ભર્તૃહરિ : સંસ્કૃત ભાષાસાહિત્યના જાણીતા મુક્તક-કવિ. ભર્તૃહરિના જીવન વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે, જેમાં ઐતિહાસિક રીતે સત્યનો અભાવ જણાય છે. એક પરંપરા મુજબ ભર્તૃહરિ વિક્રમ સંવતના પ્રવર્તક વિક્રમાદિત્યના ભાઈ હતા, પરંતુ ભારતમાં વિક્રમાદિત્ય નામના એકથી વધુ રાજાઓ થઈ ગયા હોવાથી એ વિશે કશું નક્કી કહી શકાય તેમ નથી. ભારતીય માન્યતા મુજબ ભર્તૃહરિ પ્રેમાળ અને ભાવુક રાજા હતા. તેમને પિંગળા નામની એક સુંદર પત્ની હતી. પિંગળાને રાજાના અશ્વપાલ સાથે નિંદ્ય સંબંધ હતો. આ બેવફાઈની જાણ ભર્તૃહરિને થવાથી તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો અને અંતે તેઓ નાથ સંપ્રદાયના સંન્યાસી કે સિદ્ધ યોગી બન્યા એવી દંતકથા ખૂબ જાણીતી છે. આ દંતકથામાં કેટલું સત્ય રહેલું છે તે વિવાદાસ્પદ છે.
પરદેશી વિદ્વાનોના મત મુજબ પૂર્વે ભર્તૃહરિ રાજદરબાર સાથે પરિચય-સંબંધ ધરાવતા હશે, પરંતુ પાછળથી સંસારનો ત્યાગ કર્યો હશે. તેઓ પ્રારંભમાં શૈવ સંપ્રદાયના અનુયાયી હશે, પરંતુ પાછળથી બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હશે.
ચીની મુસાફર ઇત્સિંગે પોતે ભારતમાં આવ્યો તેનાં થોડાંક વર્ષો પહેલાં (651માં) ભર્તૃહરિ નામના એક વૈયાકરણ અવસાન પામ્યા હોવાની માહિતી પોતાના પ્રવાસવર્ણનમાં નોંધી છે. ઇત્સિંગે ઉલ્લેખેલા ભર્તૃહરિ તે વ્યાકરણશાસ્ત્રની જાણીતી રચના ‘વાક્યપદીય’ના લેખક હોવાનું અનુમાન વિદ્વાનોએ કર્યું છે. ઇત્સિંગના મતે ભર્તૃહરિ ગૃહસ્થ અને સંન્યસ્ત વચ્ચે ર્દઢ નિશ્ચય કરી ન શકવાથી સાત વાર બૌદ્ધ ધર્મના અનુયાયી બનેલા અને પાછા ગૃહસ્થ બનેલા.
મૅક્સમૂલરના મતે ‘વાક્યપદીય’ના લેખક અને ‘શતકો’ના રચયિતા ભર્તૃહરિ એક જ હતા. જોકે ઇત્સિંગે આવું જણાવ્યું નથી. પરદેશી વિદ્વાનોના આ મત સામે ભારતીય પરંપરા વૈયાકરણ ભર્તૃહરિ અને કવિ ભર્તૃહરિને જુદા માને છે. એનું કારણ એ છે કે ભર્તૃહરિનાં કાવ્યોમાં શૈવ સંપ્રદાયના ઉલ્લેખો છે, બૌદ્ધ ધર્મના ઉલ્લેખો નથી. આની સામે પરદેશી વિદ્વાનો એમ કહે છે કે શતકકાવ્યોની રચના કર્યા પછી ભર્તૃહરિએ છેલ્લે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હશે.
ભર્તૃહરિએ (1) શૃંગારશતક, (2) વૈરાગ્યશતક, (3) નીતિશતક અને (4) વિજ્ઞાનશતક એમ ચાર મુક્તક-શતકોની રચના કરી છે, જેમાંનું અંતિમ વિજ્ઞાનશતક અલ્પપ્રચલિત છે; જ્યારે વૈયાકરણ ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ ઉપરાંત પતંજલિના મહાભાષ્ય પર ‘દીપિકા’ નામની ટીકા પણ રચી છે.
અબ્રાહમ રૉજર નામના ડચ વિદ્વાને 1663માં પ્રસિદ્ધ કરેલા પોતાના એક મૂળ અંગ્રેજી ગ્રંથના જર્મન ભાષાંતરની સાથે કવિ ભર્તૃહરિનાં બે શતકોનું ભાષાન્તર પણ પદ્મનાભ નામના બ્રાહ્મણની મદદથી કર્યું હતું. આથી ‘પંચતંત્ર’ને બાદ કરતાં યુરોપમાં ભર્તૃહરિનાં શતકોનો અનુવાદ સર્વપ્રથમ થયો હતો. ભર્તૃહરિ વિશે હરિહરે ‘ભર્તૃહરિનિર્વેદ’ નામનું નાટક સંસ્કૃતમાં લખેલું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી