ભટ્ટાચાર્ય, જોતિન (જ. 1 જાન્યુઆરી 1926, કાશી) : ભારતના વિખ્યાત સરોદવાદક. પિતા પંડિત દીનાનાથ મૂળ ફરીદપુર જિલ્લાના કોટાલીપાડા ગામના નિવાસી હતા; પરંતુ વીસ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિષ અને સંસ્કૃતના અધ્યયન માટે બનારસ આવીને રહ્યા, જ્યાં જોતિનનો જન્મ થયો હતો. તેમનું ઔપચારિક શિક્ષણ બનારસ ખાતે થયું હતું. સાથોસાથ સંગીતની શિક્ષા પણ લેતા રહ્યા. શરૂઆતમાં તેમણે મહાવીરશરણ ઓઝા પાસે તાલીમ લીધી. વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરના આમંત્રણથી તેઓ આકાશવાણી દિલ્હી કેન્દ્ર પર સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયા. ત્યારબાદ તેઓ પંડિત રવિશંકરના વાદકવૃંદમાં જોડાયા. પંડિત રવિશંકરની સલાહથી તેઓ મહિયરના વિખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંને મળ્યા અને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. દરમિયાન 1949માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. અલ્લાઉદ્દીનખાં ઉપરાંત તેમનાં સુપુત્રી અન્નપૂર્ણાદેવી પણ તેમને સંગીત-સાધનામાં સક્રિય સહાય આપતાં. અન્નપૂર્ણાદેવીએ જોતિનને સૂરબહાર અને સિતારમાં અલગ અલગ પલટા તથા સરોદની બધી જ વાદનશૈલીઓ શિખવાડી (1949–1957).
જોતિન ભટ્ટાચાર્યનો પ્રથમ જાહેર કાર્યક્રમ ઑગસ્ટ, 1955માં યોજાયેલો. ઉત્તરપ્રદેશના રાજભવનમાં પોતાના ગુરુ અલ્લાઉદ્દીનખાં સાહેબ સાથે તેમણે સરોદવાદન કર્યું. 1955–57 દરમિયાન તેમણે મહિયરના સંગીત વિદ્યાલયમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ દક્ષિણ ભારતનો બહોળો પ્રવાસ કર્યો. 1958માં તેમણે બાલિગંજના સંગીત સંમેલનમાં તથા 1967માં કૉલકાતા ખાતે યોજાયેલ તાનસેન સંગીત સંમેલનમાં સરોદવાદન કર્યું હતું.
1958માં તેમને બાઢ કૉલેજ તરફથી ‘પંડિત’ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.
તેમનાં પત્ની દીપાલી ભટ્ટાચાર્ય નિપુણ સિતારવાદક છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે