ભરત નાટ્યપીઠ : અમદાવાદની નાટ્યસંસ્થા. 1949માં ‘પીપલ્સ થિયેટર’થી મુક્ત થઈ જશવંત ઠાકરે અમદાવાદ ખાતે ‘ભરત નાટ્યપીઠ’નો પાયો નાખ્યો. ‘દુ:ખીનો બેલી’, ‘મુદ્રારાક્ષસ’, ‘અમર સ્મારક’, ‘ગામનો ચોરો’, ‘ભાસનાં નાટકો’, ‘દસ મિનિટ’, ‘જગદગુરુ શંકરાચાર્ય’, ‘રણછોડલાલ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘રામદેવ’ (ઇબ્સન), ‘પત્તાંનો પ્રદેશ’, ‘નરબંકા’, ‘અલકા’ વગેરે નાટકોની ભજવણીથી તેમણે ‘ભરત નાટ્યપીઠ’નું ભાવિ ઉજ્જ્વળ બનાવ્યું. પણ થોડા વખત પછી તેમણે ‘ભરત નાટ્યપીઠ’ને કામચલાઉ વિખેરી નાખી.
‘ભરત નાટ્યપીઠ’નાં મૂળિયાંમાં પ્રાણ હતો એટલે જશવંતભાઈએ 1973માં એ સંસ્થાને પુન: સક્રિય કરી. ‘ભરત નાટ્યપીઠ’ રજિસ્ટર થયેલા ટ્રસ્ટવાળી સંસ્થા હતી. તેનાં ટ્રસ્ટીઓ હતાં : જશવંત ઠાકર, એસ. આર. ભટ્ટ, ભારતીબહેન ઠાકર, હરીશ દરજી વગેરે અને સંસ્થાની નટચમૂમાં બાબુભાઈ પટેલ, ચીનુભાઈ સોજના, અરવિંદ વૈદ્ય, એ. એ. મનસૂરી, બચુભાઈ નાદર, હરીશ દરજી, ભીમ વાકાણી, જીવણ પ્રજાપતિ, શ્રીમતી અનસૂયા સુતરિયા, પ્રભાબહેન પાઠક, અરવિંદ પાઠક, જયદેવ ઠાકર, ભારવિ ઠાકર, કાર્તિકેય ઠાકર, રક્ષા નાયક, ગોવિંદિની શાહ, ઉષા ચોકસી અને અદિતિ ઠાકર હતાં. શરૂઆતના તબક્કે સંસ્થાકીય ખર્ચનાં નાણાંની જોગવાઈ મિત્રો મારફતે કરી, પરંતુ એ પછી સરકારી ગ્રાન્ટ પણ સન્નિવેશ, વેશભૂષા, પ્રકાશવ્યવસ્થા, હૉલનું ભાડું વગેરે ખર્ચ માટે સ્વીકારી. બધાં જ કલાકારો નિ:શુલ્ક કામ કરતાં હતાં. સંસ્થાકીય વહીવટ અને નિર્માણકાર્યમાં અવિરતપણે સહાયભૂત રહ્યા મહેન્દ્ર ઉપાધ્યાય. જશવંતભાઈ તેમને સંસ્થાનો પ્રાણ ગણતા હતા. સન્નિષ્ઠ કલાકારોના જૂથને કારણે નાટકોના પૂર્વાભ્યાસથી લઈને લોકો સમક્ષના પ્રયોગો પર્યન્ત શિસ્તપૂર્ણ વાતાવરણમાં કાર્ય થતું હતું.
સંસ્થામાં નાટકની પૂર્વતૈયારીમાં મહિનાઓ પસાર થતા. એટલે ધંધાદારી નટ-નટીઓ આ સંસ્થાથી દૂર રહેતાં. સંસ્થાનો ઇરાદો કમાણી કરવાનો ન હતો. તેને તો એક એવી ભાવિ પેઢી તૈયાર કરવી હતી, જે રંગભૂમિનું સાતત્ય જાળવી રાખે.
જશવંતભાઈએ જ્યારે ર. છો. પરીખનું નાટક ‘શર્વિલક’ ભજવણી માટે હાથ ધર્યું ત્યારે પાત્રોનું સંખ્યાબળ મોટું હોઈ તેમણે સમગ્ર અમદાવાદની સંસ્થાનાં કલાકારોને નિમંત્ર્યાં. પૂર્વાભ્યાસ માટે કોઈને ન આવેલ જોઈ જશવંત ઠાકરને આઘાત લાગ્યો. છેવટે સંસ્થાનાં કલાકારો અને ગુજરાત કૉલેજના નાટ્યવિભાગનાં તાલીમીઓ દ્વારા આ નાટક ભજવાયું. દોઢેક વર્ષના લાંબા ગાળા પછી 42 કલાકારો સાથેના આ નાટક ‘શર્વિલક’નો પાંચ કલાકની અવધિ સાથેનો પ્રથમ પ્રયોગ સફળતાપૂર્વક રજૂ થયો. આ સંસ્થાએ અમદાવાદમાં – બલકે સમગ્ર ગુજરાતમાં – પ્રથમ વાર ફરતા રંગમંચનો ઉપયોગ કર્યો. આ પ્રકારનું પ્રયોજન નાટક ‘નટસમ્રાટ’ માટે થયું હતું. ‘શર્વિલક’, જ્યારે ‘રાયગઢ જાગે છે’ અને ‘સિકંદર સાની’ જેવાં નાટકોમાંનું ઐતિહાસિક વાતાવરણ જાળવવા માટે ખાસ વેશભૂષા તૈયાર કરવામાં આવેલી.
આ સંસ્થાએ એક રીતે તો વિદ્યાપીઠનું કાર્ય કર્યું છે. લોકોને આ સંસ્થા દ્વારા શ્રેષ્ઠતમ નાટકો જોવા-માણવા મળ્યાં અને અનેક નવોદિત કલાકારોને તેના કાર્યમાં ઓતપ્રોત થઈ તાલીમ મેળવવાનો લહાવો મળ્યો. આ સંસ્થાએ ભજવેલાં નાટકો આ પ્રમાણે છે : ‘નટસમ્રાટ’, ‘જ્યારે રાયગઢ જાગે છે’, ‘સિકંદર સાની’, ‘શંકુતલા’, ‘શર્વિલક’, ‘અંદર અંદર’, ‘સંધ્યા ઊગી છેક સવારે (સંધ્યાછાયા)’, ‘અંતરનો અપરાધી’, ‘બાણશય્યા’, ‘ખાનદાનીનું પાગલખાનું’, ‘બે સ્ત્રી’ અને ‘મુદ્રારાક્ષસ’.
જનક દવે