ભલ્લાતકાવલેહ : એક આયુર્વેદિક ઔષધ. ભિલામાના ફળને લઈ તેનાં ડીટાં કાપીને ઈંટના ભૂકામાં ખૂબ રગડવામાં આવે છે. તેથી ફળના ગર્ભમાં જે ઝેરી તેલ હોય છે તે ઈંટના ભૂકામાં શોષાઈ જાય છે. પછી તે છોલાઈ ગયેલા ફળને પાણીથી ખૂબ ધોઈ તેનાં બે ફાડિયાં કરી ચારગણા પાણીમાં ઉકાળી તેમાંનું ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી લઈ ગાળવામાં આવે છે. ત્યારબાદ તેના જેટલા જ પ્રમાણમાં ગાયનું દૂધ નાખી ક્ષીરપાક તૈયાર કરવામાં આવે છે. આ ક્ષીરપાક દૂધ-પાણીના મિશ્રણને એમાંનો પાણીનો ભાગ બળી જાય અને માત્ર દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળાય ત્યારે સિદ્ધ થાય છે. એ પછી તેનાથી અર્ધા પ્રમાણમાં સાકર મેળવી તેમાં ત્રિકટુ, ત્રિફલા, કપૂર, જટામાંસી, નસોતર, વાંસકપૂર, ખરસાર, ગળો, ચંદન, અક્કલગરો, લીંડીપીપર, ચણકબાબ, લવિંગ, સફેદ મૂસળી, કાળી મૂસળી, કંકોલ, મોચરસ, અજમો, બોડી-અજમો, તગર, ગજપીપર, વિદારીકંદ, જાયફળ, નાગરમોથ, જાવંત્રી, કાંકચિયાનાં બીજ, જીરું, અગર, સમુદ્રશોષ, મેદા, મહામેદા, લોહભસ્મ, રસસિંદૂર, બંગભસ્મ, અભ્રકભસ્મ અને કેસર — દરેક સરખા પ્રમાણમાં લઈ બારીક ચૂર્ણ કરી મેળવી સાત દિવસ રાખી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેને શીશીમાં ભરી લેવામાં આવે છે. આ અવલેહ ખૂબ જ પોષક હોઈ અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને વાના અને સાંધાના રોગોમાં તે અકસીર છે. લગભગ 5.5 ગ્રા.થી 23 ગ્રા.ની માત્રામાં તે આપવામાં આવે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા