ભારતીય સાહિત્યશાસ્ત્ર (1956) : મરાઠી કૃતિ. નાગપુર વિશ્વવિદ્યાલયના સંસ્કૃતના પ્રાધ્યાપક અને પંડિત ગણેશ ત્ર્યંબક દેશપાંડેના ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર’ પુસ્તકને 1956ના મરાઠી સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. એમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો સળંગ ઇતિહાસ આપેલો છે; એટલું જ નહિ, પણ એમાં કવિતા તેમજ નાટક વિશેના ભરતથી જગન્નાથ પંડિત સુધીના સર્વે કાવ્યશાસ્ત્રકારોના સિદ્ધાંતોની મુલવણી કરી છે અને એ સિદ્ધાંતો વિશે સંસ્કૃતમાં જે ટીકાઓ થઈ છે તે ટીકાઓની સર્વાંગીણ ચર્ચા કરી છે અને પોતાનો સ્વતંત્ર મત દર્શાવ્યો છે. એમણે ‘રસ’ વિશેનાં ભરતથી આનંદવર્ધન સુધીના બધાનાં મંતવ્યોને તપાસ્યાં છે; એટલું જ નહિ, પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થયેલી સૌંદર્યમીમાંસા પણ વિસ્તારથી ચર્ચી છે. મરાઠી કાવ્યશાસ્ત્ર વિશેના ગ્રંથોમાં આટલા વિસ્તારથી સૌંદર્યમીમાંસા પ્રથમ વાર ચર્ચાઈ છે. એ પુસ્તકની અન્ય એક વિશેષતા એ છે કે તેમાં ભારતીય સિદ્ધાંત જોડે પશ્ચિમના સિદ્ધાંતોનું તુલનાત્મક વિવરણ તેમણે કર્યું છે. એમના આ પુસ્તકનો હિંદી તથા ગુજરાતીમાં અનુવાદ થયો છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ તેને 1965માં પારિતોષિક મળ્યું હતું.
ચન્દ્રકાન્ત મહેતા