ભારતીદાસન્ (જ. 21 એપ્રિલ 1891, પૉંડિચેરી; અ. 21 એપ્રિલ 1964) : ખ્યાતનામ તમિળ કવિ. મૂળ નામ કનક સુબ્બુરત્નમ્. પૉંડિચેરીમાં અભ્યાસ. 1908માં તમિળ વિદ્વાન પરીક્ષામાં પ્રથમ આવ્યા. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પણ તેઓ જાણતા હતા. તેમણે પૉંચેરીમાં કાલ્વે કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. 1908માં તમિળ કવિ ભારતીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. ત્યારબાદ તેઓ પોતાની જાતને ભારતીદાસન્ (ભારતીના શિષ્ય) તરીકે ઓળખાવવા લાગ્યા. ફ્રેન્ચ સરકાર સામે વિદ્રોહ કરવા બદલ તેમણે 15 માસનો જેલવાસ ભોગવ્યો (1919). 1921માં પલનીયમ્માલ સાથે લગ્ન કર્યાં.
રાષ્ટ્રવાદી અને આસ્તિક તરીકે કારકિર્દી શરૂ કરીને 1926માં મયિલામના ભગવાન સુબ્રમનિયા પર સ્તોત્ર અને 1930માં ખાદી અને ચરખા પર કાવ્યની રચના કરી. પરિયાર ઈ. વી. આર.ના પ્રભાવ હેઠળ તેઓ નાસ્તિકતા તરફ વળ્યા.
1930થી પૂરા ત્રણ દાયકા સુધી તમિળ કવિતાક્ષેત્રે તેમનું પ્રભુત્વ રહ્યું. 1935માં ‘શ્રી સુબ્રમણ્ય ભારતી કવિતા મંગલમ્’ નામની કાવ્યપત્રિકાના સંપાદક બન્યા અને ત્યારબાદ ‘કુયિલ’ (કોયલ) દ્વારા વિવિધ વિષયો પરનાં તેમનાં વિચારો અને લાગણીઓ રજૂ કર્યાં (1945). તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ભારતીદાસન્ કવિતૈકલ’ 1938માં પ્રસિદ્ધ થયો, જેણે તેમને તરત પ્રસિદ્ધિ અપાવી. વિદ્રોહી કવિ તરીકે તેમણે અદ્યતન તમિળ કવિતાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. સી. સુબ્રમણ્ય ભારતી પછી બીજે સ્થાને આવતા આ સદીના તમિળના તેઓ એક મહાન કવિ હતા. ભારતીના પ્રભાવ હેઠળ તેમણે લયબદ્ધ અને સરળ શૈલીમાં 40,000 પંક્તિઓ ધરાવતાં 50 જેટલાં કાવ્યો અને નાટકો રચ્યાં છે. તેમનો મુખ્ય વિષય સમાજનાં દૂષણો અને બુદ્ધિવાદની મહાનતાના ચિત્રાંકનનો રહ્યો છે.
તેમના નામાંકિત કાવ્યસંગ્રહોમાં ‘ભારતીદાસન્ કવિતૈકલ’ ગ્રંથ 1 (1938). ગ્રંથ 2 (1949), ગ્રંથ 3 (1955) અને ગ્રંથ 4 (1977); ‘અઝાકીન સિરિપ્પુ’ (સુંદરતાનું હાસ્ય, 1944); ‘કતલ નિવૈવુકલ’ (પ્રેમનાં સંભારણાં, 1944) અને ‘તમિળ ઇયક્કમ’ (તમિળ ચળવળ, 1945) મુખ્ય છે.
તેમણે તમિળ સંગીત અને તમિળ ગીતોના વિકાસમાં ઊંડો રસ દાખવ્યો. ‘ઇસઈ અમુતુ’ (સંગીતનું અમૃત-ગ્રંથ 1 અને 2, 1942–1952); તથા ‘તેન અરુવી’ (મધ ટપકે છે, 1956) તેમણે રચેલી સંગીતમય રચનાઓ છે.
આ ઉપરાંત તેમણે ટૂંકાં મહાકાવ્યો, વાર્તારૂપ કાવ્યો અને નાટકો પણ લખ્યાં છે. તેમનાં ખંડકાવ્યો ખૂબ જાણીતાં છે અને તેમાં તમિળ ભાષા અને સંસ્કૃતિનાં દર્શન થાય છે. તેમનાં મોટાભાગનાં પાત્રો ક્રાંતિકારી હોય છે. વસ્તુ નવું અને ગૂંથણી સરળ છતાં આકર્ષક હોય છે.
1934થી તેઓ રંગભૂમિ તથા રૂપેરી પડદા તરફ આકર્ષાયા. તેમનું પ્રથમ નાટક ‘ઇરાનિયન’ 1934માં ભજવાયેલું. પ્રહલાદ જેવાનાં ભક્તિપ્રધાન નાટકોની બોલબાલા હતી ત્યારે તેમણે આ નાટકમાં હિરણ્યકશ્યપુને નાયક તરીકે અને પ્રહલાદને બ્રાહ્મણોના રમકડા તરીકે આલેખ્યા હતા. 1969માં તેમને તેમના નાટક ‘પિસીરાન્તૈયર’ (1967) માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મરણોત્તર એનાયત કરાયો હતો.
તેમણે કેટલીક ફિલ્મોની પટકથાઓ, વાર્તાલાપ અને ઊર્મિકાવ્યો લખ્યાં છે. 1954માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા. તમિળમાં પ્રકૃતિકાવ્યો, ભાવસભર ગીતો અને ખંડકાવ્યોમાં ક્રાંતિકારી વિચારોને કારણે તેમના સમવયસ્ક કવિઓમાં તેમનું સ્થાન ઘણું ઊંચું ગણાતું. તેમના સિદ્ધાંતો અને માર્ગદર્શનનું કવિઓના એક પંથમાં આજે પણ પાલન કરાય છે. ઉત્તરોત્તર આવેલી તમિળ સરકારોએ તેમનું બહુમાન કરેલું અને બીજી વિશ્વ તમિળ પરિષદ દરમિયાન મદ્રાસ(ચેન્નઈ)માં મરીના પર તેમનું પૂરા કદનું બાવલું મૂકવામાં આવ્યું છે. પ્રતિવર્ષ તમિળ સરકાર દ્વારા ઊજવાતા ભારતીદાસન્ દિવસે ભારતીદાસન્ પંથના કવિને તેનું સન્માન કરી રૂ. 10,000ના ઍવૉર્ડથી નવાજવામાં આવે છે.
ચન્દ્રકાન્ત મહેતા
બળદેવભાઈ કનીજિયા