ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર રાવળ સાથે તેમનો પરિચય કરાવ્યો. વ્યાયામપ્રવૃત્તિની સાથે સાથે કૃષ્ણલાલે રવિશંકર રાવળ પાસે કલા-સાધના પણ આરંભી. 1924થી 1926 સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષા અને સાહિત્યનો અભ્યાસ પણ કર્યો. તે દરમિયાન વડોદરાના મહારાજા ગાયકવાડે બંગાળ-શૈલીના જાણીતા ચિત્રકાર પ્રમોદકુમાર ચૅટરજીની વડોદરાના કલાભવનમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરી. 1927માં રવિશંકર રાવળે પોતાના બે શિષ્યો કૃષ્ણલાલ ભટ્ટ અને સોમાલાલ શાહને વડોદરા મોકલ્યા. તે બંને પ્રમોદકુમારના શિષ્યો બન્યા. ત્યાં કૃષ્ણલાલે સર્જેલી કેટલીક પ્રસિદ્ધ કૃતિઓમાં ‘ભીલકુમાર’, ‘કૂવા કાંઠે સંધ્યા’, ‘વનનાં ફૂલ’ અને ‘ક્રોધજ્વાળા’નો સમાવેશ થાય છે. ‘ક્રોધજ્વાળા’ કૃષ્ણલાલની ચિત્રશૈલીનો નિર્ણાયક વળાંક સૂચવે છે, કારણ કે તે ચિત્રથી તેઓ માનવીય મનોભાવોની અમૂર્ત અભિવ્યક્તિની દિશામાં વળતા જણાય છે.
વડોદરાથી અમદાવાદ પાછા આવી શારદામંદિર અને શેઠ ચી. ન. વિદ્યાવિહાર – એ બે શાળાઓમાં તેમણે ચિત્રશિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. ગાંધીજીની 1930ની દાંડીકૂચ દરમિયાન ગાંધીજીના સંદેશાવાહક તરીકે પણ કામ કર્યું. કરાંચીમાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં ચિત્રકાર કનુ દેસાઈ સાથે મંચની કલાસજાવટની કામગીરી તેમણે સંભાળી હતી. સર ચિનુભાઈ બૅરોનેટની આર્થિક સહાય વડે 1932–33ના 6 મહિના માટે શાંતિનિકેતન જઈ તેમણે નંદલાલ બોઝ પાસે પણ તાલીમ લીધી. એ પછી પુદુચેરીમાં શ્રી અરવિંદ પાસે યોગસાધના કરી રહેલા અંબુભાઈના સૂચનથી 1933માં કૃષ્ણલાલ પુદુચેરી આશ્રમનાં શ્રી માતાજી પાસે ચિત્રકામ અંગે માર્ગદર્શન મેળવવા ગયા અને જીવનપર્યંત પછી ત્યાં જ રહી ગયા. શ્રી માતાજીના પ્રભાવક માર્ગદર્શનથી કૃષ્ણલાલની ચિત્રકલા પરિપૂર્ણતાએ પહોંચી. તેમણે મુખ્યત્વે ટેમ્પરા અને જળરંગોથી વ્યક્તિચિત્રો, નિસર્ગચિત્રો તથા પશુ-પંખીનાં ચિત્રોનું સર્જન કર્યું છે. પશુપંખીઓનાં ચિત્રોમાં તેઓ યથાતથ ભાવ-ચેષ્ટાઓ વડે પ્રાણીના ચેતનતત્વને આબાદ રીતે વ્યક્ત કરતા હોય છે.
માતાજીના ખંડની ભીંત પર સમુદ્ર અને જળચર સૃષ્ટિનું આલેખન તેમણે કર્યું છે. આ ઉપરાંત આશ્રમના સ્વાગતખંડ, અતિથિગૃહ આશ્રમના પહેલા માળના પ્રવેશમાર્ગમાં તથા પુદુચેરીના ટાઉનહૉલમાં પણ ભીંતચિત્રોનું આલેખન તેમનું છે. ‘ધ ગોલ્ડન પુરુષ’ તેમની પ્રસિદ્ધ ચિત્રકૃતિ છે.
કૃષ્ણલાલનાં ચિત્રો વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં પ્રદર્શિત થયેલ છે. તેમના ત્રણ ભાઈઓમાં શ્રીદામ ભટ્ટ ફોટોગ્રાફર, હરિવદન ભટ્ટ ચિત્રકાર અને વાસુદેવ ભટ્ટ વ્યાયામવીર હતા.
સમતા ભટ્ટ
અમિતાભ મડિયા