ભટ્ટાચાર્ય, નલિનીધર (જ. 1921, મેલેંગ, કઠગાંવ, જિ. જોરહટ, આસામ; અ. 1 સપ્ટેમ્બર 2016, ગુવાહાટી) : અસમિયા ભાષાના લેખક, વિવેચક. તેમને તેમના વિવેચનાત્મક ગ્રંથ ‘મહત ઐતિહ્ય’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1959માં અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત બંગાળી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવે છે. તેઓ સંગીત, કલા અને વૉલીબૉલમાં પણ રસ ધરાવે છે.
1942માં જોરહટ જિલ્લાની કાકોજન હાઈસ્કૂલમાં અધ્યાપક તરીકે જોડાયા. 1959થી તેઓ શિલૉંગની સેંટ એન્થની કૉલેજમાં ત્રણ વર્ષ, 1963માં ગુવાહાટીની આર્ય વિદ્યાપીઠ કૉલેજમાં પ્રાધ્યાપક રહ્યા અને ત્યાંથી 1983માં સેવાનિવૃત્ત થયા. તે દરમિયાન તેઓ લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. 1979માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. તેમણે અત્યાર સુધીમાં કુલ 5 કાવ્યસંગ્રહો, 5 નિબંધસંગ્રહો અને 3 અનૂદિત ગ્રંથો આપ્યા છે. 2 ગ્રંથોનું સંપાદન પણ તેમણે સંભાળ્યું છે. તુર્ગનેવ કૃત ‘ફાધર ઍન્ડ સન્સ’ના અસમિયા અનુવાદ માટે તેમને સોવિયત લૅન્ડ નહેરુ પુરસ્કાર અને નિબંધસંગ્રહ ‘કવિતાર કથા’ માટે ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર તેમજ અસમ સાહિત્ય સભાનો છગનલાલ જૈન પુરસ્કાર અને મૃણાલિની દેવી પુરસ્કારથી તેમને વિભૂષિત કરાયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મહત ઐતિહ્ય’ એક સમાલોચનાત્મક સાહિત્યિક કૃતિ છે. તેમાં વિશ્વ સાહિત્યના મહાન લેખકો જેવા કે દાંતે, શેક્સપિયર, ટૉલ્સ્ટૉય, ગોઇથે, ઍલિયટ, રવીન્દ્રનાથ અને ગ્રીક ત્રાસદિયાંના રચયિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા સ્થાપિત માનકોની સાથે કેટલાક અસમિયા લેખકોની ચર્ચા કરી છે. આ મહાન પરંપરાની પ્રાસંગિકતાનું આબેહૂબ રેખાંકન કરવાની તેમની ક્ષમતા, ગદ્યની સુબોધતા અને સહજતાને કારણે તેમની આ કૃતિ ભારતીય સમાલોચનાસાહિત્યમાં અનોખી ભાત પાડે છે.
બળદેવભાઈ કનીજિયા