ભારતી, સુબ્રમણ્યમ્ (જ. 11 ડિસેમ્બર 1882, એટ્ટયપુરમ્, જિ. તિરુનેલવેલી, તમિલનાડુ; અ. 1921) : વીસમી સદીના પ્રારંભિક કાળના સૌથી મહાન તમિળ કવિ. 1880માં એટ્ટયપુરમ્ ખાતે પ્રથમ કાપડ-મિલના સ્થાપક અને પશ્ચિમી તકનીકના હિમાયતી વિદ્વાન બ્રાહ્મણ ચિન્નાસ્વામી આયરના પુત્ર. 5 વર્ષની વયે માતાનું અવસાન. 14 વર્ષની વયે લગ્ન થયું. તિરુનેલવેલીની હિન્દુ કૉલેજમાં કેટલુંક અંગ્રેજી શિક્ષણ લીધું. પિતાનું પણ એકાએક અવસાન થતાં કાશીમાં
ફોઈને ત્યાં રહી કૉલેજમાં અભ્યાસ કર્યો. પ્રકૃતિ પ્રત્યે અનહદ પ્રીતિ અને અંગ્રેજી તરફ અરુચિ થઈ. ઉંમરની ર્દષ્ટિએ વધારે હોશિયાર અને સમજણા એવા આ બાળકે 10 વર્ષની નાની ઉંમરે ઊર્મિગીતોની રચના કરવા માંડી. એટ્ટયપુરમના રાજા દ્વારા પુરસ્કૃત સાહિત્યસ્પર્ધામાં સફળ કાવ્યરચના બદલ તેમને માત્ર 11 વર્ષની વયે ‘ભારતી’નો ઇલકાબ અપાયો અને ત્યારથી તે સુબ્રમણ્યમ્ ભારતી તરીકે ઓળખાયા. 1897માં તેઓ ‘જમીન-સેવા’માં જોડાયા. તેમણે બનારસમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષા પસાર કરી (1901). મદુરાઈ ખાતે તમિળના શિક્ષક તરીકે 1904માં કામગીરી કર્યા બાદ ચેન્નાઈ ખાતે તમિળ દૈનિક ‘સ્વદેશમિત્ર’માં જોડાયા. 1905માં ત્યાંથી છૂટા થઈને ‘ઇન્ડિયા’ સમાચારપત્રના તંત્રી બન્યા અને પહેલી વાર રાજકીય વ્યંગચિત્રો પ્રગટ કર્યાં. સિસ્ટર નિવેદિતાની પ્રેરણાથી જ્ઞાતિ-પ્રથાની નાબૂદી અને સ્ત્રીશિક્ષણ પર કાવ્યો અને લેખો લખ્યાં; સાથોસાથ અંગ્રેજી અઠવાડિક ‘બાલભારતમ્’ શરૂ કર્યું.
ચેન્નાઈમાં સ્વામી વિવેકાનંદ, બાળગંગાધર ટિળક અને શ્રી અરવિંદ જેવી પ્રતિષ્ઠિત ભારતીય પ્રતિભાઓનાં વ્યાખ્યાનો તથા અંગ્રેજી સમાચારોના તમિળ અનુવાદોના અનુભવ દ્વારા તેમનામાં રાજકીય તથા સામાજિક સુધારાની ચેતના જાગ્રત થઈ. ‘ભારતની એકતા’ પરનાં તેમનાં ઉત્કટ દેશભક્તિનાં સંખ્યાબંધ કાવ્યોએ સમગ્ર તમિલનાડુમાં દેશપ્રેમ માટેની તીવ્ર ભાવના જગાડી અને સીધાં પગલાં લેવા લોકોને પ્રેર્યા. આથી તેઓ ‘રાષ્ટ્રકવિ’ તરીકે ઓળખાવા લાગ્યા. બિપિનચંદ્ર પાલની ચેન્નાઈની મુલાકાતથી સ્વદેશી ચળવળને વેગ મળતાં તેઓ આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા. તેઓ કૉંગ્રેસની ‘જહાલ’ ચળવળમાં નિકટપણે સંકળાયેલ રહેતા હોવાથી પોલીસ-કાર્યવહીથી બચવા પુદુચેરી ચાલ્યા ગયા (1908). ત્યાં તેમણે 10 વર્ષ સુધી ઉચ્ચ કોટિનાં કાવ્યોની તથા અન્ય સાહિત્યની રચના કરી. વળી, ‘ઇન્ડિયા’ દ્વારા જુસ્સાદાર પત્રકારત્વનું કાર્ય પણ કર્યું. 1910થી સરકારે તેમના ભારતીય જનતા સાથેના તમામ સંપર્કો કાપી કાઢ્યા. તેમણે 1918માં જેલવાસ ભોગવ્યો. આમ છતાં દેશનિકાલ કરાયેલ રાજકીય કેદી શ્રી અરવિંદ અને વી. વી. એસ. આયરની મિત્રતાએ તેમને વેદો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરવા પ્રેર્યા. એ રીતે તેઓ વેદાંતી બન્યા અને જીવનનું નવું ર્દષ્ટિબિંદુ પામ્યા. તેમણે 3 મહાન કાવ્યોની રચના કરી : (1) ‘કાન્નનપટ્ટુ’ જેમાં 23 ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે (1917). તેમાં તેમણે તાદાત્મ્યભાવે કૃષ્ણનો મિત્ર, માતા, પિતા, ચાકર, ગુરુ, શિષ્ય, રાજા, બાળક, પ્રેમી અને દેવ તરીકે મહિમા ગાયો છે. તેમાં રહેલા ‘નાયક-નાયિકાભાવ’ને કારણે તમિળ ભાષામાં તેનું સ્થાન અનન્ય છે. (2) ‘પાંચાલીશપથમ્’નો પ્રથમ ભાગ 1912માં પ્રગટ થયેલો, તેનો બીજો ભાગ 12 વર્ષ બાદ તૈયાર કરાયેલો. તેમાં અન્યાય સામે ઝુંબેશ ચલાવતી દ્રૌપદીના રૂપક દ્વારા અન્યાય સામે પડકાર ઝીલતી ભારતમાતાને દર્શાવી છે અને (3) ‘કુચિલ પટ્ટુ’ ભારતીય બુલબુલ, બળદ, અને વાનરને ઉદ્દેશીને રચેલ બોધકથારૂપ કાવ્ય છે. તેનો મુખ્ય સૂર એવો છે કે પૃથ્વી પર દૈવી પ્રેમ અશક્ય છે. આ કાવ્યોનો રચનાકાળ તેમની કારકિર્દીનો સૌથી વધુ રચનાત્મક કાળ હતો.
