ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન હોય ત્યારે તે ચીજવસ્તુની ખરીદીના પ્રસંગે ઓછી કિંમત ચૂકવવાનું આકર્ષણ પેદા કરવા તેમજ બજારમાં હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો વેચાણવૃદ્ધિનાં અનેક પગલાં લે છે. આ પૈકી એક પગલું ભાડાખરીદ પદ્ધતિના વ્યવહારનું છે. ભાડાખરીદ પદ્ધતિના વ્યવહારો ક્રમિક ચુકવણીના વ્યવહારોનો એક પ્રકાર છે. તેમાં માલની ખરીદી વખતે વસ્તુની કિંમતનો અમુક ભાગ ચૂકવવામાં આવે છે. બાકીની રકમ હપતા-સ્વરૂપે ચૂકવવામાં આવે છે. ચીજની કુલ કિંમતમાં વ્યાજનો સમાવેશ કરવામાં આવે છે.
ભાડા-ખરીદ પદ્ધતિના વ્યવહારો ભારતમાં 1972ના ભાડાખરીદ કાયદાથી નિયંત્રિત કરવામાં આવ્યા છે. તેની કલમ(2)માં આપેલ વ્યાખ્યા મુજબ ‘ભાડાખરીદનો કરાર એક એવો કરાર છે કે જે હેઠળ પેદાશો ભાડે આપવામાં આવે છે અને ભાડે રાખનારને કરારની શરતો અનુસાર ખરીદવાનો વિકલ્પ મળે છે અને એ કરારને આ બાબતો અંગેની સંમતિ સધાય છે. પેદાશનો માલિક એ શરતે અન્ય વ્યક્તિને પેદાશનો કબજો આપશે કે જે થકી ભાડે રાખનાર નક્કી થયેલ રકમના હપતા નક્કી કરેલા સમયાંતરે માલિકને આપશે. પેદાશમાંના માલિકીતત્વને ભાડે રાખનાર છેલ્લો હપતો આપશે ત્યારે જ મેળવી શકશે. ભાડે રાખનારને આ પ્રમાણે માલિકીહક પ્રાપ્ત થાય તે પહેલાં કરાર રદ કરવાનો હક રહેશે. વસ્તુની પૂરેપૂરી કિંમત ન મળે અને છતાં તે વેચી શકાય એવી સલામતીવાળું આ વેચાણ શાખ ઉપર માલ વેચવાની પરિસ્થિતિ પછીની ઉત્ક્રાંતિનો તબક્કો છે.
હપતા-પદ્ધતિ-વેચાણથી ખરીદનારને મળતા વિકલ્પના હકથી આ વ્યવહાર જુદો પડે છે. છેલ્લો હપતો ભરાઈ જાય ત્યાં સુધી ભાડે રાખનાર વસ્તુની સાથે માલિકની જેમ વર્તી શકતો નથી; પરંતુ તે મુદત દરમિયાન પોતાને આવો હક પ્રાપ્ત થશે તેવી ગણતરીએ મુદત પૂરી થયે તે માલિકની જેમ તેનો વ્યવહાર કરશે તેવું સંબંધિતોને વચન આપી શકે છે. ઉદાહરણ તરીકે તે માલ વેચી ન શકે છતાં છેલ્લો હપતો ભર્યા બાદ પોતે તે વેચાણ આપશે તેવો કરાર કરી શકે. પરંતુ તે છેલ્લો હપતો ન ભરાય ત્યાં સુધી માલ ગીરો મૂકવો, માલ બક્ષિસ તરીકે આપવો, જેવા વ્યવહાર કરી શકતો નથી. વિક્રેતા ગર્ભિત રીતે ખાતરી આપે છે કે આપવામાં આવેલ માલ સંપૂર્ણ બોજામુક્ત છે અને વેચનાર જ તેનો સાચો માલિક છે. ભાડે ખરીદનાર કરાર કરતી વખતે પોતે ઉપભોક્તા બનવા માંગે છે કે તેનું પુન: વેચાણ કરવા માંગે છે તે જાહેર કરવાનું રહે છે. જો ઉપભોક્તા બનવા માંગતો હોય તો વેચનારે અન્ય ઉપભોક્તાઓને જે વેચાણ પછીની સેવાઓ આપતો હોય તે બધી જ આપવાની રહેશે. જો તે પુન: વેચાણ કરવા માંગે તો ભાડે ખરીદનાર વેચાણ કરી શકે તેવી રીતે વેચનારે વસ્તુ આપવાની રહેશે. માલનો વીમો વેચનાર ઉતરાવે છે. માલની કાળજી અંગેનાં તમામ પગલાં વેચનાર લે છે. જો ખરીદનાર હપતા ન ચૂકવે તો વેચનાર માલનો કબજો લઈ શકે છે અને જે રકમ ભરી હોય તેને ભાડા તરીકે ગણી લે છે. એ રીતે આ પદ્ધતિ ભાડા-ખરીદ-પદ્ધતિ કહેવાય છે.
