ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું ભારતીય માનક તંત્રમાં રૂપાંતર થયું છે. આ ધારા હેઠળ એને આ પ્રમાણેનાં કાર્યો સોંપવામાં આવ્યાં છે : (1) ભારતીય પ્રમાણો તૈયાર કરવાં, પ્રસિદ્ધ કરવાં અને પ્રોત્સાહિત કરવાં. (2) ભારતમાં કે અન્યત્ર કોઈ સંસ્થાએ સ્થાપિત કરેલ ધોરણને ભારતીય ધોરણ તરીકે માન્યતા આપવી. (3) ભારતીય માનક તંત્ર તરીકે ઓળખાતાં પ્રમાણિત ચિહ્નોની વિગતો નક્કી કરવી. (4) પ્રમાણિત ધોરણના ચિહ્નના ઉપયોગ માટે છૂટ આપવી. આવો પરવાનો પુન: તાજો કરવો, તેનો ઉપયોગ થતો મોકૂફ રાખવો અથવા રદ કરવો. (5) પરવાના આપવાની કે પુન: તાજા કરવાની ફી લેવી. (6) પ્રમાણીકરણ અને ગુણવત્તા-અંકુશ માટે પ્રયોગશાળાઓ સ્થાપવી, જાળવવી અને માન્યતા આપવી. (7) ઉપભોક્તા અને ઉત્પાદકોના હિતમાં ભારતીય ધોરણોની રચના માટે સંશોધન હાથ ધરવું. ગ્રાહકજાગૃતિ માટે પ્રયત્નો કરવા, અને (8) ભારતમાં કે ભારતની બહાર તપાસ કે ચકાસણી માટે કોઈ એક ઉત્પાદક કે ઉત્પાદકોના સંગઠન અથવા ઉપભોક્તાઓને લગતી એવી પ્રવૃત્તિઓ કે જે કોઈ પેદાશ કે પ્રક્રિયાની ગુણવત્તા સુધારવા માટેની હોય અથવા ગુણવત્તા-અંકુશની હોય તો એમની વચ્ચે સંકલન કરવા પ્રતિનિધિઓ નીમવા.
આ અને આવા પ્રકારનાં કાર્યો માટે ભારતીય માનક તંત્રની સ્થાપના થઈ છે. એણે દેશનાં મોટાં શહેરોમાં ચકાસણી માટેની પ્રયોગશાળાઓ શરૂ કરી છે. પ્રમાણોના ઉપયોગ માટે, પ્રયોગશાળા-ચકાસણી અને અંકશાસ્ત્રીય ગુણવત્તાને અંકુશિત કરવાના તાલીમી કાર્યક્રમો આ સંસ્થા/બ્યૂરો ગોઠવે છે. દર વર્ષે એક આંતરરાષ્ટ્રીય પ્રમાણીકરણ એન્જિનિયરોનો તાલીમ-કાર્યક્રમ ગોઠવે છે. વિકાસ પામતા દેશોમાં પ્રમાણીકરણ અને ગુણવત્તા-અંકુશનાં ક્ષેત્રોમાં પોતાના નિષ્ણાતોને મોકલીને બ્યૂરો એ દેશોને મદદ કરે છે. એ જ પ્રમાણે એ દેશોમાંથી તાલીમાર્થીઓને બોલાવીને નક્કી કરેલાં કાર્યક્ષેત્રોમાં તાલીમ આપે છે. ભારતીય માનક તંત્ર અન્ય રાષ્ટ્રોની અને આંતરરાષ્ટ્રીય માનક સંસ્થાઓ સાથે ગાઢ સંપર્કમાં રહે છે. આઇ.એસ.ઓ.ના ટૂંકા નામથી ઓળખાતી ઇન્ટરનૅશનલ ઑર્ગેનિઝેશન ફૉર સ્ટાન્ડર્ડાઇઝેશન, આઇ.ઇ.સી.ના ટૂંકા નામથી ઓળખાતી ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રો-ટૅકનિકલ ઑર્ગેનિઝેશન તેમજ સ્ટાન્ડર્ડ ઑવ્ યુરોપિયન યુનિયન સાથે રહીને બ્યૂરોએ 3,700 જેટલાં વૈશ્વિક પ્રમાણભૂત ધોરણો વિકસાવ્યાં છે. આ ધોરણોની મદદથી યુરોપ તેમજ વિશ્વમાં નિકાસ થતી ભારતીય પેદાશોની ગુણવત્તાની વિશ્વસનીયતા વધારવામાં આવે છે. બ્યૂરોની કામગીરીની ગુણવત્તા પણ ઊંચી છે, તેથી વૈશ્વિક ગુણાનુક્રમ સંસ્થાઓએ બ્યૂરોને શ્રેષ્ઠ સંસ્થા તરીકેનાં પ્રમાણપત્ર આપ્યાં છે. ડબ્લ્યૂ. ટી. ઓ.ના ટૂંકા નામથી ઓળખાતા વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનિઝેશનના કેન્દ્રીય માહિતી કેન્દ્ર તરીકે ભારતીય માનક તંત્ર સેવા આપે છે. એ કેન્દ્ર હેઠળ સમગ્ર વિશ્વને પ્રમાણિત ધોરણો, પ્રમાણપત્રો અને તકનીકી નિયંત્રણો માટેની માહિતી આપવામાં આવે છે. બસોથી પણ વધારે સંસ્થાઓને તેઓ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની ગુણવત્તાવાળી પેદાશો બનાવી રહી છે એવો દાવો કરતાં પ્રમાણપત્રો બ્યૂરોએ આપ્યાં છે.
દેશમાં પણ બ્યૂરોએ ખાદ્ય પદાર્થોથી માંડી ઇલેક્ટ્રૉનિક્સ સુધીની 1,500થી વધારે વસ્તુઓને આવરી લેતી પેદાશોનાં પ્રમાણીકરણનાં (પ્રમાણ)પત્રો તેર હજારથી પણ વધારે સંસ્થાઓને આપ્યાં છે. દર વર્ષે આ સંખ્યામાં વધારો થાય છે. આમ કરીને દેશની અંદરનાં બજારોમાં પણ વિશ્વસનીય ગુણવત્તાવાળી પેદાશોના વેપારને મહત્વનું સ્થાન આપ્યું છે. 21,000થી પણ વધારે ટૅકનિકલ નિષ્ણાતોની મદદથી ચોકસાઈ અને ઝીણવટપૂર્વકનાં સત્તર હજાર જેટલાં ભારતીય પ્રમાણિત ધોરણો બ્યૂરોએ તૈયાર કર્યાં છે. પ્રમાણિત ધોરણનું (પ્રમાણ)-પત્ર મેળવવાનું ઉત્પાદકો માટે મરજિયાત છે. આમ છતાં, જેમાં ગ્રાહકોની સલામતી અને જનવપરાશ અગ્રસ્થાને છે, એવા ગૅસના બાટલા, પોલાદની પેદાશો, વનસ્પતિ-ઘી, સિમેન્ટ, ખાદ્ય પદાર્થો જેવી પેદાશો માટે બ્યૂરો પાસેથી પ્રમાણીકરણનો પરવાનો મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સૂર્યકાન્ત શાહ