ભટિંડા : પંજાબ રાજ્યનો મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 33´ થી 30° 36´ ઉ. અ. અને 74° 38´થી 75° 46´ પૂ. રે. વચ્ચેનો 3,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મોગા જિલ્લો, પૂર્વમાં સંગરૂર જિલ્લો, અગ્નિમાં મનસા જિલ્લો, દક્ષિણમાં હરિયાણા રાજ્ય(સિરસા જિલ્લા)ની સરહદ, પશ્ચિમમાં મુક્તસર જિલ્લો તથા વાયવ્યમાં ફરીદકોટ જિલ્લો આવેલા છે. જિલ્લાનું નામ ભટિંડા જિલ્લામથક પરથી અપાયેલું છે. ઐતિહાસિક ર્દષ્ટિએ આ નગર ઘણું પ્રાચીન હોવાનું મનાય છે. કહેવાય છે કે ‘ભટિંડા’ નામ તેના રજપૂત શાસક બિનાઈ પાલ અને તેના વજીર થંડા રામ પરથી સંયુક્ત રીતે પડેલું છે. 1754ના અરસામાં મહારાજા આલાસિંઘે આ નગર જીતી લીધેલું. આઝાદી અને વિલીનીકરણ બાદ ભટિંડાને જિલ્લાનો દરજ્જો મળેલો છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ મોટાભાગે રેતાળ છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ કોઈ કોઈ જગાએ રેતીના ઢૂવા નજરે પડે છે, પરંતુ હવે વનીકરણનાં પગલાં લેવાઈ રહ્યાં હોવાથી અહીં નગરોની આજુબાજુ હરિયાળી જોવા મળે છે, વળી વનવિકાસને કારણે નજીકના રણનો વિસ્તાર વધતો રોકી શકાયો છે. જિલ્લામાં કોઈ બારમાસી નદી નથી, મુદતી નદી ઘાઘર (ઘગ્ગર) જિલ્લાના અગ્નિભાગમાં થઈને વહે છે. તે મનસા જિલ્લાને તથા હરિયાણાના સિરસા જિલ્લાને વીંધીને પસાર થાય છે. વર્ષાઋતુની મોસમમાં નીચાણવાળા ભાગો તેમાં આવતાં પૂરથી છવાઈ જાય છે.
ખેતી-પશુપાલન : જિલ્લાના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી તેનું અર્થતંત્ર ખેતીની પેદાશો પર નિર્ભર રહે છે. જિલ્લાનો આશરે 91.30 % ખેતીલાયક ભૂમિવિસ્તાર ખેડાણ હેઠળ છે, વળી વનવિકાસને કારણે હજી વધુ જમીનો તેમાં ઉમેરાય તેમ છે. આ ઉપરાંત સડકમાર્ગો અને રેલમાર્ગો તથા નહેરો અને નદીનાળાંની આજુબાજુ પણ વનરાજિનો વિકાસ થઈ રહ્યો છે; એટલું જ નહિ, ખેડૂતો પણ તેમનાં ખેતરોમાં વૃક્ષોનાં ઝુંડ ઉછેરે છે. ભાકરા અને સરહિંદની રાજ્ય કક્ષાની નહેરો અને ઊંડા પાતાળકૂવાઓ દ્વારા સિંચાઈનો લાભ મળી રહે છે. અહીંના મુખ્ય પાકોમાં ઘઉં, ચણા, મકાઈ, જુવાર, બાજરો, કઠોળ અને રાઈનો સમાવેશ થાય છે. રોકડિયા પાકમાં કપાસને વધુ મહત્ત્વ અપાય છે. આ જિલ્લો તેના પશુધનમાં પણ સમૃદ્ધ છે. બળદ, આખલા, ભેંસ, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર, ઘેટાં, બકરાં અને ઊંટ અહીંના મુખ્ય પશુઓ છે. મરઘા-ઉછેર પણ હવે અગત્યનો વ્યવસાય બન્યો છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ પશુસ્વાસ્થ્ય-સુધારણા માટેનાં દવાખાનાં તેમજ ચિકિત્સાલયો આવેલાં છે.
