ભાઈ મોહનસિંહ (જ. 1905, પાકિસ્તાન; અ. 1965) : પંજાબી લેખક. એમની કાવ્યચેતના પર એમની જન્મભૂમિની લોકકથાઓ અને સામાજિક રૂઢિઓનો તથા તેના ભવ્ય પ્રાકૃતિક પરિવેશનો પ્રભાવ હતો.
‘સાવે પુત્તર’ (1930) એમની પ્રારંભિક રચનાઓનો સંગ્રહ છે. એમાં આદર્શવાદ તથા ઉર્દૂ અને ફારસીનો પ્રભાવ છે. ‘કસુમડા’(1939)માં વિષય તથા નિરૂપણમાં એમની કાવ્યપ્રતિભાની ઝાંખી થાય છે. એમની કૃતિ ‘અધવાટે’(1940)માં એમણે વિશેષત: માનવીની મન:સૃષ્ટિનું વિગતપૂર્ણ દર્શન કરાવ્યું છે. ‘કચ સચ’ (1941) તથા ‘આવાજો’(1942)ની કવિતામાં એમની સમાજવાદી વિચારધારોનો પ્રભાવ છે. તેમાં સામાજિક ક્રાન્તિ માટેની પ્રેરણાનો બુલંદ સ્વર સંભળાય છે. એમની ‘વડ્ડાવેલા’માં વિદ્રોહ સાથે આત્મપીડાની અભિવ્યક્તિ અને પ્રકૃતિના સૌંદર્યનું ચિત્રાંકન છે. વળી એમાં પ્રતીકવાદી ભાવવ્યંજના પણ છે. આ કાવ્યસંગ્રહ 1959માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરાયો હતો. એમના ઍવૉર્ડપ્રાપ્ત કાવ્યસંગ્રહમાં 14 કાવ્યો, 12 ગઝલ તથા 1 બૅલડ છે. સંગ્રહમાં કૃતિઓ સંખ્યાર્દષ્ટિએ થોડી છે, પણ પંજાબી કવિતામાં તેનું બહુમૂલ્ય પ્રદાન છે. ભાષાની તેમને અતિસૂક્ષ્મ જાણકારી હતી. તેમજ તે અજબ ભાષા-સામર્થ્ય ધરાવતા હતા. તેમની કાવ્યશૈલીમાં લય અને સંગીત છે. તેથી તેમાં અનન્ય માધુર્ય અને સંવાદિતા અનુભવાય છે.
મોહનસિંહ પહેલા પંજાબી કવિ છે, જેમની કવિતામાં આધુનિક ભાવબોધ પ્રતિબિંબિત થયો છે.
કવિતા ઉપરાંત તેમણે ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમણે કેટલુંક વિવેચનસાહિત્ય પણ પ્રગટ કર્યું છે. તેઓ પંજાબી સામયિક ‘પંજદરિયા’ના તંત્રી પણ હતા.
ચન્દ્રકાન્ત મહેતા