ભટ્ટ, ચંદ્રશંકર મણિશંકર (જ. 3 ઑગસ્ટ 1898, આમોદ; અ. 31 ડિસેમ્બર 1979, ભરૂચ) : દેશપ્રેમી ક્રાંતિવીર, તેજસ્વી વ્યાયામપ્રવર્તક અને સંનિષ્ઠ સમાજસેવક. પિતા મણિશંકર; માતા કાશીબહેન. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીના નિકટના સાથી તરીકે જીવનપર્યંત સામાજિક સેવામાં કાર્યરત રહ્યા. વ્યાયામશાળા-પ્રવૃત્તિના પ્રારંભમાં પુરાણી બંધુઓની સાથે રહી તેમણે વ્યાયામપ્રચાર અને વિકાસનું સંગીન કાર્ય કર્યું. 1942ના આંદોલન સમયે છોટુભાઈ પુરાણીના સાથી તરીકે ભૂગર્ભપ્રવૃત્તિનું સફળ સંચાલન કરી તેમણે બ્રિટિશ સરકારને હંફાવી હતી. ભૂગર્ભપ્રવૃત્તિ દરમિયાન તેમની આગેવાની નીચે ક્રાંતિવીરોએ ખેલેલાં જીવસટોસટનાં દિલધડક તથા માનવતાસભર સાહસકાર્યોની સિલસિલાબંધ તવારીખ તેમણે ‘1942ની ક્રાન્તિનાં સંસ્મરણો’ નામના પુસ્તકમાં આપી છે.
તેઓ દસ વર્ષ સુધી ભરૂચ જિલ્લામાંથી લોકસભાના સભ્ય તરીકે અને તે પછી દસ વર્ષ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વ્યાયામપ્રચારક મંડળની સંસ્થામાં આરંભકાળથી વર્ષો સુધી મંત્રી તરીકે અને 1970થી પ્રમુખ તરીકે સેવાઓ આપી. સંસ્થાને પ્રગતિશીલ રાખવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. રાજપીપળા રિયાસતના વિલીનીકરણ પછી ત્યાંનાં લશ્કરી રહેઠાણો માટેનાં વિશાળ મકાનો તથા જમીનો ગુજરાત વ્યાયામપ્રચારક મંડળની સંસ્થાઓને મધ્યસ્થ સરકાર પાસેથી મળી શક્યાં તે તેમની દીર્ઘર્દષ્ટિ અને સંનિષ્ઠ પુરુષાર્થનું પરિણામ હતું.
આ સિવાય ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક અને કેળવણીની સહકારી સંસ્થાઓમાં તેમણે પ્રમુખ યા ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં 1948ની સાલના કારમા દુકાળ પ્રસંગે જિલ્લા કૉંગ્રેસ-પ્રમુખ તરીકે સમગ્ર જિલ્લાના લોકો તથા પશુઓને દુકાળની અસરમાંથી ઉગારી લેવામાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી.
ચિનુભાઈ શાહ