ઉદ્યોગો : 1971 પછી અહીં ઔદ્યોગિક વિકાસ થતો ગયો છે. ભટિંડા નગર તેમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીં ભટિંડા ખાતે ગુરુ નાનકદેવ થર્મલ પ્લાન્ટ અને તેની નજીકમાં ઇન્ડિયન નૅશનલ ફર્ટિલાઇઝરનું કારખાનું આવેલાં છે. નગરની બહાર દૂધનો એકમ ‘મિલ્કફેડ’ તથા પંજાબ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમનો 50,000 સ્પિન્ડલની ક્ષમતા ધરાવતો સ્પિનિંગ-વીવિંગ એકમ આવેલા છે. આ ઉપરાંત રસાયણ અને સિરૅમિક એકમો પણ છે. આ ઉદ્યોગો પર આધારિત નાના પાયા પરના તેમજ કુટિર-ઉદ્યોગ જેવા અન્ય એકમો તથા પગરખાં અને દોરડાં બનાવવાના તેમજ સુથારીકામ, લુહારીકામ તથા હાથસાળ, વણાટ જેવા હુન્નરો પણ વિકસ્યા છે.
વેપાર : આ જિલ્લો કૃષિપ્રધાન હોઈને અહીં ઘઉં, ચણા અને કપાસ પુષ્કળ થાય છે. કપાસનાં ખેતરો રૂથી ભર્યાં સફેદ દેખાતાં હોવાથી તેને વેપારી સંદર્ભમાં ‘તરતી ચાંદી’ની ઉપમા અપાયેલી છે. બજારો ખેતપેદાશોથી ભર્યાં રહે છે. જિલ્લામાં દરેક 20 કિમી. અંતરે એક એક બજાર વિકસ્યું છે. મીઠું, ખાંડ, કેરોસીન, મોટરગાડીઓના છૂટા ભાગો, ધાતુઓ, શણના કોથળા, કાપડ, યંત્રસામગ્રી વગેરેની આયાત થાય છે. અહીં જિલ્લા-કક્ષાએ સહકારી માર્કેટિંગ સોસાયટીની રચના કરવામાં આવેલી છે, તથા તેની શાખાઓ જિલ્લાભરમાં પથરાયેલી છે. આ મંડળો અનાજ તેમજ અન્ય સ્થાનિક પેદાશો ઉપરાંત બીજ, ખાતરો, કૃષિવિષયક ઓજારો અને જંતુનાશકોનો વેપાર પણ કરે છે. ભટિંડા અને કપાસ આ રીતે એકબીજાના પર્યાયો બની રહ્યાં છે.
પરિવહન : દેશ તેમજ રાજ્ય કક્ષાએ ભટિંડા ઉત્તર ભારત માટેનું અગત્યનું રેલવેજંક્શન બની રહેલું છે. અહીંથી બ્રૉડ ગેજ અને મીટર ગેજના સાત જેટલા રેલમાર્ગો પસાર થાય છે. આ રેલમાર્ગો પડોશી રાજ્યોનાં મુખ્ય નગરોને જોડે છે. રેલમાર્ગો સડકમાર્ગો સાથે પણ જોડાયેલા છે. આ સુવિધાથી રાજ્યના જિલ્લાઓ ઉપરાંત અહીંનાં નગરો તેમજ ગામડાં અન્યોન્ય સાથે સંકળાયેલાં છે.
પ્રવાસન : અહીંનું તલવંડી સાબો શીખ ધર્મના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. આનંદપુર સાહિબ, ચામકૌર સાહિબ તથા મુક્તસર ખાતે થયેલી ગુરુ ગોવિંદસિંહની મુઘલો સાથેની ભીષણ લડાઈઓ બાદ તેઓ તલવંડી સાબો ખાતે આવીને નવેક માસ રહેલા. તલવંડી ‘દમદમા સાહિબ’ (દમ આરામ) તરીકે પણ ઓળખાય છે. અહીં રહીને તેમણે ધર્મપ્રચારનું કાર્ય કરેલું; આ કારણે તે ‘ગુરુકી કાશી’ પણ કહેવાય છે. અહીંથી આદિ ગ્રંથસાહિબનો પ્રસાર અને પ્રચાર થયેલો. તેથી તે ‘ખાલસા દા તખ્ત’ નામથી પણ ઓળખાય છે. બૈશાખી નિમિત્તે અહીં દર વર્ષે એપ્રિલમાં મેળો ભરાય છે.
પ્રાચીન ભવ્યતાની સાક્ષીરૂપ નગરની મધ્યમાં એક સંત્રીની જેમ અડીખમ ઊભેલો ભટિંડાનો જૂનો કિલ્લો પણ જોવા જેવો છે. તે લાહોર, ફિલ્લૌર અને હનુમાનગઢના એવા જ મોટા કિલ્લાઓ સમાન છે. ગુરુ ગોવિંદસિહ અહીં પણ રહેલા. આ કિલ્લાની અંદર ગુરુદ્વારા પણ છે.
