ભાવે, વિષ્ણુદાસ (વિષ્ણુ અમૃત) (જ. 9 ઑગસ્ટ 1818; અ. 1901) : આધુનિક મરાઠી રંગભૂમિના જનક. સાંગલી સંસ્થાનના અધિપતિ ચિંતામણરાવ ઉર્ફે અપ્પાસાહેબ પટવર્ધનની ખાનગી કચેરીમાં તેઓ નોકરી કરતા હતા. એક કુશળ તંત્રજ્ઞ અને પારંપરિક કઠપૂતળી (પપેટ્રી) કળાના તેઓ જાણકાર હતા. કથા, કવિતા લખવાનો છંદ હતો. કર્ણાટકની પારંપરિક યક્ષગાન શૈલીમાં નાટકો ભજવતી એક કાનડી નાટકમંડળીએ સાંગલીમાં રજૂ કરેલા નાટ્યપ્રયોગો જોઈ સાંગલી સંસ્થાનના રાજવીની પ્રેરણાથી 1843માં સાંગલીમાં પ્રથમ મરાઠી નાટક ‘સીતાસ્વયંવર’ લખીને તેમણે તેની રજૂઆત કરી. ત્યારપછી પચાસ ઉપરાંત નાટકો લખ્યાં અને ભજવ્યાં.
વિષ્ણુદાસ ભાવેની નાટકમંડળીના નાટ્યપ્રયોગો મહારાષ્ટ્રનાં પ્રમુખ શહેરોમાં તેમજ કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં પ્રમુખ શહેરોમાં થયા છે. મુંબઈમાં એક વાર એમણે રાજા ગોપીચંદ નામનું હિંદી નાટક રજૂ કર્યું, જેને હિંદી રંગમંચનું પ્રથમ નાટક માનવામાં આવે છે. વિષ્ણુદાસ-પ્રણીત પૌરાણિક નાટકશૈલીમાં નાટકો કરવા આવેલી નાટકમંડળીના કોઈ રામભાઉ નામથી ઓળખાતા કલાકારે અમદાવાદમાં એક નાટક ગુજરાતી ભાષામાં રજૂ કર્યું હતું. એ જ ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક એમ ચંદ્રવદન મહેતા જેવા નિષ્ણાતોએ લખ્યું છે.
વિષ્ણુદાસપ્રણીત પૌરાણિક મરાઠી નાટકોમાં માત્ર ગીતો જ લખાતાં, જેની રજૂઆત અનુરૂપ સ્વરયોજના સાથે સૂત્રધાર કરતો હતો અને ગદ્ય-સંવાદો નટો પોતે જે પાત્ર ભજવતા હોય તે પ્રમાણે સ્વયંસ્ફુરણાથી જોડી કાઢીને અભિનય દ્વારા રજૂ કરતા હતા.
વિષ્ણુદાસ ભાવે તેમનાં પૌરાણિક નાટકોમાં આવતાં વિવિધ દેવ અને રાક્ષસનાં પાત્રો માટે નટોને ખાસ શારીરિક તાલીમ અને અવાજની તાલીમ આપતા હતા. ઘણા અખતરા પછી જ્યારે એમને લાગ્યું કે રાક્ષસ પાત્ર માટેના નટો એમની કલ્પના અનુસાર રાક્ષસનું રૂપ ઊભું કરી શકતા નથી ત્યારે રાક્ષસ પાત્રો માટે એમણે ખાસ લાકડાની પૂતળીઓ બનાવી હતી. આવી કઠપૂતળીઓના અવશેષો સાંગલીમાં એમના પ્રપૌત્રના ઘરમાં સચવાયેલ છે. વિષ્ણુદાસ ભાવેનાં નાટકોમાંનાં ગીતોનો સંગ્રહ ‘નાટ્ય કવિતા સંગ્રહ’ નામથી 1885માં પ્રસિદ્ધ થયો છે, જેની સુધારેલી આવૃત્તિ એમના પૌત્ર વાસુદેવ મ. ભાવેએ 1943માં પ્રસિદ્ધ કરી હતી.
યશવંત કેળકર