ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક.
મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્ય કર્યું હતું. માતા માલતીબાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા પાંખના સભ્ય હતાં.
મોહન ભાગવતે તેમનું શાળેય શિક્ષણ લોકમાન્ય તિલક વિદ્યાલય, ચંદ્રપુરમાં લીધું. બી.એસસી. પ્રથમ વર્ષનું શિક્ષણ જનતા કોલેજ, ચંદ્રપુરમાં લીધું. તે પછી તેમણે અકોલાની પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠમાંથી પશુ ચિકિત્સા અને પશુપાલનમાં સ્નાતકની B.V.Sc.ડિગ્રી મેળવી. તેમને પશુપાલન વિભાગમાં વેટરનરી ઓફિસરની નોકરી મળી.
1975માં જ્યારે દેશમાં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી ત્યારે તેમણે વેટરનરી મેડિસિનનો તેમનો અનુસ્નાતક અભ્યાસક્રમ અધૂરો છોડી દીધો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ-સમયના સ્વયંસેવક બન્યા. કટોકટી દરમિયાન ભૂગર્ભમાં કામ કર્યા પછી ભાગવત 1977માં મહારાષ્ટ્રના અકોલાના પ્રચારક બન્યા. પછી તેઓ વિદર્ભના પ્રાંત પ્રચારક બન્યા. વિદર્ભ પછી તેઓ બિહાર ક્ષેત્ર પ્રચારક બન્યા. 1991માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય શારીરિક પ્રમુખ બન્યા અને તેમણે આ જવાબદારી 1999 સુધી નિભાવી. તે જ વર્ષે, તેમને એક વર્ષ માટે સમગ્ર દેશમાં સંપૂર્ણ સમય કામ કરતા સંઘના તમામ પ્રચારકોના વડા બનાવવામાં આવ્યા.વર્ષ 2000માં મોહન ભાગવતને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ બનાવવામાં આવ્યા. 21 માર્ચ, 2009થી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક છે.
જૂન 2015માં વિવિધ ઇસ્લામિક આતંકવાદી સંગઠનો તરફથી જોખમ વધતાં ભારત સરકારે તેમને 24 કલાકની ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. 2017માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું હતું. આવું આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ આરએસએસ વડા છે.
મોહન ભાગવત વ્યવહારુ નેતા છે. તેઓ આધુનિકતા સાથે હિન્દુત્વ અપનાવવાની હિમાયત કરે છે. મુસ્લિમ સમુદાય સાથે સંવાદ વધારવા તેઓ જૂની દિલ્હીના બડા હિન્દુ રાવમાં આવેલી તાજબીદુલ કુરાન મદરેસામાં ગયા હતા અને ત્યાંના 300 વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે વિદ્યાર્થીઓને માનવતા, દેશભક્તિ અને મહિલાઓ પ્રત્યે સન્માનની વાત કરી હતી. મૌલાના જમીલ અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ અને ‘રાષ્ટ્રઋષિ’ ગણાવ્યા હતા.
2017માં એનિમલ એન્ડ ફિશરી સાયન્સિસ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટર ઑફ સાયન્સ(DSc)ની પદવી આપી હતી.
અનિલ રાવલ