ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને સાચું કહેનારા. વહેમમાં માને નહિ. અતિથિસેવાના આગ્રહી. ગામની નિશાળમાં બાળક ગુણવંતે છ ધોરણનો અભ્યાસ કર્યો. પિતા અંગ્રેજીના અભ્યાસનું મહત્વ સમજે. તેમણે ગામના આગેવાનોને સમજાવી અંગ્રેજી શાળા શરૂ કરાવી. ગુણવંતે ત્રણ ધોરણનો અભ્યાસ આ શાળામાં કર્યો. પિતાના મિત્ર પાસેથી બાળકોના ધર્મ વિશે જાણ્યું. એક યોગીનું ચરિત્ર વાંચીને ગુણવંતભાઈએ ધર્મજિજ્ઞાસુ મંડળની સ્થાપના કરી. ગામનાં છોકરાં ગાડામાં સભા ભરી ધાર્મિક વિષયોની ચર્ચા કરતા. તેમના એક મિત્ર મગનલાલ વ્યાસે પણ એવું એક મંડળ કાઢ્યું. બે મંડળોની સ્પર્ધાથી ગુણવંતભાઈને લાભ થયો. તેમનો ઉત્સાહ તેમજ તેમનું જ્ઞાન વધ્યાં. નાંદોદ હાઈસ્કૂલમાં સારાં પરિણામોથી તેમને શિષ્યવૃત્તિઓ મળી અને અભ્યાસમાં વેગ આવ્યો. મૅટ્રિક ઉત્તીર્ણ થઈને ગામની શાળામાં જ શિક્ષક થયા. થિયૉસૉફીથી પ્રભાવિત થઈ ગામમાં ‘નૌતમ લોજ’ નામે શાખા કાઢી. બચતા સમયમાં પ્રૌઢશિક્ષણનું કાર્ય ઉપાડ્યું. તેમાં સહકાર મળતાં કન્યાશાળા સ્થાપી. થોડી દવાઓ વસાવી દવાખાનું પણ ચાલુ કર્યું. પોતે બી.એ. થયેલા નહીં, છતાં મિત્ર મગનલાલની સહાય અને ભલામણથી ચેન્નઈ નિકટ અડ્યારની કૉલેજમાં પ્રવેશ મળ્યો. ત્યાંથી બી.ટી. પદવી પ્રાપ્ત કરી.
સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા રૉબર્ટ બેડન-પૉવેલે ભારતીય વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય અને શિસ્તની ટીકા કરેલી તેથી ભારતહિતૈષી વિદુષી ઍની બેસન્ટને દુ:ખ થયું. ટીકાના પ્રત્યુત્તર રૂપે તેમણે 1921માં ભારતમાં સ્કાઉટ સંગઠનની સ્થાપના કરી. શિક્ષણ અને સેવાના સંસ્કાર પામેલા ગુણવંતભાઈએ સ્કાઉટ-પ્રવૃત્તિનું પ્રશિક્ષણ ત્યાં જ લીધું. હવે તે સમાજકાર્ય માટે પૂરા સજ્જ હતા.
ગુજરાત પાછા આવી નર્મદાતટે શુક્લતીર્થમાં નર્મદ હાઈસ્કૂલનો આરંભ કર્યો. તે સાથે જ નર્મદ સ્કાઉટ સેનાની સ્થાપના પણ કરી. આમ 1922થી તે એક એવી પ્રવૃત્તિમાં લાગ્યા, જેની પાછળ પોતે પૂરું જીવન સમર્પી દેવાના હતા. ભારતીયતાના તેમના મૂળ સંસ્કારોએ સ્કાઉટ-પ્રવૃત્તિનું વિદેશી સ્વરૂપ સ્વીકાર્યું નહિ. ગુણવંતભાઈએ તેને ભારતીય સ્વરૂપ આપ્યું. પ્રારંભે છોકરાઓને શારીરિક પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય-શિક્ષણ તથા સારા નાગરિકનાં કર્તવ્યોનું શિક્ષણ અપાયું. પાછળથી કન્યાઓને પણ જોડવામાં આવી. 1950માં ભારત (બૉય) સ્કાઉટ અને (ગર્લ) ગાઇડ સંગઠનની સ્થાપના કરાઈ. ગુજરાતમાં તેનું એકમ સ્થપાયું. કુશળ સંચાલક માટે સ્વાભાવિક રીતે ગુણવંતરાય ભટ્ટનું નામ સૂચવાયું. તેમણે સહર્ષ સંચાલનની જવાબદારી ઉપાડી લીધી. સ્કાઉટના ભારતીય સ્વરૂપમાં તેમણે 7ના વયજૂથનાં બાળકોને અંગ્રેજી Cubના સ્થાને ‘બટુક’ અને ‘બુલબુલ’ નામ આપ્યાં. 1218 વયજૂથમાં બાલવીર અને વીરબાળા (સ્કાઉટ અને ગાઇડ) નામ રખાયાં, 18 વર્ષ ઉપરની વયનાંને યુવકવીર (Rover) અને વીરાંગના (Ranger) એવાં નામો આપ્યાં. તે જ પ્રમાણે સેના, દળ વગેરે જૂથો રહ્યાં. પ્રતિજ્ઞા, કસોટી, ધર્મ, ધ્વજ, નિયમો સુધાર્યાં. સંગઠનની મુદ્રા નિયત કરી. સૂત્ર આપ્યું : ‘‘તૈયાર હો !’’ (બી પ્રિપેર્ડ).
ગુણવંતરાયે ઝડપથી સ્કાઉટ-સંગઠનનો વિસ્તાર કર્યો. શાળાઓની સહાય લીધી. ક્રમથી એક પછી એક શાળામાં સ્કાઉટ શાખાની સ્થાપના કરી, શાળાઓ તથા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનું જાણે પૂર આવ્યું. બાળપણના મિત્ર મગનલાલ વ્યાસ પણ તેમની સાથે જોડાયા. પ્રવૃત્તિના સંકલનના હેતુથી ‘બાલવીર’ નામે મુખપત્ર પણ ચલાવ્યું. ગુણવંતરાયે બાસઠ વર્ષની વયે 1955માં નિવૃત્તિ લીધી, ત્યાં સુધીનાં 33 વર્ષો સુધી ગુજરાતની સ્કાઉટ-પ્રવૃત્તિના માળીનું કર્તવ્ય બજાવ્યું.
પ્રભાવશાળી, આક્રમક વ્યક્તિત્વ, મીઠી વાણી અને સંસ્કારી વર્તનથી ગુણવંતભાઈએ તેમનાં સ્કાઉટ-ગાઇડ સંતાનોનાં ઊંડા આદર અને હાર્દિક ચાહના મેળવ્યાં. ગુણવંતરાયની 63મી જયંતીએ નિવૃત્તિ પ્રસંગે સંભાવિતોએ સન્માન સમિતિ રચી થેલી આપી તેમને સન્માનપૂર્વક વિદાય આપી.
બંસીધર શુક્લ