ભટ્ટ, છોટાલાલ નરભેરામ (જ. 1850, મહેમદાવાદ; અ. 1937) : કવિ, આત્મચરિત્રકાર, અનુવાદક. અલીન્દ્રાના વતની. પ્રાથમિક કેળવણી મોસાળ મહેમદાવાદમાં લઈ સૂરત ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તે પછી ભરૂચમાં શિક્ષક. દરમિયાન કોઈ વિદ્વાનના સમાગમથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદક અને પુરાણોનો અભ્યાસ. બાળપણથી જ કવિતા કરવાનો શોખ; તેથી કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે મૈત્રી. એક શાસ્ત્રી પાસે તર્કસંગ્રહાદિ તથા નાટક, ચમ્પૂ વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યારથી સંસ્કૃત કાવ્યો રચવા માંડ્યા. એક ફકીર પાસેથી ઉર્દૂ પણ શીખ્યા. સૌપ્રથમ ‘સ્વદેશવત્સલ’માં લેખો લખવા શરૂ કર્યા. પ્રથમ પુસ્તક ‘કામકટાક્ષ’ (1883). કેટલોક વખત ગાયકવાડી રાજ્યમાં સંસ્કૃતના શિક્ષક અને હેડમાસ્તર. તેઓ ‘કેળવણી’ નામના માસિકના અધિપતિ હતા. અદ્વૈતાનંદ સ્વામીના સંપર્કથી વેદાન્તના ગ્રંથોનો અભ્યાસ. તેમણે પોતાનું નિવૃત્ત જીવન વેદાન્તમનન અને લેખનમાં વડોદરા ખાતે ગાળ્યું. તેમની લાંબી પદ્યકથાઓમાં ‘કામકટાક્ષ’ (1883) ઉપરાંત ‘શાંતિસુધા અથવા રઘુવીર સુકન્યા’(1996)નો સમાવેશ થાય છે. એમનું ‘આત્મવૃત્તાંત’ (1935) ગોવિંદલાલ હ. ભટ્ટે 1953માં પ્રસિદ્ધ કરેલું. તેમણે 24 જેટલા અનુવાદો આપ્યા છે, જેમાં ‘માર્કંડેય પુરાણ’, ‘ડંકમાહાત્મ્ય’, ‘મહાભારત શાંતિપર્વ’, વાલ્મીકિરામાયણમાંથી ‘કિષ્કિંધા કાંડ’, ‘યુદ્ધ કાંડ’ અને ‘ઉત્તર કાંડ’, વાગ્ભટનું ‘અષ્ટાંગહૃદય’, ‘હિતોપદેશ’, ‘શિવકવચ’, ‘સિદ્ધાંતદર્શન’, ‘વિચારસાગર’, ‘ચમત્કારચિંતામણિ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે પારિભાષિક શબ્દકોશની પણ રચના કરેલી, જે અપ્રગટ છે.
બળદેવભાઈ કનીજિયા