ભાણસરાનાં મંદિરો

January, 2001

ભાણસરાનાં મંદિરો : પોરબંદર તાલુકાના ભાણસરા ગામમાં આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. આમાં મંદિર નં. 1, 4 અને 5 સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં છે. પૂર્વાભિમુખ નં. 1 નીચી ઊભણી પર બાંધેલું છે.  મંદિરનું અધિષ્ઠાન વિવિધ થરો વડે અલંકૃત કરેલું છે. સાદી દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર વિશિષ્ટ પ્રકારનું છે. ઉપરના ભાગે તે ખંડિત થયેલું છે. શિખરમાં છાદ્ય અને રેખાન્વિત શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. ભદ્ર નિર્ગમ ધરાવતા શિખરના સમતલ થરો અર્ધચંદ્રશાલાના સુશોભન વડે અલંકૃત કરેલા છે. ખૂણા પરના કર્ણકૂટો પર આમલકની ભાત જોવા મળે છે. મંદિર નં. 4 પશ્ચિમાભિમુખ છે. તેના ગર્ભગૃહ ઉપર આવેલું પંચછાદ્ય પ્રકારનું શિખરનું સૌથી ઉપરનું છાદ્ય નાશ પામ્યું છે. શિખરના એક છાદ્યને બીજા છાદ્યથી અલગ પાડવા માટે ‘ઉચ્છેદ’ અંગની રચના કરવામાં આવી છે. મંદિર નં. 5 અહીંના સમૂહમાં સૌથી મોટું છે. તે સાંધાર પ્રકારનું છે. અર્થાત્ તે પ્રદક્ષિણાપથ ધરાવે છે. આ પ્રદક્ષિણાપથ ‘આચ્છાદન’ વડે ઢાંકેલો છે. ગૂઢમંડપ લંબચોરસ છે અને તેની છત સપાટ છે. ત્રણ છાદ્ય ધરાવતું શિખર ચંદ્રશાળાના અલંકરણ વડે સુશોભિત છે.

થૉમસ પરમાર