ભરતપુર : રાજસ્થાનના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 43´થી 27° 50´ ઉ. અ. અને 76° 53´થી 77°47´ પૂ. રે. વચ્ચેનો 5,066 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરિયાણાનો ગુરગાંવ જિલ્લો, પૂર્વમાં મથુરા અને આગ્રા જિલ્લાઓ, દક્ષિણમાં ધોલપુર અને સવાઈ માધોપુર તથા પશ્ચિમમાં સવાઈ માધોપુર અને અલ્વર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક ભરતપુર જિલ્લાના પૂર્વભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો સમગ્ર ભાગ ટેકરીઓ તથા અસમતળ ખંડિત ભૂમિભાગોથી આવરી લેવાયેલો છે. ઉત્તર સરહદ ટેકરીઓવાળી છે. આશરે 30 મીટર ઊંચાઈ ધરાવતી અરવલ્લીની ટેકરીઓ અહીં વિસ્તરેલી છે. જિલ્લાનો ઉત્તર અને પૂર્વ ભાગ યમુના નદીના કાંપના પ્રદેશથી છવાયેલો છે. જિલ્લાના વિવૃત ભાગો ખડકાળ છે, તેમજ તે રણની રેતીથી અંશત: આચ્છાદિત છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં તેની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ‘અરવલ્લી રચના’ અને ‘દિલ્હી રચના’ના શિસ્ટ અને ક્વાર્ટ્ઝાઇટ ખડકોથી બનેલી ટેકરીઓ આવેલી છે. અહીંની આબોહવા વિષમ રહે છે. ઉનાળામાં તાપમાન 40°થી 45° સે. જેટલું અને શિયાળામાં 20° સે.ની આજુબાજુનું રહે છે. વરસાદનું પ્રમાણ 600થી 750 મિમી. વચ્ચે રહે છે.
ટેકરીઓથી બનેલી અહીંની હારમાળામાં વિંધ્ય ખડકો પણ છે. ફતેહપુર સિક્રીથી હિંદોન તરફ વિસ્તરેલા આ ખડકો જિલ્લાનો મોટો ભાગ આવરી લે છે. સદીઓથી તે બાંધકામક્ષેત્રે વપરાતા રહ્યા છે. આ ઉપરાંત અહીં બેરાઇટ, તાંબા, સીસા તથા મૅંગેનીઝનાં અયસ્ક, અબરખ, સિલિકા–રેતી, મૃદ, ચિરોડી તથા આલ્કલી ક્ષારો પણ મળે છે.
જિલ્લાનો 4.5 % ભૂમિભાગ જંગલ-આચ્છાદિત છે. ખસ અહીંની મુખ્ય આર્થિક પેદાશ ગણાય છે. અહીંથી ઇમારતી તેમજ કોલસા માટેનાં લાકડાં અને કાથો પણ મળી રહે છે. આ જંગલો સૂકાં, પર્ણપાતી પ્રકારનાં છે, તેમાં ધવ અને ખેર મુખ્ય છે. તે ઉપરાંત અરંજ, ખાખરો, બોર, કાંચનાર, કુર્ચી, બિરબિરા, હિંગોટ, જરબોર, બાવળ, કદમ, કાબુલી, કિકર, કરિલનાં વૃક્ષો પણ જોવા મળે છે. ભરતપુરથી આશરે 5 કિમી. અંતરે ‘ઘના’(Ghana)નું ગીચ જંગલ આવેલું છે. ચોમાસાની ઋતુમાં તે લીલુંછમ રહે છે. બાણગંગા અહીંની મુખ્ય નદી છે. અન્ય નાની નદીઓ પણ છે. આ બધી જ નદીઓ વર્ષાઋતુ પૂરતી જ ભરેલી રહે છે; ઉનાળાના બેત્રણ માસ માટે તો તે સુકાઈ જાય છે.
ખેતી-પશુપાલન : આ જિલ્લામાં ખરીફ, રવી તેમજ જૈદ–રવી પાકો લેવાય છે. ખરીફ પાકોમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, અડદ, મગ, ચોળા, તુવેર જેવાં કઠોળ, દિવેલી, મગફળી અને અળસી, શેરડી, મરચાં, નાગરવેલનાં પાન, અફીણ વગેરેનો; રવી પાકોમાં ઘઉં, રાઈ, જીરું, મરચાં, તમાકુ, ડુંગળી અને બટાટાનો; જ્યારે જૈદરવી પાકોમાં તડબૂચ, શાકભાજી, તમાકુ, પશુખાદ્યપાકો વગેરેનો સમાવેશ થાય છે.પર્વતી નદી-યોજના હેઠળ સિંચાઈની સુવિધા મળી રહે છે. તેનાથી જિલ્લાની આશરે 1,21,000 હેક્ટર જમીનને સિંચાઈ ઉપલબ્ધ કરી શકાય છે.
ભેંસો, ઘેટાંબકરાં, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં, ઊંટ અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાં-પાલન પણ કેટલાક લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, પશુસંવર્ધન-કેન્દ્ર, આખલાપાલન કેન્દ્ર, હરતું-ફરતું પશુચિકિત્સાલય એકમ, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્ર તેમજ ગૌશાળાની સુવિધા છે.
ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં સેન્ટ્રલ ઇંડિયા મશીનરી મૅન્યુફૅક્ચરિંગ કંપની લિ., પરફેક્ટ પૉટરિઝ કંપની લિ. જેવા મોટા ઉદ્યોગો આવેલા છે. 1979માં અહીં રાજ એક્સ્પ્લોઝિવ ઍન્ડ કેમિકલ્સની પણ સ્થાપના થઈ છે. આ જિલ્લો તેનાં માટીનાં વાસણો અને પાઇપો માટે ખૂબ જ જાણીતો છે. રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન લિ. તરફથી 1972, 1978 અને 1980માં ભરતપુર, દીઘ અને બયાના ખાતે ઔદ્યોગિક વસાહતો ઊભી કરવામાં આવેલી છે. આ ઉપરાંત અહીં ભરતપુર ખાતે હિન્દુસ્તાન ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. તથા દાલમિયા ઇન્ડસ્ટ્રિઝ પણ કાર્યરત છે.
ભરતપુર શહેર બ્રૉડગેજ-મીટરગેજ રેલમાર્ગોથી સંકળાયેલું હોવાથી તે જિલ્લાના વેપારનું મુખ્ય મથક છે. જિલ્લામાં જીરું, ખાદ્યાન્ન, ઘી, તેલીબિયાંનો વેપાર વિકસ્યો છે. બયાના તાલુકામાં ગોળનું ઉત્પાદન લેવાય છે. આ ઉત્પાદનોની નિકાસ થાય છે. ખાંડ, કપાસ અને કાપડની આયાત કરવામાં આવે છે. જિલ્લાનાં મુખ્ય નગરો ખાતે વેપારી બજારો અને વેપારી મંડળો વિકસેલાં છે. જિલ્લાના 67 (38 ગ્રામીણ અને 29 અર્ધશહેરી) વિસ્તારોમાં કૉમર્શિયલ બૅંકો તથા 12 સહકારી બૅંકોની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાં થઈને રાષ્ટ્રીય ધોરી માર્ગો 2 અને 11 પસાર થાય છે. રાજ્ય પરિવહન નિગમ તરફથી ભરતપુર ડેપો ખાતે 2,278 કિમી. લંબાઈને આવરી લેતા 19 જેટલા બસરૂટ કાર્યરત છે.
આ જિલ્લામાં આવેલાં ઘણાં પ્રવાસ-સ્થળો પૈકી મહત્વનાં સ્થળો આ પ્રમાણે છે : (i) બયાના : તે ભરતપુરથી નૈર્ઋત્યમાં 45 કિમી. અંતરે આવેલું છે. તેનું પ્રાચીન નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. નગરની નજીક આવેલો વિજયગઢ જિલ્લો ઘણી ઐતિહાસિક ઘટનાઓથી જાણીતો બનેલો છે. અહીં ઘણા હિન્દુ-મુસ્લિમ અવશેષો જોવા મળે છે. એ પૈકી લાલ રેતીખડકથી બનાવેલો ‘ભીમ લઠ્ઠ’ નામથી ઓળખાતો એક સ્તંભ જોવાલાયક છે. અહીંથી મળેલો અકબરના સમયનો એક અભિલેખ દર્શાવે છે કે અકબર ખાનદેશની જીત મેળવીને 1601–2ના અરસામાં અહીંથી પસાર થયેલો. (ii) બંધ બરેથા : તે ભરતપુરથી 57 કિમી. અને બયાનાથી 9 કિમી. અંતરે ખીણપ્રદેશમાં આવેલું છે. તેનું બાંધકામ 1897માં પૂર્ણ થયેલું. તેની બાજુમાં એક સહેલગાહ-સ્થળનો પણ વિકાસ કરવામાં આવેલો છે. અહીંના જળાશયમાં નૌકાવિહારની સુવિધા પણ છે. (iii) દીઘ : દીઘ ભરતપુર જિલ્લાનું ઘણું જ અગત્યનું ઐતિહાસિક નગર છે, તે ભરતપુરથી 34 કિમી. અંતરે આવેલું છે અને અલ્વર, મથુરા તેમજ દિલ્હી સાથે પાકા માર્ગોથી જોડાયેલું છે. એક કાળે તે દીર્ઘ કે દીર્ઘપુર નામથી ઓળખાતું હોવાનું કહેવાય છે. સ્કંદપુરાણમાં તેમજ ભાગવત-માહાત્મ્યમાં તેનો ઉલ્લેખ છે. તે ખાસ કરીને તો ‘ભવનો’ તરીકે ઓળખાતા ફુવારાવાળા મહેલો માટે જાણીતું બનેલું છે. આ ‘ભવનો’ 1755–63 દરમિયાન ભરતપુરના તત્કાલીન મહારાજા સૂરજમલે બંધાવેલાં છે; તે પૈકીનો પશ્ચિમ તરફનો ગોપાલભવન મહેલ સૌથી મોટો છે. તે ત્રણ બાજુએ બે મજલાવાળો છે. વચ્ચેના ભાગમાં ખૂબ જ વિશાળ સભાખંડ છે. આ ઉપરાંત અહીં 1730ના અરસામાં બાંધેલો કિલ્લો પણ છે. (iv) કેવલાદેવ ઘના : ભરતપુરથી માત્ર 5 કિમી. અંતરે આ સ્થળ આવેલું છે. તે દેશભરમાં જાણીતું જળપક્ષીઓના સંવર્ધન માટેનું અભયારણ્ય છે. વળી તે જળપક્ષીઓની જૈવિક વિદ્યા પરનાં વૈજ્ઞાનિક અન્વેષણો કરવા માટેનું મુખ્ય મથક પણ છે. ચોમાસું બેસતાં જ અહીં સાઇબીરિયા તેમજ અન્ય સ્થળોએથી પક્ષીઓ આવવા માંડે છે. આ ઉપરાંત અહીં ઢોર બગલો (paddy bird), ખેતરિયો ચંડૂલ, રાત બગલું (night heron) જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે.
