ભારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clerodendrum serratum (Linn.) Moon (સં. भार्गी, पद्मा, ब्रह्मअष्टिका, હિં. ભારંગી, મ. ભારંગ; બં. બામનહાટી; તા. કંડુ-ભારંગી, મલ. ચેરૂટેક્ક) છે. આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગનાં જંગલોમાં થાય છે. મહારાષ્ટ્રમાં સિંહગઢ અને તેની તળેટીમાં તે વધારે પ્રમાણમાં થાય છે. તે લગભગ 1.5 મી.થી 1.75 મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ અને દંતુર (serrate) કિનારીવાળાં હોય છે. પુષ્પવિન્યાસ દ્વિશાખિત (dichasial) પરિમિત (cyme) પ્રકારનો જોવા મળે છે. પુષ્પો શ્વેત, રતાશ પડતાં કે આસમાની રંગનાં હોય છે. કુમળાં પર્ણો અને પુષ્પવિન્યાસ(મોર)નું શાક સ્વાદિષ્ટ થાય છે.
આયુર્વેદ અનુસાર તે તીખી, કડવી, તૂરી, રુચિકર, લઘુ, દીપન, પાચક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, રુક્ષ અને ઉષ્ણ છે અને ઉધરસ, દમ, સોજો, વ્રણ, કૃમિ, દાહ, વાયુ, રક્તગુલ્મ, વાતજ્વર, હેડકી, ગુલ્મ, જ્વર, વાતરક્ત, ક્ષય તથા પીનસ (સખત સળેખમ), કફ, વાયુ, અરુચિ, અર્શ અને રાજયક્ષ્માનો નાશ કરે છે. પર્ણો તાવ, દાહ, હેડકી અને દોષત્રયનો નાશ કરે છે.
ઔષધીય ઉપયોગો : (1) શ્વાસ ઉપર ભારંગીનાં મૂળ અને સૂંઠનો કાઢો પિવડાવવામાં આવે છે. તેનું ચૂર્ણ તથા સાકર મેળવેલો આદુનો રસ પિવડાવવાથી ભારે શ્વાસનો પણ નાશ થાય છે. તેનો ખાંસીમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. (2) અપસ્મારમાં તેના મૂળનો ક્વાથ કરી, સમાન ભાગે દૂધ મેળવી સાઠી ચોખા નાખી દૂધપાક બનાવી પિવડાવવામાં આવે છે. (3) અંડવૃદ્ધિ અને ગંડમાળ ઉપર તેનાં મૂળ ચોખાના ધોવરામણમાં ઘસી લેપ કરવામાં આવે છે. (4) વાતજન્ય ખાંસીમાં બેગણા ભારંગી સ્વરસ અને ચારગણા દહીંમાં ભારંગી કલ્કથી યથાવિધિ પકવેલું ઘી પરમ વાતકષ્ટહર છે. (5) વધરાવળ ઉપર ભારંગીનાં મૂળ જવના પાણીમાં ઘૂંટીને તેનો લેપ કરવામાં આવે છે. (6) શસ્ત્ર વાગવાથી થતા રક્તસ્રાવમાં તેનાં મૂળ પાણીમાં ઘસી લેપ કરવામાં આવે છે. (7) દમ રોગમાં ભારંગી શ્રેષ્ઠ ગણાય છે. દમમાં ભારંગ્યાદિ ક્વાથ પીવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. તે આયુર્વેદનું પ્રશસ્ત ઔષધ છે. (8) હેડકીમાં તેના મૂળનું ચૂર્ણ 3 ગ્રામ દિવસમાં ચારથી છ વાર મધ સાથે ચાટવાથી તે મટી જાય છે. (9) ઘોણસ (સર્પની એક જાત) અને ઉંદરના વિષ પર તેમજ સર્પદંશ પર તે ઉપયોગી છે. તે આગંતુક અને પ્રસૂતાના મસ્તકશૂળમાં પણ વપરાય છે. (10) સ્ત્રીઓના ગર્ભાશયમાં થતા રક્તગુલ્મમાં ભારંગી, પીપર અને કરંજની છાલ, ગંઠોડાં અને દેવદાર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ 6 ગ્રામ લઈ તલના ક્વાથ સાથે દિવસમાં બે વાર આપવામાં આવે છે. (11) કૃમિ ઉપર તેનાં પર્ણોની ભાજી બાફી તેનું પાણી પિવડાવવામાં આવે છે.
નવા મત અનુસાર ભારંગીમાં કફઘ્ન, જ્વરઘ્ન અને ઉત્તેજક એવા ત્રણેય ગુણો થોડા થોડા પ્રમાણમાં હોય છે. તેથી હવે તેનો ઉપયોગ ગૌણ ઔષધિ સ્વરૂપે થાય છે.
આદિત્યભાઈ છ. પટેલ