ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આવા કરારમાં વસ્તુ કે માલનો માલિક એની વસ્તુ કે માલનો કબજો ભાડે રાખનારને એ શરતે સોંપે છે કે ભાડે રાખનાર એના નિયત કરેલા હપતા ચૂકવી આપશે. જ્યારે છેલ્લો હપતો ચૂકવાઈ જાય ત્યારે તે વસ્તુમાંની મિલકતની માલિકી ભાડે રાખનારને અપાઈ જાય છે; અર્થાત્, તે તેનો માલિકી હક મેળવે છે. ભાડે રાખનાર વ્યક્તિને ઉપર્યુક્ત સમજૂતી રદ કરવાનો અધિકાર હોય છે; પરંતુ તેને મિલકત પ્રાપ્ત થાય તે પહેલાં તેણે આવો અધિકાર અજમાવવાનો હોય છે; તે પછી નહિ. મિશ્ર સ્વરૂપનો આ પ્રકારનો કરાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીની શરૂઆતમાં વિકસ્યો. જે વ્યક્તિઓ માલની ખરીદી કરવા ઉત્સુક હોય, છતાં એકીસમયે તેની પૂરેપૂરી કિંમત આપી શકે નહિ, તેઓ આવા કરાર હેઠળ માલનો તુરત જ ઉપયોગ કરી શકે છે. આવો કરાર ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર છે. આવો કરાર ઉધાર માલ-વેચાણની સમજૂતીથી, શરતી વેચાણ-સમજૂતીથી તથા વેચાણથી ભિન્ન છે.
ભાડા-ખરીદીનો કરાર શરૂમાં પાછી ખેંચી ન શકાય તેવી વેચાણની દરખાસ્ત છે, જે પછીથી એની શરતોનું પાલન કરવાથી વેચાણમાં પરિણમે છે. પરંતુ આવો કરાર વેચાણના કરારથી સ્પષ્ટ રીતે અલગ પાડી શકાય તેવો હોય છે. એની હેઠળ ખરીદનારને બે સ્પષ્ટ વિકલ્પો પ્રાપ્ત થાય છે : (1) કરાર હેઠળની શરતો પરિપૂર્ણ થતાં જે તે વસ્તુને ખરીદવાનો વિકલ્પ અને (2) એ ભાડા-ખરીદના કરારનો પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યારે અંત લાવવાનો વિકલ્પ. માલના સીધેસીધા વેચાણમાં આવો કોઈ અધિકાર કે વિકલ્પ મળતો નથી. વેચાણ અનુસાર મિલકત ખરીદનાર તેનો તુરત જ કુલ માલિક બને છે, પછી ભલે ને તે વસ્તુની કિંમત હપતાથી ચૂકવી આપવાની હોય.
ભાડા-વેચાણના કરારમાં માલ ખરીદવાનો વિકલ્પ મળે છે, ત્યારે શરતી વેચાણ–કરારમાં માલ ખરીદવાની ફરજ પડતી હોય છે.
ભાડા–ખરીદના કરારની શરતોનું પાલન ન કરવાથી તેના મૂળ માલિકને માલનો પુન: કબજો પ્રાપ્ત કરવાનો હક રહેતો હોય છે. વળી ભાડે લેનારે માલની વાજબી સંભાળ આ દરમિયાન રાખવાની હોય છે.
વેપારી વ્યવહારોમાં વેચાણનું આ સ્વરૂપ અત્યંત લોકપ્રિય બનતું જાય છે. અનેક ફાઇનાન્સ કંપનીઓ વર્તમાન સમયમાં ભાડા–ખરીદ–વેચાણથી કરોડોની રકમનો વેપાર કરે છે. ટ્રકો, મોટરકારો, ટૅક્સીઓ, બસો, ફ્રીજો, વૉશિંગ મશીનો અને મશીનરી જેવી ટકાઉ વસ્તુઓ પણ ભાડા-ખરીદ–પદ્ધતિથી મેળવાય છે. આવા વ્યવહારોનું સંચાલન ભારતીય કરાર ધારા(ક. 150, 151)થી અને માલ-વેચાણ-ધારાથી થાય છે.
અમુક કરાર ભાડા-ખરીદનો કરાર છે કે વેચાણનો, તે અદાલતની સૂક્ષ્મ તપાસનો વિષય બને છે. ભાડા-ખરીદના કરારના અનેક પ્રકારો છે અને એની શરતોનું સમન્યાયી અર્થઘટન કરવું જરૂરી બને છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી