ભંડારી, મોહન (જ. 1937, બનમૌરા, જિ. સંગરૂર, પંજાબ) : પંજાબી વાર્તાકાર તથા અનુવાદક. એમને ‘મૂન દી ઍંખ’ નામના વાર્તાસંગ્રહ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે.
કાયદાશાસ્ત્રમાં સ્નાતકની અને પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ સરકારી સેવામાં જોડાયા અને 1995માં સેવાનિવૃત્ત થયા.
લેખનપ્રવૃત્તિનો પ્રારંભ તો તેમણે 1960થી કરેલો. પંજાબીમાં 5 અને હિંદીમાં 2 વાર્તાસંગ્રહો પ્રગટ કરવા ઉપરાંત તેમણે અંગ્રેજી, હિંદી અને ઉર્દૂમાંથી 5 પુસ્તકોનો અનુવાદ કર્યો છે. તે બદલ પંજાબ સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા કુલવંતસિંહ વિર્ક પુરસ્કાર તેમને આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મૂન દી ઍખ’માંની મોટાભાગની વાર્તાઓમાં પાછલા કેટલાક દશકાઓમાં પંજાબમાં પ્રવર્તેલી અશાંતિનો આબેહૂબ ચિતાર આલેખાયો છે. તે તેમના અનુભવોના ઉલ્લેખ ઉપરાંત તેનાં વિશિષ્ટ તથ્યો પ્રગટ કરીને તેમનાં નોંધપાત્ર સાહિત્યિક શૈલી-કસબની પ્રતીતિ કરાવે છે. પંજાબી વાર્તા-સાહિત્યમાં ભાષા-પ્રભુત્વ તથા તાજગીભરી લખાવટને પરિણામે આ કૃતિથી એક સ્પષ્ટ વિકાસક્રમ જોવા મળે છે.
બળદેવભાઈ કનીજિયા