ભાઈ વીરસિંગ (જ. 1872; અ. 1957) : આધુનિક પંજાબી સાહિત્યના અગ્રગણ્ય લેખક. તેઓ અમૃતસરમાં રહેતા હતા. એમના પિતા ડૉ. ચરણસિંહ પણ પંજાબી સાહિત્યકાર હતા. એમના નાના ધર્મપરાયણ વ્યક્તિ હતા. પિતાની સાહિત્યપ્રીતિ અને નાનાની ધાર્મિકતા બંનેનો વારસો એમણે દીપાવ્યો. તેઓ પત્રકાર તરીકે પણ જાણીતા હતા.

ભાઈ વીરસિંગ
1899માં એમણે ‘ખાલસા સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. એમણે વિવિધ સાહિત્યપ્રકારો ખેડ્યા છે. તેમના કાવ્યસંગ્રહો તે ‘રાના સૂરતસિંહ’, ‘લહરાં દે હાર’, ‘મટક હુલારે’, ‘પ્રીતવીણા’, ‘કંબ દી કલાઈ’, ‘મેરે સાંઈયા જિયો’; તેમની નવલકથાઓમાં ‘સુંદરી’, ‘વિજયસિંહ’, ‘સતવંતકૌર’, ‘બાબા નૌધસિંહ’નો સમાવેશ થાય છે. નાટકોમાં છે ‘રાજા લખદાતાસિંહ’. ધાર્મિક તથા ઐતિહાસિક કૃતિઓમાં ‘શ્રી ગુરુ નાનક ચમત્કાર’, ‘શ્રી કાલઘિંદર ચમત્કાર’, ‘પુરાતન જનમ સાખી’ તથા ‘ગુરુ ગ્રંથકોશ’ અને ‘સંતગાથા’નો સમાવેશ થાય છે.
તેઓ આધુનિક પંજાબી સાહિત્યના ઘડવૈયા લેખાય છે. તેમણે પંજાબી સાહિત્યને ‘કિસ્સાઓ’ તથા ‘પુરાતન જનમસખી’ના પરંપરાગત ઢાંચામાંથી બહાર કાઢ્યું. વિષયવસ્તુ તથા રચના-સ્વરૂપ એમ બંને રીતે તેમણે નવાં ખેડાણ કર્યાં. તેમની કવિતાએ પંજાબી કવિતાને પ્રાસબદ્ધતાની બેડીમાંથી મુક્ત કરી અને ‘રાના સૂરતસિંહ’ નામક ‘મહાકાવ્ય’માં ‘શિરખંડી’ તરીકે ઓળખાવેલા છંદનો વ્યાપક પ્રયોગ કર્યો. પંજાબી કાવ્યસાહિત્યમાં તેમના કાવ્યસર્જનથી નવાં વિકાસલક્ષી વળાંક અને વહેણ આરંભાયાં એમ મનાય છે.
એમની સાહિત્ય-સેવા માટે પંજાબ વિશ્વવિદ્યાલયે એમને માનાર્હ ડૉક્ટરેટની પદવી આપી હતી. 1955માં એમના કાવ્યસંગ્રહ ‘મેરે સૈંયા જિયો’ (1971, ત્રીજી આવૃત્તિ) માટે એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ તેમનો મહત્વનો છેલ્લો કાવ્યસંગ્રહ છે.
ચન્દ્રકાન્ત મહેતા