ભાલણ (પંદરમી સદી ઉત્તરાર્ધ–ઈ. સોળમી સદી પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે પાટણનો વતની અને સંસ્કૃતનો વ્યુત્પન્ન પંડિત હતો. આરંભમાં એ દેવીભક્ત હતો પણ જીવનના અંતભાગમાં રામભક્ત બન્યો હોવાનું એની રચનાઓ દ્વારા સમજાય છે. એણે રચેલાં કહેવાતાં ‘દશમસ્કંધ’માંનાં કેટલાંક વ્રજભાષાનાં પદોથી એ વ્રજભાષાનો પણ સારો જાણકાર હોવાનું અનુમાની શકાય. પુરુષોત્તમ મહારાજ તરીકે એની ખ્યાતિ હતી અને કવિ ભીમ પુરુષોત્તમનો ગુરુ તરીકે નિર્દેશ કરે છે એ ભાલણ હોવાનો સંભવ છે. એણે સૌપ્રથમ વાર ગુજરાતી ભાષા માટે ‘ગુજર ભાષા’ એવો શબ્દપ્રયોગ કર્યો છે.
ભાલણે આખ્યાનો અને પદોનું સર્જન કર્યું છે અને બાણભટ્ટની મહિમાવંતી ગદ્યકથા ‘કાદંબરી’ને સમુચિત કાટછાંટ કરીને ગુજરાતી પદ્યમાં અવતારી છે. આખ્યાન-કવિતાનો એ પિતા ગણાય છે, કારણ કે એની પૂર્વે કવિઓએ કથાત્મક કાવ્યપ્રકારની ઉપાસના કરી છે, પરંતુ કડવાંબદ્ધ આખ્યાનશૈલીનો પ્રયોગ તો એણે જ પ્રથમ વાર કરેલો જણાય છે.
પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એણે કેટલાંક આખ્યાનો લખ્યાં છે. આદ્યશક્તિવિષયક ‘સપ્તશતી’, શિવપુરાણની શિકારીની કથાવાળું ‘મૃગી આખ્યાન’, પદ્મપુરાણમાંથી વસ્તુ લઈને ‘જાલંધર આખ્યાન’, ગણિકા મામકીની રામભક્તિ નિરૂપતું ‘મામકી આખ્યાન’, ભાગવતની ધ્રુવકથા વર્ણવતું ‘ધ્રુવાખ્યાન’ અને મહાભારતની નળકથાને આલેખતું ‘નળાખ્યાન’ જેવાં કેટલાંક આખ્યાનો એણે લખ્યાં છે. એનાં આખ્યાનોમાં એ મૂળ કથાનું જ મુખ્યત્વે અનુસરણ કરતો હોવાથી અને પ્રસંગોને સંક્ષેપમાં રજૂ કરતો હોવાથી પ્રેમાનંદ કવિની જેમ એની મૌલિક કલ્પનાશક્તિનું એમાં પ્રવર્તન થતું નથી. આ સર્વ આખ્યાનોમાં ‘નળાખ્યાન’ એની નોંધપાત્ર આખ્યાનકૃતિ છે. આ આખ્યાન ઊથલા-વલણ વગરનાં 30/33 કડવાંમાં રચાયેલું છે અને સંસ્કૃત મહાકવિ શ્રી હર્ષના ‘નૈષધીય ચરિત’ મહાકાવ્ય તેમજ ત્રિવિક્રમના ‘નલચંપૂ’નો ઓછોવત્તો પ્રભાવ ઝીલતું, શૃંગાર અને કરુણનું આકર્ષક નિરૂપણ કરતું પ્રાસાદિક આખ્યાન છે. એણે બીજું પણ ‘નળાખ્યાન’ લખ્યું હોવાનું કહેવાય છે, પણ એ શંકાસ્પદ છે. ભાલણની નળકથાએ અનુગામી જૈન-જૈનેતર કવિઓને નળવિષયક આખ્યાનો લખવા પ્રેર્યા છે. મહાભારત પ્રમાણે નળનો રાજમંદિરમાં ગુપ્ત રીતે થતો પ્રવેશ અને પછી ‘નૈષધીય ચરિત’ પ્રમાણે એ અપ્રગટ નળને સખીઓ સાથે પકડી પાડવાનો કસબ એમાં સરસ રીતે વર્ણવાયો છે. દમયંતીત્યાગ પછી એની અસહાય સ્થિતિનું સવિગત વર્ણન ભારતીય નારીના મનોભાવો સાથે નિરૂપાયું છે. પરિસ્થિતિજન્ય કરુણ અને ચમત્કારજન્ય અદ્ભુત આ આખ્યાનમાં સારી રીતે આલેખાયા છે.
