ભાખરા-નાંગલ પ્રકલ્પ : હિમાચલ પ્રદેશની શિવાલક ટેકરીઓના પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુર જિલ્લાના ભાખરા મુકામે આવેલો ભાખરા બંધ તેમજ ત્યાંથી સતલજના હેઠવાસમાં નૈર્ઋત્ય તરફ 13 કિમી.ને અંતરે નાંગલ ખાતે આવેલો નાંગલ બંધ. નાંગલ બંધ પંજાબ રાજ્યના રૂપનગર જિલ્લામાં આવેલો છે. ભાખરા-નાંગલ બંધ ભારતની સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે. દુનિયાના ઊંચામાં ઊંચા બંધોમાં ભાખરા બંધની ગણના થાય છે. આ પ્રકારના બંધનું નિર્માણકાર્ય ભારત માટે ગૌરવની ઘટના છે. આ બંધનું નિર્માણકાર્ય 1948માં શરૂ કરવામાં આવેલું અને 1954ના જુલાઈમાં પૂરું થયેલું. ભાખરા બંધને પૂરક/સહાયક બંધ નાંગલ ખાતે બાંધ્યો છે. તેનો લોકાર્પણવિધિ 22 ઑક્ટોબર 1963ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને હસ્તે કરવામાં આવેલો. એ ટાણે તેમણે કહેલું કે ‘ભાખરા બંધ એ આધુનિક ભારતનું તીર્થસ્થાન છે.’
પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન – આ ચારેય રાજ્યોની સંયુક્ત રીતે અમલમાં મુકાયેલી આ બહુહેતુલક્ષી યોજના છે. ભાખરા બંધની પાછળ તૈયાર થયેલા ગોવિંદસાગર જળાશય અને નાંગલ બંધ પાછળના જળાશયના પાણીનો ઉપયોગ મુખ્યત્વે સિંચાઈ તથા વિદ્યુતશક્તિના ઉત્પાદન માટે થાય છે.
ભાખરા બંધના નિર્માણકાર્યમાં કુલ આઠ લાખ ટન સિમેન્ટ વાપરવામાં આવેલો. તેના બાંધકામ વખતે રોજ એક હજાર ટન સિમેન્ટની જરૂર પડતી હતી. હકીકતમાં આ બંધ કૉંક્રીટમાંથી બનાવેલી એક વિરાટ અવરોધક દીવાલ છે. ગોવિંદસાગર જળાશય તૈયાર થવાથી 366 ગામડાં અને નગરો ડૂબમાં આવેલાં અને તેને લીધે કુલ 30,000 લોકોને અસર પહોંચેલી.
જળાશયમાં પાણી ભરાવાથી બાજુઓની ટેકરીઓના અવરોધોને જળશોષણની અસરથી મુક્ત રાખવા માટે બંધની પાછળ 800 મીટર લાંબાં અને 6 મીટરના વ્યાસવાળાં બે બોગદાં ટેકરીઓની અંદર તૈયાર કરવામાં આવ્યાં છે. આ બોગદાં મારફતે 8,213 ઘનમીટર પ્રતિ સેકંડ પાણી વહી શકે છે. આ બોગદાં ખોદવામાં આશરે પાંચ વર્ષ (1948–1953) લાગ્યાં હતાં. દરેક બોગદું તૈયાર કરવામાં બે કરોડ રૂપિયા ખર્ચ થયેલો, તેમજ 1,63,633 ઘનમીટર કૉંક્રીટ વપરાયેલો. સિંચાઈ માટેનું પાણી કાઢવા માટે પણ બે બોગદાં છે. વિદ્યુત-ઉત્પાદક યંત્રચક્કી (ટર્બાઇન) પાણી અથડાતાં ફરતી રહે તે માટે પણ એક વાળેલું બોગદું બનાવાયું છે. આ જળવિદ્યુતમથકમાંથી 8 લાખ કિલોવૉટ વીજળી પેદા થઈ શકે છે.