તેમનાં કાવ્યોને 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) સ્વદેશપ્રેમનાં કાવ્યો, (2) ભક્તિગીતો, (3) પ્રકીર્ણ કાવ્યો અને (4) 3 મહાન કાવ્યો. તેમનાં સમર્થ ઊર્મિકાવ્યોનો પ્રથમ સંગ્રહ ‘સ્વદેશગીતાંજલિ’ 1908માં અને બીજો ‘જન્મભૂમિ’ 1909માં પ્રગટ થયો હતો. ‘શક્તિ’ ભારતીનાં ઇષ્ટ દેવતા હતાં. પ્રકીર્ણ કાવ્યો સામાજિક સુધારાને અનુલક્ષીને લખાયાં હોય તેમ લાગે છે. ઘણાં કાવ્યો કુદરત, શિક્ષણ અને શ્રમના ગૌરવને સ્પર્શે છે. ‘વચનકવિતા’માં ઘણાં પ્રાકૃતિક કાવ્યોનો સંગ્રહ કરાયો છે.
તેમણે વેદોનાં સ્તોત્રો, પાતંજલિનું યોગસૂત્ર અને ભગવદગીતાનો તમિળ ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે ઊર્મિકાવ્યો ઉપરાંત, વૃત્તાન્તકથાઓ, નાટ્યોચિત વાર્તાલાપો, ગદ્યાત્મક કાવ્યો અને મહાકાવ્યો લખ્યાં છે. તેમાં તેમની ‘જ્ઞાનરથમ્’ ગદ્યમાં લખાયેલી શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. બ્રિટિશ સરકારના ગુપ્તચરો દ્વારા ચોરાયેલી તેમની આત્મકથારૂપ નવલ ‘ચિન્ના શંકરાન કથઈ’ પછી ક્યારેય પ્રાપ્ત થઈ નથી. તેમની અપૂર્ણ નવલકથા ‘ચંદ્રિકાયિન કથા’ છે. ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ના અનુકરણરૂપે રચેલી તેમની બોધકથાઓ આજે પણ તમિલનાડુમાં જાણીતી છે. તેમનું ‘નવતંત્ર કથાઈગલ’ તમિળમાં બાલસાહિત્યની પૂર્વગામી રચના હતી તો ‘તરાસુ’ અને ‘સુમ્મા’ જેવા તેમના નિબંધસંગ્રહો છે. તેમણે પોતાનાં કેટલાંક કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. તેઓ ઘણી ભાષાના પારંગત હતા. તેઓ દેશભક્તિનાં કાવ્યો દ્વારા પ્રતિષ્ઠા પામ્યા તો બીજી તરફ ભક્તિગીતો દ્વારા સામાન્ય જનતાના હૃદયમાં સ્થાન પામ્યા હતા. તેઓ ખૂબ જ ધર્મપરાયણ વ્યક્તિ હતા. તેમણે આપણી પ્રણાલીઓમાં હિંમતભેર અલગ ચીલો ચાતર્યો.
એમનાં અંગ્રેજી લખાણો ‘અગ્નિ ઍન્ડ અધર પોએમ્સ ઍન્ડ ટ્રાન્સલેશન’ અને ‘એસેઝ ઍન્ડ અધર પ્રોઝ ફ્રૅગ્મેન્ટ્સ’(1937)માં સંગૃહીત કરાયાં છે. તેમનાં આત્મચરિત્રાત્મક લખાણોમાં ‘એ ડ્રીમ’ અને ‘ભારતી સિક્સટી-સિક્સ’નો સમાવેશ થાય છે.
ચન્દ્રકાન્ત મહેતા
બળદેવભાઈ કનીજિયા