ભાલણની પદરચનાઓમાં ‘દશમસ્કંધ’ અને ‘રામબાલચરિત’ સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે. ભાલણે ‘દશમસ્કંધ’નો અનુવાદ પદોમાં કરેલો છે, પણ એ નામભેદે કડવાં જ છે. પદથી કડવાં પ્રતિ થતી ગતિ અહીં દેખાય છે. એણે સારી માવજત કરી હોય એવા ‘દાણલીલા’ના પ્રસંગ-ઉમેરણમાં, કાલિયનાગદમનના સવિસ્તર વર્ણન દ્વારા પ્રગટ થતી યશોદાની વ્યાકુળ મન:સ્થિતિના ચિત્રણમાં, ગોવર્ધન પર્વત ધારણ કરવાના પ્રસંગે કૃષ્ણ પર બ્રહ્માપ્રેરિત કામધેનુના પવિત્ર દૂધના અભિષેક-નિરૂપણમાં, પૂતનાવધના વર્ણનમાં તેમજ રાસલીલા અને રુક્મિણીના વિવાહના રસમય આલેખનમાં ભાલણની કવિશક્તિનું સારું દર્શન થાય છે. વાત્સલ્ય એનો પ્રિયરસ છે અને એ કૃષ્ણની બાલચેષ્ટાઓનાં સ્વભાવોક્તિયુક્ત વર્ણનમાં માર્મિક રીતે નિષ્પન્ન થતો અનુભવાય છે. કરુણના આલેખનમાં પણ એ સફળ રહ્યો છે. ભાલણ હૃદયથી રામભક્ત હોવાથી કૃષ્ણલીલાના વર્ણનમાં પણ કૃષ્ણને એ રઘુનાથરૂપે ભજે છે. ‘રુક્મિણીવિવાહ’ તથા ‘સત્યભામાવિવાહ’ એ સ્વતંત્ર કૃતિઓ પણ ભાલણે અહીં સમાવિષ્ટ કરી છે.
ચાળીસ પદવાળા ‘રામબાલચરિત’માં રામજન્મથી સીતાસ્વયંવર સુધીના પ્રસંગો કવિએ વર્ણવ્યા છે. આ પદોમાં કવિ માતૃહૃદયના ભાવલોકનું પ્રભાવક ચિત્ર આલેખી શક્યા છે. રામની બાળક્રીડાઓ-ચેષ્ટાઓ અને બાલપ્રકૃતિ તેમજ કૌશલ્યાના માતૃહૃદયનાં સંવેદનો અહીં સૂક્ષ્મતાથી વિશદમધુર પદોમાં પ્રગટ થયાં છે. બાલક્રીડાના ચમત્કારને વ્યક્ત કરતું ‘ઝૂલડી ક્યાંય વિસારી’, સુંદર સ્વાભાવિક વર્ણનનું ‘રામ રંગે રીખે’, ચાતુર્ય-ભક્તિ પ્રગટ કરતું ‘નાવિક વળતો બોલિયો’ જેવાં ભાલણનાં કેટલાંક મનોહર પદો ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. એનાં રામવિષયક પદો માર્મિક ભક્તિકાવ્યો છે. એમાં કવિએ ભક્તના હૃદય-ભાવો અત્યંત મૃદુતાથી નિરૂપ્યા છે.
‘કાદંબરી’ ભાલણની કીર્તિદા રચના છે. બાણભટ્ટની ગદ્યકથા ‘કાદંબરી’ને 40 પદ્ય-કડવાંવાળા આખ્યાન સ્વરૂપમાં ઢાળીને ભાલણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પંડિતો જ સમજી શકે અને આસ્વાદી શકે એવી અસંખ્ય સંસ્કૃત સમાસોવાળી, વાક્યાવલિઓમાં વિસ્તરેલી, બુદ્ધિની વ્યાયામશાળા જેવી આ સંસ્કૃતની રસમય કથાને ભાલણે, એ કથાનો આસ્વાદ કરવા ઇચ્છતા મુગ્ધરસિક ગુજરાતી વાચકો માટે ગુજરાતી પદ્યમાં ટૂંકાવીને અનુવાદ રૂપે રજૂ કરી છે. એમાં ભાલણની રૂપાંતરકલાનો સુંદર વિનિયોગ થયો છે. મૂળ કથાને સંક્ષેપમાં રજૂ કરી હોવાથી મૂળનું કેટલુંક એણે ત્યજી દીધું છે કે ટૂંકાવ્યું છે; ક્યાંક રૂપાંતર કર્યું છે અને ક્યાંક પોતાની કવિત્વશક્તિના ઉન્મેષો એણે નવા પ્રસંગો ઉમેરીને પ્રગટ પણ કર્યા છે. મૂળના અલંકારો, મૂળની કલ્પનાઓ અને વર્ણનોના વૈભવથી ગુજરાતી વાચક વિમુખ ન રહી જાય એ માટે એણે ખૂબ સંભાળ રાખી છે. પંપા તથા અચ્છોદ સરોવરોના વર્ણનમાં, અપુત્ર વિલાસવતીની પુત્ર-ઝંખનાવાળા વાત્સલ્યરસથી સભર કાવ્યાત્મક નિરૂપણવાળા ઉમેરણમાં ભાલણની સર્ગશક્તિનો મનોરમ પરિચય મળે છે. રસજ્ઞ કવિપંડિતની કલ્પના-કથાનો આ ગુજરાતી પદ્યદેહ ભાલણની પ્રૌઢ ભાવોચિત ભાષાની સમૃદ્ધિનો પણ ખ્યાલ આપે છે. ભાલણ પાસે ભાષાને વિશદ રીતે પ્રયોજવાનું આગવું કૌશલ છે, ભાવને રસમય રીતે નિરૂપવાની કવિત્વશક્તિ છે અને વિશેષ તો વાત્સલ્યભાવના પ્રભાવક આલેખનની ઉત્તમ કળા છે.
ચિમનલાલ ત્રિવેદી