ભંડારા (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે 21 10 ´ ઉ. અ. અને 79 39´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર આશરે 3,717 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મધ્યપ્રદેશ રાજ્યનો બાલાઘાટ જિલ્લો, પૂર્વે ગોંદિયા અને પશ્ચિમે નાગપુર જિલ્લો, દક્ષિણે ચંદ્રપુર જિલ્લો જ્યારે અગ્નિએ ગઢચિરોલી જિલ્લાનો થોડો ભાગ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 300થી 400 મીટરની ઊંચાઈ ધરાવે છે.
ભૂપૃષ્ઠ – જળપરિવહન : આ જિલ્લામાં ભૂસ્તરીય દૃષ્ટિએ ઘણી વિવિધતાઓ રહેલી છે. અહીં આરચેન અને ધારાવાર સમયકાળના ખડકો રહેલા છે. જિલ્લાની વાયવ્યે સાતપુડાના પર્વતોની શાખારૂપ અંબાગઢ હારમાળા આવેલી છે. ભવાનથરી નદીખીણને જિલ્લાના બાકીના ભાગથી અલગ પાડે છે. ભંડારા નગરથી પૂર્વમાં ગાયખરી હારમાળા આવેલી છે. આ હારમાળા વેનગંગા અને બાઘ જળપરિવહન વચ્ચેનો જળવિભાજક રચે છે. ભંડારા નગરની પશ્ચિમે બલ્લાહી હારમાળા આવેલી છે. અહીંની ટેકરીઓ ગ્રૅનાઇટ આવરણવાળા રેતીખડકો ધરાવે છે. આ સિવાય છૂટીછવાઈ ટેકરીઓ અહીં આવેલી છે.
વેનગંગા નદી જિલ્લાની સૌથી મોટી અને મહત્ત્વની નદી છે. તે જિલ્લાના ઈશાન ભાગમાંથી પ્રવેશે છે અને આગળ જતાં નૈર્ઋત્ય તરફ ફંટાય છે. આ જિલ્લામાં તેનો વહનપથ આશરે 200 કિમી. લાંબો છે. તેના કિનારાની આજુબાજુની જમીનો ફળદ્રૂપ છે. પૌની ખાતે તેનો પટ આશરે 1 કિમી. જેટલો પહોળો જોવા મળે છે. આ નદીની શાખા નદીમાં બાઘ, બાવનથરી, ચુલબેન્ડ, સુર વગેરેનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં નાનાં-મોટાં થઈને આશરે 300 સરોવરો આવેલાં છે.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાની આબોહવા ઉષ્મકટિબંધીય – ભેજ અને સૂકી છે. એટલે કે સવાના પ્રકારની આબોહવા કહી શકાય. જુલાઈમાં તાપમાન 26 સે.થી 42 સે. અને જાન્યુઆરીમાં 13 સે.થી 29 સે. અનુભવાય છે. વરસાદ વર્ષ દરમિયાન 500 મિમી.થી 1000 મિમી. જેટલો પડે છે. અહીં વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન મોસમી પવનોને આભારી છે.
આ જિલ્લામાં જંગલોનું પ્રમાણ ઓછું છે. સકોલી તાલુકામાં અને જિલ્લાના દક્ષિણ ભાગમાં જ્યાં નાની ટેકરીઓ આવેલી છે ત્યાં મોસમી પ્રકારનાં જંગલો આવેલાં છે.
અહીં સદાબહાર જંગલો અને પાનખર જંગલો છે, જેમાં સાગ, સીસમ, સાલ, મેહોગની જેવાં વૃક્ષો ઉપરાંત ઔષધિ રૂપે ઉપયોગમાં આવતા છોડ પણ રહેલા છે. આ જંગલોમાં હિંસક પ્રાણીઓમાં વાઘ, દીપડા, જરખ અને તૃણાહારીમાં હરણ, સાબર જેવાં પ્રાણીઓ રહેલાં છે.
અર્થતંત્ર : આ જિલ્લાનું અર્થતંત્ર ખેતીકીય પેદાશો, ઉદ્યોગો અને જંગલપેદાશો ઉપર આધારિત છે. મોટે ભાગે અહીં લેટેરાઇટ, કાળી, રાતી અને રેતાળ જમીન જોવા મળે છે. વેનગંગાના થાળાની જમીનો કાંપથી બનેલી હોવાથી ઉપજાઉં છે. આ જિલ્લામાં ડાંગર, તુવેર, ઘઉં, અળસી, ચણા અને જુવાર-બાજરી તથા શિહાર પ્રકારની જમીન પર ચિનૂર જાતના ડાંગરની ખેતી થાય છે. આ ડાંગરની વિશિષ્ટતાને કારણે તેને ‘Geographical Indication – GI’ મળેલ છે, જે 30/4/2030 સુધી માન્ય છે. વરસાદ અને સિંચાઈને કારણે રવી-ખરીફ પાકો લેવાય છે. ટીમરુંનાં પાન, વાંસ, લાખ, ગુંદર વગેરે પણ મેળવાય છે. ટીમરુંનાં પાન આધારિત બીડી વાળવાનો ગૃહઉદ્યોગ જોવા મળે છે.
ખેતી ઉપર આધારિત પશુપાલન-પ્રવૃત્તિ પણ વિકસેલી છે. ગાય, ભેંસ, બકરાં તથા મરઘાં-બતકાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. અહીં પશુચિકિત્સાલયો, ઢોરઉછેર કેન્દ્રો આવેલાં છે. પશુ-ઓલાદ સુધારવા કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યાં છે.
આ જિલ્લાનું ખનિજક્ષેત્રે આગવું પ્રદાન છે. અહીં ઉચ્ચ, મધ્યમ અને નિમ્નકક્ષાનાં મૅંગેનીઝ ખનિજ-નિક્ષેપોમાં સમૃદ્ધ છે. લોહ-ખનિજોના વિશાળ જથ્થા સંગ્રહાયેલા છે. તુમસર ખાતે ફેરો મૅંગેનીઝના તથા ભંડારા ખાતે પિત્તળ બનાવવાના એકમો આવેલાં છે. ડાંગર છડવાની મિલો, લાટીઓ, હાથવણાટ, લાખ-ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદનમાં, નેતર અને વાંસકામના એકમો વિકસ્યા છે. એલોરા પેપર મિલ, અશોક લેલૅન્ડ, શસ્ત્રો બનાવવાના એકમો, હિન્દુજા ગ્રૂપના એકમો, સનફ્લેગ આયર્ન સ્ટીલ કંપની અને શિવમંગલ ઇસ્પાત પ્રા. લિ. જેવા એકમો આવેલા છે.
આ જિલ્લામાંથી ચોખા, ઇમારતી લાકડાં, વાંસ, પિત્તળનો સામાન, કાચનો સામાન, કાપડ, માટી, મૅંગેનીઝ, લાખ, બીડી વગેરેની નિકાસ થાય છે; જ્યારે ખાંડ, ગોળ, તેલ, મરચાં, મસાલા, તમાકુની આયાત થાય છે.
પરિવહન : મુંબઈ-નાગપુર-કૉલકાતાનો પૂર્વ-પશ્ચિમ બ્રૉડગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. ભંડારા રોડ, તુમસર રોડ, સલકેરા, તિરોરા મુખ્ય રેલમથકો છે. અહીંના વાંસ તેમજ અન્ય વન્યપેદાશોની હેરફેર આ રેલમાર્ગોથી થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 53, 247 અને 353 આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લાનાં મહત્ત્વનાં વેપારીમથકો તથા તાલુકામથકો પણ જુદા જુદા માર્ગોથી એકબીજા સાથે સંકળાયેલાં છે. ભંડારા પાસે નાગઝીરા વન્ય અભયારણ્ય આવેલું છે. આ સિવાય અહીં કોઈ પ્રવાસી સ્થળો આવેલાં નથી. નજીકમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે, જે નાગપુર ખાતે આવેલું છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 12,70,334 છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 83% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 982 મહિલાઓ છે. 19.40% લોકો શહેરી વિસ્તારોમાં વસે છે. આદિવાસી અને પછાત જાતિનું પ્રમાણ અનુક્રમે 7.41% અને 16.69% છે. મોટે ભાગે અહીં પવાર, ટેલી, કણબી, હિંદુઓનું પ્રમાણ અધિક છે. સૌથી વધુ બોલાતી ભાષા મરાઠી (93.19%) છે, જ્યારે હિંદી 4.03% બોલાય છે. આ જિલ્લો ‘સરોવરના જિલ્લા’ તરીકે વધુ જાણીતો છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજો પણ આવેલી છે. વહીવટી સરળતા ખાતર આ જિલ્લાને મુખ્યત્વે સાત તાલુકાઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
ભંડારા (શહેર) : આ શહેર Brass City તરીકે વધુ જાણીતું છે.
તે 21 17´ ઉ. અ. અને 79 65´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી તે 244 મીટર ઊંચાઈ ધરાવે છે. નાગપુરથી 60 કિમી. દૂર આવેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 53 આ શહેર પાસેથી પસાર થાય છે. નાગપુરથી પૂર્વમાં વેનગંગા નદીના કિનારા પર આવેલું છે. અહીંનું ઉનાળાનું તાપમાન 45 સે. અને શિયાળાનું તાપમાન 8 સે. રહે છે.
આ શહેરનો વિસ્તાર 30 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2025 મુજબ) 1,31,000 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 979 મહિલાઓ છે. આ શહેરમાં મહત્તમ મરાઠી ભાષા બોલાય છે. આ સિવાય લોધી, પોવારી, હલ્બી, કોષ્ઠી, હિન્દી અને કલારી ભાષા બોલાય છે. અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થાય છે.
ઇતિહાસ : અહીંના સ્થાનિક અર્થઘટન મુજબ ‘ભંડારા’ નામ કદાચ ‘ભનાડા’નું અપભ્રંશ સ્વરૂપ છે. અહીં રતનપુરમાંથી મળેલા ઈ.સ. 1100ના એક લેખમાં તેનો ભનાડા તરીકેનો ઉલ્લેખ મળે છે. 1818થી 1830 દરમિયાન આ જિલ્લો રાજ્યકારભારીના વહીવટ હેઠળ રહેલો. 1820 અગાઉ તેનો વહીવટ લાંજીથી થતો હતો, તે પછીથી 1820–21માં લાંજીથી જિલ્લામથકને ખેસવીને ભંડારા ખાતે લાવવામાં આવેલું. 1853માં તે બ્રિટિશ હકૂમત હેઠળ આવેલું. 1867માં ભંડારા જિલ્લામાંથી કેટલાક ભાગો લઈને બાલાઘાટનો નવો જિલ્લો રચેલો; ત્યારે એક તાલુકામથક પણ સાનગઢીથી ખેસવીને સાકોલી ખાતે લવાયેલું. 1881માં ત્યાં તિરોરા અને સાકોલી નામના બે જ તાલુકા હતા. ભંડારા તાલુકાની રચના પછીથી થયેલી છે. 1911 અને 1955 દરમિયાન જિલ્લા કે તાલુકાઓની સરહદોમાં કોઈ મુખ્ય ફેરફારો કરાયેલા નથી; માત્ર તિરોરા તાલુકામથકને ગોંદિયા ખાતે લઈ જવાયું છે તથા તાલુકાનું નામ પણ 1914માં ગોંદિયા રાખેલું છે. 1947થી 1956માં વિદર્ભના અન્ય જિલ્લાઓની સાથે સાથે ભંડારા જિલ્લો પણ તત્કાલીન મધ્ય પ્રાંતનો એક ભાગ હતો. 1956માં જ્યારે રાજ્યોની પુનર્રચના થઈ ત્યારે ભંડારા જિલ્લો મધ્યપ્રદેશમાંથી મુંબઈ રાજ્યમાં મૂકવામાં આવેલો. 1960માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે તેને મહારાષ્ટ્રમાં મુકાયો છે. ભંડારા જિલ્લાનાં 5 નગરો ભંડારા, તુમસર અને પૌની 1867માં, ગોંદિયા 1919માં અને તિરોરા 1956માં સ્થપાયેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી