ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ : ભારતીય ભૂસ્તરોને તેમના ઇતિહાસના સંદર્ભમાં મૂલવતાં, ભારતના સમગ્ર વિસ્તારમાં મળતા વિવિધ કાળના ખડકોને મુખ્ય ચાર સમૂહોમાં વહેંચી શકાય : (1) આર્કિયન સમૂહ, (2) પુરાણા સમૂહ, (3) દ્રવિડ સમૂહ અને (4) આર્ય સમૂહ. આ ચારેય સમૂહોને એપાર્કિયન (આર્કિયન-પશ્ચાત્) અસંગતિ, વિંધ્યપશ્ચાત્ અસંગતિ અને ઊર્ધ્વ કાર્બોનિફેરસ અસંગતિ જેવા નિક્ષેપ-વિરામ લક્ષણથી અલગ પાડેલા છે. (જુઓ ‘આર્ય સમૂહ’માં સારણી.)
આ અસંગતિઓ યુરોપની પ્રમાણભૂત સ્તરવિદ્યા માટે સ્થાપિત થયેલી અસંગતિઓ સાથે સંજોગભેદને કારણે મેળ ખાતી ન હોવાથી સમકક્ષ નથી; કારણ કે ભારતમાં ઘટેલી ભૂસંચલનજન્ય ઘટનાઓ યુરોપની ઘટનાઓ કરતાં જુદા સમયની છે, અર્થાત્ યુરોપીય અને ભારતીય ભૂસ્તરીય સંગ્રહ પૂર્ણતા–અપૂર્ણતાના પ્રમાણભેદવાળો છે. ભારતના પ્રી-કૅમ્બ્રિયન યુગમાં મળતાં ખડકજૂથોમાં કોઈ ખાસ પરખયોગ્ય લાક્ષણિક જીવાવશેષોનો અભાવ હોવાથી, તેની મદદ વગર પણ, નીચેના વધુ વિકૃતિજન્ય ખડક-સમૂહને તેનાથી ઓછા વિકૃતિજન્ય ખડક-સમૂહથી અલગ પાડી શકાય છે. આ રીતે આર્કિયન સમૂહ પુરાણા સમૂહથી એપાર્કિયન અસંગતિના રચનાત્મક લક્ષણ દ્વારા અલગ પાડવામાં આવેલો છે. વિંધ્યકાળ દરમિયાનની નિક્ષેપક્રિયા પૂરી થયા બાદ વિંધ્ય ખંડનિર્માણક્રિયા (Vindhya epirogeny) દ્વારા રચાતી વિંધ્ય-પશ્ચાત્ અસંગતિની મદદથી પુરાણા સમૂહને તેની ઉપર રહેલા જીવાવશેષોવાળા દ્રવિડ સમૂહથી અલગ પાડી શકાય છે. ર્દશ્ય જીવયુગના દ્રવિડ સમૂહને ઊર્ધ્વ કાર્બોનિફેરસ અસંગતિ દ્વારા તેની ઉપરના આર્ય સમૂહથી અલગ પાડી શકાય છે.
પુરાણા અને દ્રવિડ સમૂહ વચ્ચેની અસંગતિને યુરોપ સાથે સરખાવતાં તે ઊર્ધ્વ કૅમ્બ્રિયન કે નિમ્ન ઑર્ડોવિસિયનને સમકક્ષ બને છે. ભારતમાં દ્રવિડ સમૂહ કૅમ્બ્રિયનથી મધ્ય કાર્બોનિફેરસ સુધીના કાળનો સમાવેશ કરે છે, આર્ય યુગ ઊર્ધ્વ કાર્બોનિફેરસથી અર્વાચીન સુધીના કાળનો સમાવેશ કરે છે. દ્રવિડ યુગ પછી પ્રવર્તેલા હિમજન્ય સંજોગથી આર્ય યુગને જુદો પાડી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા