ભગંદર (fistula in ano) (આયુર્વેદ)

January, 2001

ભગંદર (fistula in ano) (આયુર્વેદ) : ગુદા અને તેની આસપાસની પેશીઓમાં થતો કષ્ટસાધ્ય રોગ. આચાર્ય સુશ્રુતે તે દુ:શ્ચિકિત્સ્ય હોવાથી તેની અષ્ટ મહાવ્યાધિમાં ગણના કરેલ છે. ‘ભગંદર’ શબ્દની વ્યુત્પત્તિમાં મુખ્યત્વે ભગ + દર (દારણ) શબ્દનો સમાવેશ થાય છે. આચાર્ય સુશ્રુતના મતાનુસાર દારણવત્ પીડા અર્થાત્ પેશીઓમાં કંઈક કપાતું હોય તેવી પીડા ભગવિસ્તારમાં થાય તેને ભગંદર કહેવાય. આચાર્ય ભોજે પણ આનું સમર્થન કરેલ છે.

ભગંદર મળમાર્ગમાં થનારા વ્યાધિઓમાંનો એક છે. સામાન્યત: ગુદાની આસપાસની પેશીઓમાં એક કે તેથી વધુ ફોલ્લી થાય છે. તેમાંથી રક્તમિશ્રિત પૂયસ્રાવ થાય છે અને જો આ બહારનું છિદ્ર બંધ થાય તો તીવ્ર વેદના પણ થાય છે.

ભગંદર માટેનો fistula – એ લૅટિન શબ્દ છે. તેનો અર્થ એક નળી (પાઇપ) એવો થાય છે; પરંતુ તબીબી (વૈદક) સાહિત્યમાં તેનો અર્થ– એક એવો વ્રણ કે જેનું એક મુખ આભ્યંતર અવયવમાં હોય અને બીજું મુખ બહારની ત્વચા પર અથવા તેની નીચેની માંસપેશીઓમાં હોય અને આ બંને છિદ્રોને જોડતી એક નળી જેવી અકુદરતી રચના થાય છે. ભગંદરમાં પણ એક મુખ ગુદાની અંદર અને બીજું મુખ ગુદાની આજુબાજુ બહારની ત્વચામાં હોય છે.

આયુર્વેદ મતાનુસાર કોઈ પણ વ્યાધિની ઉત્પત્તિ માટે દોષ–દૂષ્યની વિકૃતિ જવાબદાર હોય છે. ભગંદરમાં સામાન્ય રીતે વાત, પિત્ત, અને કફ ત્રણેય દોષો જવાબદાર હોય છે. અલબત્ત, તેમાંથી કોઈ પણ એક અથવા બે દોષની અધિકતા હોઈ શકે. દૂષ્યમાં મુખ્યત્વે રક્ત અને માંસ ધાતુ જવાબદાર હોય છે.

આચાર્ય વાગ્ભટ્ટે અધિષ્ઠાનની ર્દષ્ટિએ गुदस्य द्वयाङगुलक्षेत्रे पार्श्वतः पीडिका કહીને તેના અધિષ્ઠાન વિશે પણ સ્પષ્ટતા કરેલ છે.

પ્રકાર : ભગંદરના પ્રકાર વિવિધ રીતે થઈ શકે : (1) સ્થાનાનુસાર; (2) લક્ષણાનુસાર; (3) સંબંધિત રચનાનુસાર અને (4) દોષાધિક્ય અનુસાર.

મહર્ષિ સુશ્રુતે ભગંદરના પાંચ પ્રકાર બતાવેલ છે :

(1) શતપોનક (વાતાધિક્ય),

(2) ઉષ્ટ્રગ્રીવ (પિત્તાધિક્ય),

(3) પરિસ્રાવી (શ્લેષ્માધિક્ય),

(4) શમ્બૂકાવર્ત (ત્રિદોષજ),

(5) ઉન્માર્ગી (ઈજાજનિત).

આચાર્ય વાગ્ભટ્ટ બે દોષની અધિકતા અનુસાર બીજા ત્રણ પ્રકાર બતાવે છે :

(6) પરિક્ષેપી (વાતપિત્તજ),

(7) ઋજુ (વાતકફજ),

(8) અર્શોભગંદર (પિત્તકફજ).

આચાર્યોએ આ તમામનાં અલગ અલગ કારણો, લક્ષણો અને ચિકિત્સા બતાવેલ છે.

ભગંદર વ્યાધિ સંહિતાકાલીન સમયથી પણ જૂનો છે. વૈદિક સાહિત્યમાં તેનો વિસ્તૃત ઉલ્લેખ છે. પરંતુ આધુનિક તબીબી જગતના પિતામહ હિપૉક્રેટિસે (ઈ. સ. પૂર્વે 500) પણ તેનું વર્ણન કરેલ છે.

ભગંદર એ એવો કષ્ટસાધ્ય વ્યાધિ છે કે જેને મટાડવા માટે શસ્ત્રક્રિયા અપનાવવી પડે; પરંતુ એક કે તેથી વધુ વખત શસ્ત્રક્રિયા કરાવવા છતાં પણ ક્યારેક આ રોગ મટતો નથી, તે તેની ભીષણતા સૂચવે છે. આધુનિકોક્ત સર્જિકલ પદ્ધતિનાં ભયસ્થાનો : (1) ગુદાની અને તેની આજુબાજુની નાજુક પેશીઓની વધુ કાપકૂપ; (2) વારંવાર પરુ આવે તેથી લાંબો સમય પાટાપિંડી કરવાની રહે; (3) પીડાજનક પાટાપિંડી; (4) મળત્યાગ પર કાબૂ ઓછો થાય છે; (5) અનેક પ્રયત્નો છતાં વારંવાર ઊથલો મારે છે, ઘામાં રૂઝ આવે નહિ; (6) વધુ લાંબા સમય સુધી આ રોગ રહે તો તેમાંથી ક્યારેક કૅન્સર જેવા દારુણ વ્યાધિની શક્યતા.

આ બધાં કારણોસર એક એવી ચિકિત્સાની જરૂર ઊભી થઈ કે જે આ રોગમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવે અને પુનરાવર્તનથી મુક્ત રહે. અને આનો જવાબ પ્રાચીન આયુર્વેદોક્ત શાસ્ત્રોમાંથી ‘ક્ષારસૂત્ર’ રૂપે મળ્યો છે; જે હાલમાં ભારતમાં જ નહિ, પરંતુ જાપાન જેવા વિકસિત દેશોમાં પણ પ્રચલિત થયેલ છે. અનેક સંશોધનો દ્વારા પ્રો. પી. જે. દેશપાંડેજીના માર્ગદર્શન હેઠળ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં 70ના દાયકામાં આ પદ્ધતિનો પુનર્જન્મ થયો અને હાલ વિશ્વભરમાં દેશપાંડેજીના શિષ્યગણ દ્વારા આ ક્ષારસૂત્ર પદ્ધતિ ભગંદરપીડિત જનસમુદાયને રોગમુક્ત કરાવી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, વર્ધા તેમજ અન્ય શહેરોના એકમોએ પણ એ પ્રતિપાદિત કર્યું છે કે ભગંદરની સારવાર માટે ક્ષારસૂત્ર ચિકિત્સા એ જ શ્રેષ્ઠ છે.

આ રોગ થવાનાં મુખ્ય કારણોમાં મિથ્યા આહારવિહાર જ જવાબદાર છે. આચાર્યોએ ઉત્કૃષ્ટાસન, પૃષ્ઠાસન વગેરે પણ કારણો બતાવેલ છે. આનો અર્થ વધુ લાંબા સમય સુધી ઉભડક બેસવું કે ઘોડા, ઊંટ જેવાં પ્રાણીઓ પર સવારી કરવી. આ યુગમાં આ બધાં કારણોમાં વધુ સાઇકલ કે સ્કૂટરસવારીને પણ ગણાવી શકાય. આચાર્યોએ પરાવર્તી કૃમિને પણ જવાબદાર બતાવેલ છે. માંસાહારી વ્યક્તિઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ક્યારેક માછલીનું હાડકું કે પથ્થર પણ નલિકામાં અવરુદ્ધ થયેલ જોવા મળે છે.

ઈન્દુભાઈ દવે

ભાવના ગાંધી