ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ.
જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની પદવી મેળવી. હાલમાં પંજાબ યુનિવર્સિટીમાં લોક-પ્રશાસન(Public Administration)નો અભ્યાસ કરે છે. તે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે બૉક્સિંગ, ટેનિસ, સ્કેટિંગ, કરાટે, માર્શલ આર્ટ, થાંગટા જેવી રમતોમાં ભાગ લેતી અને તેમાં ઉત્કૃષ્ટ દેખાવ પણ કર્યો હતો. થાંગટામાં રાષ્ટ્રસ્તરે વિજેતા પણ બની હતી. રમત ઉપરાંત સંગીત, પેઇન્ટિંગ, વાંચન અને નૃત્યમાં પણ વિશેષ રુચિ ધરાવે છે.
ઘણી રમતોમાં ભાગ લીધા પછી આખરે મનુએ નિશાનેબાજી કરવાનો નિર્ણય કર્યો. એ વખતે તેની ઉંમર ચૌદ વર્ષની હતી. તેણે પ્રૅક્ટિસ શરૂ કરી. માત્ર પંદર દિવસની પ્રૅક્ટિસ પછી તેણે મહેન્દ્રગઢમાં યોજાયેલ રાજ્યસ્તરની હરીફાઈમાં ભાગ લીધો. પહેલી જ વખતની હરીફાઈમાં તેણે ચંદ્રક અને 4500 રૂપિયાનું ઇનામ મેળવ્યું. પિતાએ દોઢ લાખ રૂપિયામાં લાઇસન્સવાળી પિસ્તોલ લાવી આપી, પરંતુ તે પુખ્ત વયની ન હોવાથી પિસ્તોલ સાથે જાહેર વાહનોમાં મુસાફરી કરી શકતી ન હતી. તેના પિતાએ આ માટે નોકરી છોડી દીધી અને પુત્રીની સાથે પ્રૅક્ટિસમાં અને સ્પર્ધાઓમાં સાથે જતા.
નિશાનેબાજી શરૂ કર્યાનાં ત્રણ વર્ષ પછી 2017માં મનુએ કેરળ ખાતે નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં ઑલિમ્પિયન હીના સિદ્ધુને હરાવીને ફાઇનલમાં 242.3 પૉઇન્ટ મેળવી સિદ્ધુનો 240.8 પૉઇન્ટનો રેકૉર્ડ તોડ્યો. 2017ની એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક મેળવી સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી.
ગોલ્ડકોસ્ટમાં રમાયેલ 2018ની રાષ્ટ્રસમૂહ રમતો (કૉમન વેલ્થ ગેઇમ્સ)માં 10 મીટર પિસ્તોલમાં 16 વર્ષની ઉંમરે મનુએ સુવર્ણચંદ્રક જીત્યો હતો. મૅક્સિકોમાં યોજાયેલ ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પૉર્ટ ફેડરેશન) વર્લ્ડકપમાં 10મી ઍર પિસ્તોલમાં સુવર્ણચંદ્રક જીત્યો અને સૌથી નાની ઉંમરે સુવર્ણચંદ્રક જીતનારી ભારતીય ખેલાડી બની. ફેબ્રુઆરી 2019માં તેણે દિલ્હીમાં યોજાયેલ ISSF વર્લ્ડકપમાં 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 2020 ટોકિયો ઑલિમ્પિક્સમાં 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં તેની પિસ્તોલ બગડવાથી ફાયરિંગ ન કરી શકી, આથી તે રમતમાંથી દૂર થઈ હતી. તેણે 2022ની એશિયન ગેઇમ્સમાં મહિલાઓ માટેની 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ભારત માટે સુવર્ણચંદ્રક જીત્યો હતો. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં તેણે 10 મીટર ઍર પિસ્તોલની વ્યક્તિગત અને મિક્સ ટીમ ઇવેન્ટમાં સરબજોત સિંઘ સાથે મળીને કાંસ્યચંદ્રક મેળવ્યો. આથી મનુ એક જ ઑલિમ્પિક્સમાં બે ચંદ્રક જીતનારી ભારતની સૌપ્રથમ ખેલાડી બની.
મનુને 2020માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.
અનિલ રાવલ