આજની ઔદ્યોગિક સંસ્કૃતિના જમાનાને અનુરૂપ ગુલાબબાગ અને નૌકાવિહાર-ક્લબ પ્રવાસીઓના આકર્ષણનાં કેન્દ્રો છે. તલવંડીના બૈશાખીના મેળા ઉપરાંત ગુરુ નાનકની જન્મતિથિનો મેળો તેમજ અન્ય તહેવારો નિમિત્તે પણ જુદા જુદા મેળા ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 9,79,566 છે. તે પૈકી 5,19,887 પુરુષો અને 4,59,679 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 7,13,776; અને 2,65,790 છે. ધર્મવિતરણ મુજબ અહીં હિંદુ : 2,17,296; મુસ્લિમ : 5,507; ખ્રિસ્તી : 902; શીખ : 7,54,267; બૌદ્ધ : 36; જૈન : 466; અન્યધર્મી : 30 તથા અનિર્ણીત ધર્મવાળા 1,062 જેટલા છે. અહીં બોલાતી મુખ્ય ભાષાઓ પંજાબી અને હિન્દી છે. આ જિલ્લામાં હવે શિક્ષણનો વ્યાપ પ્રમાણમાં વધ્યો છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા નવ જેટલી વિનયન-વિજ્ઞાન કૉલેજો આવેલી છે. આ પૈકી સાત કૉલેજો ભટિંડામાં જ છે. અહીં એક પણ ગામ પ્રાથમિક શાળા વિનાનું નથી. જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 5,60,435 છે. તે પૈકી 3,49,676 પુરુષો અને 2,10,759 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી શિક્ષિતોની સંખ્યા અનુક્રમે 3,67,879 અને 1,92,556 છે. જિલ્લામાં 55 હૉસ્પિટલો, 126 નાનાં દવાખાનાં તથા 34 પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો આવેલાં છે. જિલ્લાને વહીવટી સરળતા માટે ચાર તાલુકાઓ અને નવ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો તથા 527 (4 વસ્તીવિહીન) ગામડાં છે. ભટિંડાની કુલ વસ્તી 1,59,000 (1991) જેટલી છે.
ઇતિહાસ : આ જિલ્લો (ભટિંડા) 1948માં અસ્તિત્વમાં આવેલો છે. અગાઉ તે ફરીદકોટ, ભટિંડા અને મનસા તાલુકાઓથી બનેલો મોટો વિસ્તાર હતો. 1956માં તે પતિયાળા વિભાગનો એક ભાગ હતો. ઑગસ્ટ 1972માં ફરીદકોટ જિલ્લો અલગ થયો તેમજ નજીકના ફીરોજપુર જિલ્લામાં ક્ષેત્રીય ફેરફારો આવ્યા. ત્યારપછીથી ફીરોજપુરને મહેસૂલી વિભાગ બનાવ્યો, ભટિંડાને પતિયાળા વિભાગમાંથી અલગ કરવામાં આવ્યો. રાજ્યની અનુકૂળતા તથા જિલ્લા જિલ્લા વચ્ચે વહીવટી સરળતા માટે તેમાં અંતર્ગત ફેરફારો કરવામાં આવેલા છે.
ભટિંડા (શહેર) : ભટિંડા જિલ્લાનું જિલ્લામથક અને પ્રમુખ શહેર. થોડા વખત પહેલાંનું ભટિંડા એ આજનું ભટિંડા. જૂના વખતમાં તેનું નામ વિક્રમગઢ હતું. આ શહેર અનાજના ઉત્પાદક ક્ષેત્રમાં આવેલું હોવાથી અનાજના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. અહીંથી ઘઉં, ચણા અને તલની નિકાસ કરવામાં આવે છે; જ્યારે ખાંડ અને ચોખાની અહીં આયાત થાય છે. શહેરની મધ્યમાં ઘણે દૂરથી દેખાતો અને નજરે ચઢતો આશરે 35 મીટરની ઊંચાઈ ધરાવતો 38 બુરજવાળો મોટો કિલ્લો આવેલો છે. આ વિસ્તારમાં તેનું ઐતિહાસિક મહત્વ અંકાય છે. 1991માં ભટિંડા શહેરની વસ્તી 1,59,000 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા