ભારતીય મહિલા હોકી ટીમ : ફિલ્ડ હોકીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓની ટીમ. ભારતની મહિલા હોકી ટીમ જુલાઈ-2023માં વર્લ્ડ રેન્કિંગમાં આઠમા ક્રમે હતી. સર્વોચ્ચ રેન્કિંગ છઠ્ઠું હતું, જે 2022ના જૂનમાં હાંસલ કર્યું હતું. મહિલા હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1953માં સ્કોટલેન્ડ સામે રમાઈ હતી. એ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. 1974માં ભારતીય મહિલા હોકી ટીમે પહેલી વખત યોજાયેલા હોકી વિશ્વકપમાં ભાગ લીધો હતો અને ચોથા ક્રમે રહી હતી. 1980ના મોસ્કો ઓલિમ્પિક્સમાં પ્રથમ વખત મહિલા હોકીનો પ્રારંભ થયો હતો. એ વર્ષે ભારતીય મહિલા હોકીની ટીમે ચોથો ક્રમ મેળવ્યો હતો. 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા હોકીની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશી હતી. ઓલિમ્પિક્સમાં એ સર્વોચ્ચ દેખાવ છે. 2018માં નેપાળ સામેના મુકાબલામાં 24-0થી ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. એ અત્યાર સુધીનો સૌથી મોટા અંતરનો વિજય છે.
એશિયન ગેમ્સમાં 11 વખત ભાગ લીધો છે, જેમાંથી 1982માં વિજેતા બની હતી, તો એશિયા કપમાં 9 વખત સ્પર્ધામાં ઉતરીને 2004 અને 2017 એમ બે વખત ટાઈટલ મેળવ્યું હતું. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક વખત વિજેતા બનેલી મહિલા ટીમે બે વખત સિલ્વર અને એક વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એક-એક વાર મેળવ્યો છે. 2023 સુધીમાં ભારતીય મહિલા ફિલ્ડ હોકીની ટીમે કુલ 26 મેડલ્સ મેળવ્યા છે, જેમાંથી 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનની મહિલા લીગની 2021-22 વર્ષની સીઝનમાં ત્રીજો ક્રમાંક મેળવનારી ટીમ 2023-24ના વર્ષમાં ફરી ક્વોલિફાઈ થવામાં સફળ થઈ હતી.
મહિલા હોકીના ખેલાડીઓમાં રાની રામપાલે સૌથી વધુ 120 ગોલ કર્યા છે અને મહિલા હોકીના ઈતિહાસમાં ટોપ સ્કોરર છે. વંદના કટારિયા સૌથી વધુ 267 મેચ રમ્યા છે. વંદના 86 ગોલ સાથે બીજા નંબરે છે. 124 મેચમાં 82 ગોલ કરીને ગુરજીત કૌર ત્રીજા ક્રમે છે. પૂર્વ કેપ્ટન સુરજ લતા દેવીના નામે અનોખો રેકોર્ડ બોલે છે. તેમણે ટીમને સતત ત્રણ વર્ષમાં ત્રણ વખત વિજેતા બનાવી હતી. 2002 કોમનવેલ્થ ગેઈમ્સ, 2003માં આફ્રો-એશિયન ગેઈમ્સ અને 2004 મહિલા હોકી એશિયા કપમાં ટીમ તેમના નેતૃત્વમાં વિજેતા બની હતી. 2002માં ભારતીય મહિલા હોકી ટીમ કોમનવેલ્થમાં વિજેતા બની તેના પરથી શાહરૂખ ખાન અભિનિત ફિલ્મ ચક દે ઈન્ડિયાની પ્રેરણા મળી હતી.
હર્ષ મેસવાણિયા