિંમત તેની બજારકિંમત દ્વારા ઊંચી કે નીચી રાખવાનો સરકાર પ્રયાસ કરે ત્યારે તેને ભાવઅંકુશ કહેવાય છે. આ સંજોગમાં ઉત્પાદકો મનસ્વી રીતે કિંમત લઈ શકતા નથી.

વસ્તુના ભાવ નક્કી કરવામાં વસ્તુની માંગ અને પુરવઠો પણ અગત્યનો ભાગ ભજવે છે. જો વસ્તુની માંગના પ્રમાણમાં વસ્તુનો પુરવઠો ઓછો હોય તો ઉત્પાદક તે વસ્તુના ભાવ વધુ લઈ શકે છે. આનાથી વિરુદ્ધની પરિસ્થિતિમાં ભાવ ઓછા રાખવા પડે છે. ભાવનિર્ધારણમાં સમયગાળો પણ મહત્વનું પરિબળ છે. પ્રો. આલ્ફ્રેડ માર્શલે માંગ-વિશ્લેષણમાં સમયના ગાળાને ત્રણ ભાગમાં વહેંચ્યો છે : (1) અતિ ટૂંકા ગાળામાં વસ્તુની કિંમતના ફેરફાર અનુસાર તેના પુરવઠામાં તાત્કાલિક ફેરફાર થઈ શકતો નથી. આમ, અતિ ટૂંકા ગાળામાં વસ્તુની કિંમત નક્કી કરવામાં ફક્ત માંગ જ મહત્વની બને છે. (2) ટૂંકા ગાળામાં વસ્તુની માંગના વધારાની સાથે પુરવઠામાં થોડોક વધારો કરી શકાય છે, અને (3) લાંબા ગાળે વસ્તુની કિંમત નક્કી કરવામાં માંગની સરખામણીએ પુરવઠો વધારે મહત્વનો બને છે. આ ત્રણેય સમયગાળા સમજવા માટે ઉદાહરણ ઉપયોગી થશે : (1) ભીંડાનો ભાવ ધારો કે 1 કિગ્રા.ના રૂ. 8 છે. અતિ ટૂંકા ગાળામાં કોઈ કારણસર તેનો ભાવ વધીને રૂ. 12 થાય તો પણ તાત્કાલિક ભીંડાનો પુરવઠો વધારી શકાશે નહિ. એ જ રીતે જો કિંમત ઘટીને રૂ. 6 થાય તો તેનો પુરવઠો ઘટાડી શકાશે નહિ; કારણ કે ભીંડાને લાંબા સમય સુધી સંગ્રહી શકાય નહિ. તે બગડી જાય. આથી ખોટ ખાઈને પણ એણે ભીંડા વેચી દેવા પડશે. (2) ટૂંકા ગાળામાં બીજા ગામમાંથી ભીંડા લાવી બજારમાં પુરવઠો વધારી શકાય છે, અને (3) લાંબા ગાળે ઉત્પાદકો ઉત્પાદન વધારી બજારમાં પુરવઠો વધારી શકે છે. આમ

ભાવનિર્ધારણ

ભાવનિર્ધારણમાં માંગ અને પુરવઠો મહત્વનાં હોવા છતાં, સમયની ર્દષ્ટિએ બંનેનું મહત્વ અલગ અલગ છે. ભાવ-નિર્ધારણની પદ્ધતિઓ આલેખ દ્વારા નીચે મુજબ સમજાવી શકાય.

અશ્વિની કાપડિયા