ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે એક ચિત્રકારના પ્રેમમાં પડે છે. ‘વાઇલ્ડ કૅટ ઑવ્ બૉમ્બે’ ફિલ્મમાં આ અભિનેત્રી અનેક ભૂમિકામાં ચમકી હતી. 1927–29 દરમિયાન ભાવનાની ઇમ્પીરિયલ કંપનીમાં જોડાયા, જ્યાં તેમણે ‘ખ્વાબે હસ્તી’ ફિલ્મનું નિર્માણ કર્યું. સવાક્ ફિલ્મોનો જમાનો આવતાં તેઓ તેના અભ્યાસ માટે 1930માં જર્મની ગયા. 1931–32માં તેમણે ઇંડિયન આર્ટ પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી અને સ્વતંત્ર નિર્માતા બન્યા. 1933–34માં અજંટા સિનેટોન અને 1935–1948 દરમિયાન પોતાની માલિકીની ભાવનાની પ્રોડક્શન કંપની સંભાળી. સવાક્ ચિત્રોના નિર્માણકાર્યમાં તેમને સફળતા મળી નહિ. જોકે દુર્ગા ખોટે જેવી અભિનેત્રી ફિલ્મઉદ્યોગને મળી. ‘મઝદૂર’ ફિલ્મની પટકથા માટે પ્રેમચંદને રોકવામાં આવ્યા. ત્યારબાદ તેમણે પ્રથમ રંગીન ફિલ્મ ‘અજિત’ 16 એમ.એમ.માં બનાવીને 35 એમ.એમ.માં વિસ્તરણ કરાવી. 1948–1955 દરમિયાન તેઓ ફિલ્મ્સ ડિવિઝનના પ્રથમ નિર્માતા તરીકે રહ્યા. ચીની વડાપ્રધાન ચૂ એન લાઈના નિમંત્રણથી ચીન જઈ તેમણે ચીન વિશે દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું. ફિલ્મોની સૂચિ : (1925) સિનેમાની રાની, માતૃપ્રેમ, વીરબાળા, શેઠ સગાળશા; (1926) પાગલ પ્રેમી, દીવાન ભામાશા, મેનાકુમારી, રા ક્વાત, સમ્રાટ શીલાદિત્ય, ભમતો ભૂત; (1927) નસીબની લીલી, દયાની દેવી, ટ્રસ્ટ યૉર વાઇફ, વાઇલ્ડ કૅટ ઑફ બૉમ્બે, ગામડાની ગોરી; (1928) પાંડવ પટરાણી; (1929) હવાઈ સવાર, ખ્વાબે હસ્તી; (1930) વસંતસેના; (1931) શકુંતલા, ફરેબી જાળ, લફંગા લંગૂર; (1932) વીર કુણાલ; (1933) સફઝલ, રંગીલા રાજપૂત; (1934) દર્દે દિલ, મઝદૂર, સૈરે પાકિસ્તાન; (1935) જંગબહાદૂર, નવજીવન, શાદી કી રાત; (1936) દિલાવર, ગરીબપરવર, જાગરણ; (1937) ઝમ્બો ધી એપ મૅન; (1938) ડબલ ક્રૉસ, હિમાલય કી બેટી, યાંગ્રિલા; (1939) ઝમ્બો કા બેટા; (1940) જૂઠી શર્મ, પ્રેમનગર; (1945) બીસવીં સદી; (1946) રંગભૂમિ; (1948) અજિત.
પીયૂષ વ્યાસ