ભરતપુર : જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 27° 00´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે. 1733માં તેની સ્થાપના થયેલી. તે જયપુર, આગ્રા અને મથુરા સાથે સડક અને રેલમાર્ગે જોડાયેલું છે. તે ઔદ્યોગિક અને કૃષિપેદાશોના બજાર માટેનું મથક છે. અહીંના અગત્યના ઉદ્યોગોમાં તેલમિલો, ધાતુમાળખાં બનાવતાં કારખાનાં, રેલવે વર્કશૉપ અને નાની મોટરગાડીઓ માટેનાં કારખાનાંઓનો સમાવેશ થાય છે. ભરતપુરની હાથીદાંતના, ચાંદીના કે સુખડના હાથાવાળી હાથકારીગરીની ચમરીઓ ખૂબ પ્રખ્યાત છે. અહીં હૉસ્પિટલો તેમજ રાજસ્થાન યુનિવર્સિટી સાથેની સંલગ્ન કૉલેજો આવેલી છે. ભરતપુરમાં લક્ષ્મણજીનું એક મંદિર, ગંગા-સમર્પિત બે મંદિરો, ભરતપુરના રાજકુંવરનો મોતીમહેલ, વિક્ટોરિયા હૉસ્પિટલ તથા જામા મસ્જિદ જોવાલાયક સ્થળો છે. શહેરના વાયવ્ય ભાગમાં ચોરસ આકારમાં પથ્થરમાંથી બાંધેલો, ઊંચી દીવાલોવાળો, બહારના ભાગમાં 61 મીટર પહોળી અને ઊંડી ખાઈઓવાળો એક ઐતિહાસિક કિલ્લો આવેલો છે. કિલ્લા તરફ જવા માટે બે મુખ્ય દરવાજા છે, ખાઈઓ પરથી પુલ મારફતે જઈ શકાય છે. ગોપાલગઢ તરફના દરવાજાનાં દ્વાર અષ્ટધાતુમાંથી બનાવેલાં છે. પ્રવાસીઓની સુવિધા જાળવતી બે હોટેલો પણ અહીંયાં છે.
જોવાલાયક અન્ય સ્થળોમાં કમાણ, કુમ્હેર, નગર, નાદબાઈ, રૂપવાસ, સરમથુરા, વનવિહાર અને વીરનો સમાવેશ કરી શકાય. ભરતપુર વ્રજવિસ્તારનો ભાગ રહેલું હોવાથી વારતહેવારે જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે. વળી આ નગર રાસલીલા, ફાગ, રસિયા, લંગૂરિયા, સ્વાંગ અને નૌટંકીનું સ્થળ પણ ગણાય છે. જશવંત પ્રદર્શની મેળો, કાંસનો મેળો અને તીજોંનો મેળો અહીંના મુખ્ય મેળા ગણાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની કુલ વસ્તી 16,51,584 જેટલી છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે, ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80.6 % અને 19.4 % જેટલું છે. ધર્મવિતરણ મુજબ હિન્દુઓનું પ્રમાણ 90 % જેટલું છે, જ્યારે બાકીની વસ્તીમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 50 % જેટલું છે. જિલ્લામાં કુલ 8 (ભરતપુર ખાતે 6) જેટલી કૉલેજો છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ વ્યાવસાયિક શિક્ષણ-સંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. અહીં સરકારી ચિકિત્સાલયો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણકેન્દ્રો, જનરલ હૉસ્પિટલો, આયુર્વેદિક હૉસ્પિટલો-ચિકિત્સાલયો તેમજ ક્ષય-ચિકિત્સાલયની સુવિધા પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 10 તાલુકાઓમાં અને 9 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. 10 નગરો અને 1,454 (109 વસ્તીવિહીન) ગામડાં છે. ભરતપુર, શ્રીનગર, જઘીના અને સીવર ક્લાન એક લાખ કે તેથી વધુ વસ્તીવાળાં છે. ભરતપુરની વસ્તી 1,56,844 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા