ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી.
મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ તથા 1956, 1958 અને 1959માં ઇન્ડિયન સ્કલ્પ્ટર્સ ઍસોસિયેશન સિલ્વર મેડલ મળેલા. તેમને 1959માં આઇફૅક્સ (AIFACS), 1961 અને ’62માં ઑલ ઇંડિયા કાલિદાસ સમારોહ (મધ્યપ્રદેશ) તથા 1966માં બૉમ્બે આર્ટ સોસાયટી દ્વારા પણ ઍવૉર્ડ મળેલા. તેમણે જાપાન, ઑસ્ટ્રેલિયા, મલેશિયા અને ભારતમાં વિવિધ સમૂહ-પ્રદર્શનોમાં ભાગ લીધો છે.
દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, દિલ્હીની લલિત કલા અકાદમી, ગુજરાતની લલિત કલા અકાદમી, કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર, મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં તેમની શિલ્પકૃતિઓ કાયમી સંગ્રહમાં સ્થાન પામી છે.
અમિતાભ મડિયા