ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ તાલુકામાં વેડછી ગામે સ્થાયી થયા હતા. વેડછી આશ્રમનું બી તેમણે રોપ્યું. 1926માં ગાંધીજીના અનુયાયી જુગતરામભાઈ દવે પણ ત્યાં આવી વસ્યા. તેમણે આદિવાસીઓ વચ્ચે રહીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી. ધીરે ધીરે તેનો વ્યાપ વધતો ગયો. 1927માં વડોદરામાં ભારે પૂરનું સંકટ આવ્યું. સ્વરાજ્યકાર્યના સેવકો જ્યાં ત્યાંથી રાહતકાર્યમાં ધસી ગયા. સૂરતથી ચિમનભાઈ ભટ્ટ બાજવા ક્ષેત્રમાં જોડાયા. આ સમયે વડોદરામાં સંકલન અને માર્ગદર્શનના હેતુથી કિશોરલાલભાઈ મશરૂવાળાએ કાર્યાલય સ્થાપ્યું. કાર્યકરો ત્યાં અવારનવાર એકઠા થતા. અહીં કિશોરલાલભાઈએ જુગતરામને ચિમનભાઈનો પરિચય કરાવ્યો. તેમણે રાહતકાર્ય પત્યે વેડછી મળવા આમંત્રણ આપ્યું. 1928માં જુગતરામે વેડછીમાં સ્વરાજ્ય આશ્રમની સ્થાપના કરી અને ઊંડે સુધી રચનાત્મક સેવાપ્રવૃત્તિ વિસ્તારવા નિશ્ચય કર્યો. ખેતીવાડી, ગોપાલન, હળપતિસેવા, અસ્પૃશ્યતાનિવારણ, વૈદ્યકીય સહાય, મહિલાવિકાસ, બાલવાડી, સહકાર, શિક્ષણ, મદ્યનિષેધ, સ્વાવલંબન, ખાદી, ગૃહોદ્યોગ આદિ પ્રવૃત્તિ ઝડપથી વિસ્તારવામાં આવી. જુગતરામ, ચૂનીભાઈ અને ચિમનભાઈની ત્રિપુટીએ શેષ જીવન આ કાર્યમાં સમર્પવાનો સંકલ્પ કર્યો. પ્રારંભે ચિમનભાઈ ઉદ્યોગશાળામાં શિક્ષક થયા. તેમને વધારે ને વધારે કાર્યભાર સોંપાતો ગયો. ટૂંકસમયમાં તે આચાર્ય થયા. માટી અને પૂળાની રૂ. 350ના ખર્ચે બનેલી પાંચ ઝૂંપડીમાંની એક તેમને નિવાસરૂપે ફાળવાઈ. અડખેપડખે ચૂનીભાઈ તથા જુગતરામ રહેવા આવ્યા. 1930માં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ચિમનભાઈ પણ જુગતરામની સાથે નાશિકમાં બંદી બન્યા. 1934માં બિહારમાં ધરતીકંપથી ભારે હાનિ થઈ. ગાંધીજીને ચિમનભાઈ જેવા સેવકોની જરૂર પડી. ચિમનભાઈ તરત ત્યાં પહોંચી ગયા. 1950માં સર્વોદય વિદ્યાલયનો આરંભ થયો. નઈ તાલીમના અધ્યાપનનો આરંભ રવિશંકર મહારાજના હસ્તે આ જ સમયે થયો. 1967માં ગૌશાળાનું નવું ભવન તથા ગાંધી વિદ્યાપીઠ સ્થપાયાં. આમ ચિમનભાઈએ આદિવાસી શાળાનું એક વિશાળ વિદ્યાપીઠમાં રૂપાંતર કર્યું. 1985માં સંસ્થાનો હીરક મહોત્સવ ઊજવાયો ત્યારે તેની નિશ્રામાં 277 સંસ્થાઓ હતો. તેમની કૃતિઓ : ‘મહાસભાનાં ગીતો’(1941)નું સંપાદન; કિશોરકથા ‘વાઘોનું વન’ (1944); ગજેન્દ્રમોક્ષની કથા નિરૂપતું ખંડકાવ્ય ‘ભાઈ અને વેરી’ (1948) તથા ગાંધીજીના જીવનપ્રસંગો નિરૂપતાં ‘ગાંધી કથાગીતો’ (1949).
બંસીધર શુકલ