ભટ, સુરેશ (જ. 15 એપ્રિલ 1932, અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2003, નાગપુર) : જાણીતા મરાઠી કવિ –ગીતકાર અને ગઝલકાર. સમગ્ર શિક્ષણ અમરાવતી ખાતે. નાગપુર વિદ્યાપીઠમાંથી ભાષા અને સાહિત્ય વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. શાળા અને મહાવિદ્યાલયના શિક્ષણ દરમિયાન તેમનામાં રહેલી સર્જનશક્તિ પૂર્ણ કળાએ ખીલવા લાગી હતી. મહાવિદ્યાલયનાં સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થવાની શરૂઆત થઈ અને ક્રમશ: મરાઠીના અગ્રણી સામયિકોમાં તેમની કવિતાને સ્થાન મળતું ગયું. વૃત્તપત્રોમાં પણ તેમની રચનાઓ અને લેખો પ્રસિદ્ધ થવા લાગ્યાં. તે સમય દરમિયાન નાગપુર ખાતેના આકાશવાણી કેન્દ્ર પર થોડોક સમય નોકરી કર્યા પછી મુંબઈ ખાતે થોડોક સમય અને ત્યાર બાદ પુણેથી પ્રકાશિત થતા ‘સાધના’ સાપ્તાહિકમાં સંપાદન વિભાગમાં કામ કર્યું. યુવાવસ્થામાં સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળમાં ભાગ લીધો હતો. ‘બહુમત’ શીર્ષક હેઠળ તેમણે તેમનું પોતાનું સાપ્તાહિક મરાઠી ભાષામાં પ્રકાશિત કરવાનો ઉપક્રમ કર્યો. મરાઠી ભાષા અને મરાઠી અસ્મિતા પ્રત્યે તેમને ખૂબ નિષ્ઠા હતી. માધવ જુલિયન (1894–1939) એ સમયના ક્રમ પ્રમાણે મરાઠી ભાષાના સર્વપ્રથમ ગઝલકાર ગણાય; પરંતુ સાચા અર્થમાં મરાઠી ભાષામાં ગઝલનો વિકાસ થયો તે સુરેશ ભટની કલમથી. અલબત્ત, તેમની કાવ્યરચનાઓએ અનેક રંગ પ્રદર્શિત કર્યા અને મોટા ભાગની તેમની કાવ્યકૃતિઓ ગેય સ્વરૂપની છે; જેને લીધે તે માત્ર મરાઠી ભાષા કે સાહિત્યના અભ્યાસકો પૂરતી જ મર્યાદિત રહી નથી; પરંતુ મરાઠીના ખ્યાતનામ ગાયકો અને ગાયિકાઓ મારફત તે અસંખ્ય પરિવારોમાં કાયમનું સ્થાન પામી છે.
મરાઠી ભાષાના ખ્યાતનામ કવિઓ ‘કેશવસુત’ (1866–1905), ‘ગોવિંદાગ્રજ’ (1885–1939) અને રાજકવિ ભાસ્કર રામચંદ્ર તાંબે (1873–1941) સુરેશ ભટના પ્રેરણાસ્રોત હતા; તો સંત તુકારામ, ઉર્દૂના ફૈઝ અહમદ ફૈઝ અને જિગર મુરાદાબાદી જેવાઓની રચનામાંથી તેમણે ઘણું ગ્રહણ કર્યું હતું, જેની છાપ તેમની કાવ્યકૃતિઓમાં અને વિશેષ કરીને ગઝલોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. વિ. વા. શિરવાડકર ઉર્ફે ‘કુસુમાગ્રજ’ (1912–1999) તેમના પ્રિય કવિ હતા. આ બધા કવિઓની તેમના કાવ્ય પ્રત્યેના વિચારો પર પરોક્ષ અસર અવશ્ય થઈ, છતાં સુરેશ ભટે જે કવિતાનું સર્જન કર્યું તે તેમની આગવી ઢબ અને મિજાજની, રસિકતાથી ભરપૂર અને વાચક કે શ્રોતાનાં દિલોને સ્પર્શનારી વેદનાસભર કવિતા હતી.
સુરેશ ભટે તેમના સર્જન દ્વારા ગઝલના કાવ્યપ્રકારનો બહોળો ઉપયોગ કર્યો છે. ગઝલને તેઓ પોતાનું ‘વ્યસન’ ગણતા હતા. ઉર્દૂ ગઝલ પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો અને તેથી ઉર્દૂમાં લખાયેલી કે લખાતી ગઝલની ભીતરમાં તેઓ જઈ શકે એટલા માટે તેઓ ઉર્દૂ શીખ્યા – એક નિષ્ઠાવાન વિદ્યાર્થીની અદબથી. 1967માં તેમણે જાહેર કાર્યક્રમોમાં કવિતા પ્રસ્તુત કરવાની શરૂઆત કરી તે રસમ 2003માં અવસાન સુધી ચાલુ રહી. ‘રૂપગંધા’ (1961) એ સુરેશ ભટનો પ્રથમ કાવ્યસંગ્રહ. ત્યાર પછી ‘રંગ માઝા વેગળા’ (1975), ‘અલ્ગાર’ (1983) અને ‘ઝંઝાવાત’ (1994) પ્રસિદ્ધ થયા. તેમની રચનાઓ વાચતાં મરાઠી ભાષા પર તેમની અસાધારણ પ્રભુતા જણાય છે. તેમની કવિતાની લયબદ્ધતાને લીધે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાનું તેમનામાં સામર્થ્ય હતું. મરાઠી કાવ્યસૃષ્ટિમાં તેઓ ‘ગઝલસમ્રાટ’ ઉપનામથી ઓળખાતા રહ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે