ભાટકર, સ્નેહલ (જ. 17 જુલાઈ 1919, મુંબઈ; અ. 28 મે, 2007, મુંબઈ) : હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા સંગીતસર્જક.
સ્નેહલ ભાટકરનું મૂળ નામ વાસુદેવ ગંગારામ ભાટકર. તેમના માતાં શિક્ષક અને ગાયિકા હતાં. માતાનાં પ્રેમ અને પ્રેરણાથી સ્નેહલ ભાટકરે દસમું ધોરણ પસાર કર્યા પછી દાદર(મુંબઈ)ની સંગીતશાળામાં સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. નાનપણથી જ શાસ્ત્રીય સંગીત, ભજન અને નાટકમાંથી મનોરંજન મેળવતા ભાટકર હાર્મોનિયમ વગાડનારનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા અને વગાડતાં શીખ્યા. સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેઓ સંગીતશિક્ષક બન્યા. 1940માં ભાટકર એચ.એમ. વી.માં નોકરીમાં જોડાયા. તે સમયે એચ.એમ.વી. દ્વારા મરાઠી ભાષામાં ઘણાં બિનફિલ્મી ગીતોનાં રેકૉર્ડિંગ બહાર પડતાં હતાં. 10 વર્ષ સુધી એચ.એમ.વી.માં કામ કરવાની સાથે તેઓ વિવિધ વાદ્યો શીખ્યા.

સ્નેહલ ભાટકર
મલ્લિકાર્જુન મનસૂર, કેસરબાઈ કેરકર જેવાં કુશળ સંગીતજ્ઞો સાથે તેમણે હાર્મોનિયમની સંગત કરી. ભાટકરને ગીતકાર કેદારનાથ શર્મા સાથે સૌહાર્દભર્યા સંબંધો રહ્યા અને એટલે જ આ બંનેની જોડીએ આપેલ ગીતો શ્રોતાઓનાં દિલને ડોલાવી ગયાં. કેદારનાથ શર્માએ જ વાસુદેવ ભાટકરનું નામ બદલાવીને સ્નેહલ કર્યું હતું, જે તેમની પુત્રી સ્નેહલતાના નામ પરથી લીધેલ. ભાટકરની પ્રથમ હિંદી ફિલ્મ ‘નીલકમલ’ (1947) રહી. તેમની અન્ય યાદગાર ફિલ્મોમાં ‘સુહાગરાત’, ‘હમારી બેટી’, ‘છબીલી’, ‘ગંગા કી લહરેં’, ‘ફરિયાદ’ ‘હમારી યાદ આયેગી’ વગેરેને સમાવી શકાય. તેમના સંગીતવાળી મરાઠી ફિલ્મો એટલે ‘રુક્મિણી સ્વયંવર’, ‘સંત બહિણાબાઈ’, ‘તુકા ઝાલા સે કળસ’, ‘યા માલિક’, ‘સંત નામદેવ’ વગેરે.
ભાટકરે લગભગ 30 ફિલ્મોમાં સંગીત આપ્યું. ઉપરાંત બાળકોની 17 ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. તેઓનાં ઉલ્લેખનીય લોકપ્રિય ગીતોમાં રાગ યમન-કલ્યાણમાં ‘એ મેરે હમસફર’ (‘છબીલી’, 1960), ‘સુખ ગયે પલકો પર આંસુ’ (1955), ‘કભી તન્હાઇયોં મેં યૂં’ (‘હમારી યાદ આયેગી’, 1961), ‘વો દેખો દેખ રહા થા પપીહા’ (‘ફરિયાદ’, 1964) વગેરે છે.
ભાટકરને 2004-2005ના વર્ષ માટે ‘લતા મંગેશકર ઍવૉર્ડ’થી સન્માનવામાં આવ્યા હતા.
બીજલ બુટાલા