ભાડાખરીદ ધારાની કલમ (7) પ્રમાણે વેચનાર મિલકતની કિંમતના 30 %થી વધારે વ્યાજ હપતાની રકમમાં લઈ શકતો નથી. વસ્તુની રોકડ કિંમતમાંથી કરાર કરતી વખતે ચૂકવેલ રકમ બાદ કરતાં બાકીની રકમ ઉપર વ્યાજની ગણતરી કરી હપતાની રકમ નક્કી કરવામાં આવે છે. આમ છતાં કેન્દ્ર સરકાર વ્યાજના આ દરમાં ફેરફાર કરી શકે છે. કોઈ પણ સંજોગમાં કેન્દ્ર સરકાર 10 %થી ઓછો વ્યાજનો દર જાહેર ન કરી શકે. આ જ કાયદાની કલમ (9) અનુસાર ભાડે ખરીદનારને છેલ્લા હપતાની મુદત પહેલાં બાકી હપતાની રકમમાંથી બાકી વ્યાજની રકમ બાદ કરતાં જે રકમ રહે તે પૂરી ભરીને ભાડા-ખરીદના કરારને વેચાણમાં ફેરવવાનો હક પ્રાપ્ત થાય છે. ભાડા-ખરીદના સમગ્ર સમયગાળા દરમિયાન ખરીદનારને ભાડૂઆતના સામાન્ય કાયદાની જેમ એક ભાડૂઆત તરીકેના બધા હક પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદકો અને વિક્રેતાઓ ભાડાખરીદ પદ્ધતિ હેઠળ વેચાણ વધારે નહિ, પરંતુ હપતાપદ્ધતિ હેઠળ વેચાણ વધારવાના પ્રયત્ન કરે તે તેમના માટે વેપારી ર્દષ્ટિએ હિતાવહ હોય છે.
આ વ્યવહાર થકી ગ્રાહકોએ ખરીદતી વખતે ઓછી રકમ ચૂકવવાની હોવાથી મોંઘી વસ્તુ વાપરવાની તક પ્રાપ્ત થાય છે. નિયમિત આવક ધરાવતા પણ ઓછી બચતવાળા નાગરિકોને આ પદ્ધતિ હેઠળ બચત કરીને પહેલેથી જ મોંઘી વસ્તુ વાપરવાની તક મળે છે. મંદીવાળા અર્થતંત્રમાં વધારે માંગ ઊભી થાય છે, તેથી તેજીને ઉત્તેજન મળે છે. આમ ઉત્પાદકની ર્દષ્ટિએ વેચાણવૃદ્ધિને ઉત્તેજન મળે છે. ચુકવણીની ગણતરી નહિ કરનારા ગ્રાહક ગજા ઉપરાંતની ખરીદી કરે છે. જો ગ્રાહક હપતા ન ભરે તો વેચનાર માલનો કબજો લઈ લે છે અને સેકન્ડ-હૅન્ડ તરીકે જ વેચાણ થતું હોવાથી વેચનારને નુકસાન થાય છે. દરેક હપતામાં વ્યાજનો સમાવેશ થતો હોવાથી વસ્તુ મોંઘી પડે છે. આ પદ્ધતિના વ્યવહારો મોંઘી, ટકાઉ વસ્તુ માટે જ ઉપયોગી છે. ધંધામાં હરીફાઈનું પ્રમાણ વધુ હોય ત્યારે આ પદ્ધતિ અનુકૂળ રહે છે.
અશ્વિની કાપડિયા