ભાખરા બંધ માટે બાંધેલી અવરોધક દીવાલ હેઠળનાં ભૂસ્તરો સખત રેતીખડકો અને વારાફરતી ગોઠવાયેલાં લાલમૃદનાં પડોથી બનેલાં છે. સ્તરો હેઠવાસ તરફ 70°થી 80°ને ખૂણે ઉગ્ર નમનવાળા છે. પાયામાં તેમજ બાજુઓના અવરોધક ખડકોમાં સંખ્યાબંધ વિરૂપક વિભાગો (shear zones) તથા સ્તરભંગ વિભાગો (fault zones) રહેલા છે. બંધનિર્માણકાર્ય શરૂ કરતાં પહેલાં કરેલી તપાસમાં ત્રણ પ્રકારના વિરૂપક વિભાગો તેમાં જોવા મળેલા : સ્તરસપાટીઓને સમાંતર, સ્તરોને કાટખૂણે અને ત્રાંસા. બંધની સલામતી માટે નડતરરૂપ અને નબળા ગણાતા આ વિરૂપક વિભાગો અને સ્તરભંગોમાંનું જરૂરી બધું જ નબળું ખડકદ્રવ્ય જરૂરી ઊંડાઈ સુધી ખોદી કાઢીને તેને કૉંક્રીટદ્રવ્યથી તેમજ ગ્રાઉટિંગ પદ્ધતિથી પૂરી દેવામાં આવેલું છે.
ભાખરા બંધના પસંદગી કરાયેલા આ સ્થળની ભૂસ્તરીય યોગ્યાયોગ્યતાનો 1915માં પૂરતો અભ્યાસ કરવામાં આવેલો. 1925માં ભારતના સર્વેક્ષણ ખાતા તરફથી તત્કાલીન ભૂસ્તરશાસ્ત્રી ડૉ. સી. એસ. ફૉક્સને ત્યાંના ખડકોની પાત્રતા તપાસવા નિમંત્રેલા. તેમની ખોજનાં તારણો આ પ્રમાણે હતાં : (i) બંધસ્થળના ખડકો અમુક પ્રમાણમાં કચરાયેલા છે, (ii) કોતરના હેઠવાસના નજીકના વાયવ્ય ભાગમાં ભૂપાત થવાની શક્યતા રહેલી છે, કારણ કે સ્તરો કોતરને આરપાર વીંધીને પસાર થાય છે. વળી તેમનું હેઠવાસતરફી સ્તરનમન ઉગ્ર છે; તેમ છતાં પૂરતી સલામતી લેવાય તો આ કોતરમાં ભાખરાબંધ બાંધવા માટે સ્થળ અયોગ્ય નથી.
હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર બાંધવામાં આવેલો ભાખરા બંધ તે સમયે દેશભરની એક વિરાટ ઇજનેરી રચના ગણાયેલો. તે કૉંક્રીટ ગ્રૅવિટી પ્રકારનો બંધ છે. આ બંધ રેતીખડકમાં બાંધવામાં આવેલો છે; રેતીખડક પંકપાષાણ અને મૃદપાષાણનાં આંતરપડોવાળો છે. આ આંતરપડોને કારણે પાયાના ખોદકામ દરમિયાન કેટલીક ભૂસ્તરીય મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. ખોદેલો ભાગ કૉંક્રીટથી પૂરણી કરીને ભરી દેવાનો હતો. તે પૈકીનું એક પડ નદીપટની સપાટી પર આશરે 33 મીટર પહોળું હતું અને 70°ના નમનવાળું હતું. નિયમ પ્રમાણે પડની પહોળાઈ કરતાં બમણું ખોદકામ કરવું જોઈએ, પરંતુ 66 મીટરનું ખોદકામ એક કઠિન સમસ્યા હતી. તેથી નિષ્ણાતોએ સ્થાનિક અભ્યાસ અને ગણતરી કરીને 30 મીટર ઊંડે સુધી ખોદવાની સલાહ આપેલી; તેમ છતાં માત્ર 15 મીટરની ઊંડાઈ સુધી જ ખોદકામ કરી શકાયું, તેથી થોડા સમય પૂરતું ખોદકામ અટકાવવું પડ્યું. પછીથી સળંગ લંબાઈમાં પ્રત્યેક 6 મીટરના અંતરના તફાવતે 3.6 ચોરસ-મીટરનો ભાગ બાકી રાખીને બીજો બધો ખોદાયેલો ભાગ કૉંક્રીટથી ઘનિષ્ઠપણે પૂરી દેવામાં આવ્યો. ત્યારબાદ બાકી રહેલા ચોરસ ખાડાઓમાં વિસ્ફોટક પદાર્થોની મદદથી જરૂરી ઊંડાઈ સુધી ખોદીને તેમાં પણ કૉંક્રીટ ભરી દેવામાં આવ્યો. આ એક મહાભગીરથ કાર્ય હતું.
