ભારતીય નમનદર્શક (Indian Clinometer) : ભૂપૃષ્ઠના ઢોળાવનું નમન દર્શાવતું સાધન. આ પ્રકારનું નમનદર્શક ભારતના સર્વેક્ષણ ખાતા તરફથી તૈયાર કરવામાં આવેલું હોવાથી તેને ભારતીય નમનદર્શક કહે છે. તે સ્પર્શક નમનદર્શક (Tangent Clinometer) તરીકે પણ ઓળખાય છે. આ સાધન કાયમ સમપાટ સાથે જ ઉપયોગમાં લેવાય છે.
આ સાધનમાં સૌથી નીચે આધાર તરીકે ક્ષૈતિજ સ્થિતિમાં એક આડી સમપાટ હોય છે. તેની પર પરપોટો ધરાવતું સપાટીદર્શક (Spirit level) બેસાડેલું હોય છે. સપાટીદર્શકવાળા ભાગને સૂક્ષ્મ પ્રમાણમાં જરાક ઉપર-નીચે લાવી શકાય તે માટે એક સ્ક્રૂ બેસાડેલો હોય છે. આ સ્ક્રૂની મદદથી નિરીક્ષણ વખતે સાધન ક્ષૈતિજ સ્થિતિમાં ગોઠવાય તે માટે સપાટીદર્શકના પરપોટાને બરાબર મધ્યમાં લાવવાનો રહે છે. સમપાટને બંને છેડે પિત્તળની બે લાંબી-ટૂંકી ઊભી પટ્ટીઓ સમપાટને કાટખૂણે ગોઠવેલી હોય છે. ટૂંકી પટ્ટીમાં ઉપરને છેડે નિરીક્ષણ માટે એક નાનું ગોળાકાર છિદ્ર રાખેલું હોય છે. ગોળાકાર છિદ્રવાળી આ પટ્ટી સામેની અંકિત પટ્ટીના અડધા માપથી જરાક મોટી હોય છે. ગોળાકાર છિદ્ર સામેની પટ્ટીના શૂન્યાંકને સમાંતર સીધી રેખામાં રહે એ રીતે રાખેલું હોય છે. સામેની લાંબી પટ્ટીમાં ઊભી પહોળી સળંગ તિરાડ રાખેલી હોય છે. તિરાડની બંને બાજુની પટ્ટી પર વચ્ચે શૂન્ય અંક અંકિત કરેલો હોય છે, તેની ઉપર નીચે બંને તરફ ઢોળાવ માટેના અંશ અને ત્રિકોણમિતીય સ્પર્શકના માપાંક લખેલા હોય છે. શૂન્યથી ઉપર તરફના અંક ઊર્ધ્વકોણ તરીકે અને નીચે તરફના અંક નમનકોણ તરીકે મૂલવવામાં આવે છે. (જુઓ આકૃતિ.)
નિરીક્ષક કે સર્વેક્ષક કોઈ પણ વિસ્તારનો તૈયાર નકશો લઈને ક્ષેત્રનોંધ લેવા જાય ત્યારે તેનો મુખ્ય હેતુ તો સ્થળોના ઢોળાવો અને ઊંચાઈ શોધવાનો હોય છે. આ માટે તે કોઈક અનુકૂળ સ્થળે ત્રણ પાયાવાળી ઘોડી ગોઠવે છે અને સ્થિતિ-નિર્ધારણ પદ્ધતિથી પોતાનું સ્થાન ચકાસીને નિશ્ચિત કરે છે. તે પછી ઘોડી પર આ સાધનને ક્ષૈતિજ સ્થિતિમાં ગોઠવે છે. આ સ્થળની ઊંચાઈ નકશાની મદદથી એક સંદર્ભ તરીકે નોંધી લે છે; અર્થાત્ ઊંચાઈની માહિતી ધરાવતા કોઈ અનુકૂળ સ્થળે જ ઘોડી તથા સાધન ગોઠવવામાં આવે છે. તે પછી જ અન્ય સ્થળોની ઊંચાઈ-ઢોળાવ શોધવાનાં રહે છે.
નીતિન કોઠારી