ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના માસિક પગારથી શિક્ષક તરીકે સરભોણ, દહેજ, ભરૂચ, કરમસદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદમાં ફરજ બજાવી 51 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.
તેમને બાળપણથી જ કવિતાનો છંદ લાગ્યો હતો. મિત્રો સાથેનો પત્રવ્યવહાર પણ બહુધા કવિતામાં કરતા. તેમના મિત્ર કવિ છોટાલાલ નરભેરામ ભટ્ટના સંપર્કથી તથા ‘ચાવડાચરિત્ર’ કાવ્યના રસાનુભવથી તેમની કાવ્યશક્તિ ખીલી ઊઠી. ‘લીલાવતીરાસ’ ઉપરથી તેમણે છંદોબદ્ધ ‘લીલાવતીકથા’ રચી (1871). ત્યારબાદ 1878માં ‘ભરૂચ જિલ્લાનો કેળવણીખાતાનો ઇતિહાસ’ નામે કેળવણીનો ઇતિહાસ કવિતાના સ્વરૂપમાં લખ્યો, જેમાં તેમણે મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસન સુધીના ભારતના રાજકીય પલટાનું કવિત્વપૂર્ણ શૈલીમાં બયાન આપ્યું છે. આ કવિ કવિતા-કળાની બાહ્ય કરામતના સારા જાણકાર હતા.
તેમણે ‘પ્રતાપ નાટક’ (1882) લખીને તેની આવક દ્વારા કપાસના સટ્ટામાં પિતાએ કરેલા ઋણમાંથી મુક્તિ મેળવી. અકબર અને પ્રતાપ વચ્ચેના યુદ્ધના પ્રસંગને અનુલક્ષીને પ્રતાપનાં ટેક અને શૌર્યનો ઉદ્રેક દર્શાવતું વીર અને કરુણ રસનો આસ્વાદ કરાવતું સંસ્કૃત શૈલીનું આ નાટક છે. તેમાંના જુસ્સાદાર સંવાદો અને કેટલીક પાણીદાર પંક્તિઓને કારણે તે સ્મરણીય બન્યું છે. આ નાટકે તેમને પ્રતિષ્ઠા અને પૈસો બંને અપાવ્યાં, એટલું જ નહિ, પણ તેમની ખ્યાતિ ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મુંબઈ, ઉદયપુર અને છેક કાશી સુધી પ્રસરી. આ નાટકની 4 આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
વિવિધ વિષયો પરના નિબંધો રચી તેમણે રોકડ પારિતોષિકો મેળવ્યાં (1883–1890). કવિતારૂપે ‘લઘુભારત’ના 5 ભાગની રચના કરી પ્રસિદ્ધ કર્યા (1896–1909). અમદાવાદ ખાતે 1888માં ‘હિંદુસંસાર સુધારા સમાજ’માં ઉપદેશક નિમાયા અને શીઘ્રબોધી ‘બાળલગ્નનો નિષેધ’ નામની કવિતા રચી. તેની 6,000 પ્રત થોડા સમયમાં શ્રોતાઓમાં ખપી ગઈ. તેમની કવિતા સાંભળી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તથા ભાવનગરનરેશ ભાવસિંહજીએ તેમને રોકડ સિરપાવ આપ્યા હતા.
એમની અન્ય કૃતિઓમાં ‘બાળલગ્નથી થતી હાનિ અથવા સરસ્વતી-ગુણવંતની કથા’ (1889), ‘પાર્વતીકુંવરચરિત્ર’ (1891) અને ‘મારો વૃત્તાંત’ (1907) છે.
બળદેવભાઈ કનીજિયા