ભાખરા-નાગલ પ્રકલ્પની મુખ્ય વિગતો :
નદી : સતલજ; સ્રાવક્ષેત્ર : 56,876 ચોકિમી.
સરેરાશ વરસાદ : 700 મિમી.
હિમવર્ષા : 2,400 મિમી.
આલેખિત પૂર-નિષ્કાસ : 11,327 ઘનમીટર/સેકંડ
બંધપ્રકાર : ભારાશ્રિત કૉંક્રીટ બંધ
ભાખરાબંધ : મહત્તમ ઊંચાઈ : 226 મી.,
લંબાઈ : 518 મી. (કુતુબમિનારથી ત્રણગણી)
તળભાગની પહોળાઈ : 97.5 મીટર
મથાળાની પહોળાઈ : 9 મીટર
છલતી (spillway) : પ્રકાર : કેન્દ્રીય સ્તરે ઓવરફલો;
દરવાજાની સંખ્યા : 4, માપ 15.24 × 14.47 મી.
પ્રકાર : ત્રિજ્યા (અરીય).
જળાશય : હિમાચલ પ્રદેશમાં નામ ગોવિંદસાગર.
લંબાઈ : 96 કિમી; પૂર્ણ સપાટીએ
જળક્ષેત્ર : 166 ચોકિમી.
જલસંગ્રહ-ક્ષમતા : 962.1 કરોડ ઘનમીટર
ઉપયોગી જળસંગ્રહ : 719.1 ઘનમીટર
નાંગલ બંધ : ઊંચાઈ : 29 મીટર
લંબાઈ : 343 મીટર, પહોળાઈ 133 મીટર
બંધની પાયાની ઊંડાઈ : 17 મીટર
જળાશય પંજાબમાં.
વિદ્યુતમથકો : ભાખરા બંધની ડાબી બાજુએ બે વિદ્યુતમથકો સ્થાપવામાં આવેલાં છે. નાંગલ વિદ્યુતમથક તૈયાર થયું ત્યારે (1955) તેની સ્થાપિત વિદ્યુત-ઉત્પાદનક્ષમતા 48,000 કિવૉ. હતી; જે જુલાઈ 1956માં ગંગવાલ અને કોટલા વિદ્યુતમથકો તૈયાર થતાં બમણી થઈ ગઈ. ગંગવાલ-કોટલાનાં બે વિદ્યુતમથકો નાંગલથી અનુક્રમે 18 કિમી. અને 27 કિમી.ને અંતરે આવેલાં છે. તેમની સ્થાપિત વિદ્યુત-ઉત્પાદનક્ષમતા 1,204 મેગાવૉટ જેટલી છે. વિદ્યુતમથકોનો પ્રકાર : ઊર્ધ્વ અરીય અક્ષીય. ફ્રાન્સિસ ટર્બાઇન; જલદાબ (મહત્તમ) 158 મીટર, (ન્યૂનતમ) 80 મીટર.
આ પ્રકલ્પને કારણે હરિયાણાનાં ગામોને વીજળીનો પુરવઠો મળવા લાગ્યો તથા પંજાબ અને હરિયાણાના કૃષિ અને ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. આ ઉપરાંત રાજસ્થાન અને દિલ્હીને પણ વીજપુરવઠો મળતો થયો.
નહેરયોજના : આ પ્રકલ્પમાંથી આશરે 1,100 કિમી. લંબાઈની મુખ્ય નહેરો અને તેમાંથી આશરે 3,400 કિમી. લંબાઈની પેટાનહેરો બનાવવામાં આવેલી છે; જેને લીધે 14.6 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. (સિંચાઈનું મહત્તમ લક્ષ 27.4 લાખ હેક્ટરનું છે.) નહેરો દ્વારા ભાખરા બંધના પાણીનો પુરવઠો 1958–59થી પંજાબ અને રાજસ્થાનના ભાગોને અપાવો શરૂ થયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે