ભંડારા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 39´થી 21° 38´ ઉ. અ. અને 79° 27´થી 80° 42´ પૂ. રે. વચ્ચેનો 9,321 ચોકિમી. જેટલો લગભગ સમચોરસ વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આશરે અડધો વિસ્તાર વેનગંગા નદીના થાળામાં આવેલો છે. તેની ઉત્તર અને પૂર્વમાં અનુક્રમે મધ્યપ્રદેશના બાલાઘાટ અને રાજનાંદગાંવ જિલ્લા તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજ્યના ચંદ્રપુર અને નાગપુર જિલ્લા આવેલા છે. વેનગંગા નદી ભંડારા અને ચંદ્રપુર-નાગપુર જિલ્લા વચ્ચે કુદરતી સરહદ રચે છે. જિલ્લામથક ભંડારા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાની છેક વાયવ્ય સરહદ પર સાતપુડાના પર્વતોની શાખા રૂપે અંબાગઢ હારમાળા પશ્ચિમ સરહદેથી પ્રવેશીને ઈશાન તરફ વિસ્તરેલી છે. તે ભવાનથરી નદીખીણને જિલ્લાના બાકીના ભાગથી અલગ પાડે છે. જિલ્લાની પશ્ચિમે મધ્ય ભાગમાં ભંડારા આવેલું છે. ભંડારા નગરથી પૂર્વમાં ગોંદિયા તરફ ગાયખરી હારમાળા આવેલી છે. આ હારમાળા વેનગંગા અને બાઘ જળપરિવાહ વચ્ચેનો જળવિભાજક રચે છે. ભંડારા નગરની પશ્ચિમે બલ્લાહી હારમાળા આવેલી છે. અહીંની ટેકરીઓ ગ્રૅનાઇટ આવરણવાળા રેતીખડકોથી બનેલી છે. જિલ્લાના અગ્નિભાગોમાં સૌથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓ આવેલી છે, તે પૈકી ઉત્તર અને પશ્ચિમ તરફની નાવીગાંવ, પલાશગાંવ અને પ્રતાપગઢ ટેકરીઓ જિલ્લાનાં સૌથી ઊંચાં સ્થાનો ધરાવે છે. તદુપરાંત જિલ્લામાં કેટલીક છૂટીછવાઈ ટેકરીઓ પણ છે.
જળપરિવાહ : વેનગંગા નદી જિલ્લાની સૌથી મોટી અને મહત્વની નદી ગણાય છે. સમગ્ર ભંડારા જિલ્લો આ નદીની જળપરિવાહરચનાથી આવરી લેવાયેલો છે. તે જિલ્લાના ઈશાન ભાગમાંથી પ્રવેશે છે અને આગળ વધીને નૈર્ઋત્ય તરફ ફંટાય છે, છેલ્લે તે અગ્નિ તરફ વળાંક લે છે અને ત્યાંથી ચંદ્રપુર જિલ્લામાં પ્રવેશે છે. જિલ્લામાં તેનો વહનપથ લગભગ 200 કિમી.ની લંબાઈનો બની રહેલો છે. પૌની (પવની) ખાતે તેનો નદીપટ આશરે 1 કિમી. જેટલો પહોળો છે. તેના કિનારાની આજુબાજુની જમીનો ફળદ્રૂપ છે. 130 કિમી. લંબાઈમાં વહેતી બાઘ તેની મુખ્ય શાખાનદી છે. તે ચીચગઢ ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને ઉત્તર તરફ વહે છે. ગોંદિયા તાલુકામાં સિરપુર ખાતે આ નદી પર સિંચાઈ-યોજના ઊભી કરવામાં આવેલી છે. ગાયખરી હારમાળામાંથી નીકળતી ચુલબંધ નદી બાઘ પછીના બીજા ક્રમે આવે છે, તે સાકોલી તાલુકામાં થઈને તાલુકાના સોની ગામ નજીક જિલ્લાની દક્ષિણ સીમા તરફ વેનગંગાને મળે છે. આ સિવાય પાંગોલી, ચંદન, ભવાનથરી અને સુર વેનગંગાની અન્ય શાખા-નદીઓ છે.
ખેતી-પશુપાલન : આ જિલ્લામાં ફળદ્રૂપ, ઓછી ફળદ્રૂપ તથા હલકી જમીનો આવેલી છે. વેનગંગા નદીથાળાની જમીનો કાંપથી બનેલી હોવાથી ઉપજાઉ છે. ત્યાં વર્ષમાં બે પાક લેવાય છે. જિલ્લામાં ડાંગર, તુવેર, ઘઉં, અળસી, ચણા અને જુવાર-બાજરીની ખેતી થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અહીં તળાવો, કૂવા અને નહેરોની સિંચાઈથી રવી-ખરીફ પાકો લેવાય છે.
ગાય, ભેંસ, બકરાં તથા મરઘાં અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. તેમને માટે પશુચિકિત્સાલયો, ઢોર-ઉછેર-કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભંડારા ખાતે કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્ર પણ છે, તેની શાખાઓ જિલ્લાનાં કેટલાંક સ્થળોએ આવેલી છે. આ ઉપરાંત બે મરઘાં-નિદર્શન–કેન્દ્રો પણ છે.
ઉદ્યોગો : ખનિજક્ષેત્રે ભંડારા રાજ્યનો મહત્વનો જિલ્લો ગણાય છે. આ જિલ્લો ઉચ્ચ, મધ્યમ અને હલકી કક્ષાના મૅંગેનીઝ ખનિજ-નિક્ષેપોમાં સમૃદ્ધ છે. અહીં લોહખનિજોના વિશાળ જથ્થા આવેલા હોવા છતાં તેમાં ટાઇટેનિયમ ઑક્સાઇડ(TiO2)નું અશુદ્ધિપ્રમાણ વધુ હોવાથી તે પોલાદ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા નથી. આઝાદી પછીનાં વર્ષોમાં અહીં ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. જિલ્લામાં મોટા પાયા પરનાં 19 જેટલાં કારખાનાં છે. તુમસર ખાતે ફેરોમૅંગેનીઝનું તથા ભંડારા ખાતે પિત્તળનું કારખાનું આવેલું છે. ગોંદિયા ખાતે કાચના સામાનના એકમો છે. આ ઉપરાંત લિથોગ્રાફિક પ્રિન્ટિગનાં તથા લાખનાં કારખાનાં પણ વિકસેલાં છે. અહીં ડાંગર છડવાની મિલો; લાટીઓ; બીડી, હાથવણાટ, લાખ-ઉત્પાદન; પિત્તળનાં વાસણો અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદનના, નેતર અને વાંસકામના એકમો વિકસ્યા છે. અહીંનાં જંગલોમાં બીડી વાળવા માટેનાં ટીમરુનાં પાંદડાં મળે છે. 1996 મુજબ અહીં એલોરા પેપર મિલ (તુમસર), અશોક લેલૅન્ડ (ભંડારા) અને સિમ્પ્લેક્સ મિલ (ગોંદિયા) જેવા ત્રણ મહત્વના ઉદ્યોગો કાર્યરત છે.
વેપાર : આ જિલ્લામાંથી ચોખા, લાકડાં, વાંસ, પિત્તળનો માલસામાન, કાચનો માલસામાન, કાપડ, માટી, મૅંગેનીઝ, લાખ, બીડી વગેરેની નિકાસ થાય છે; જ્યારે સૂતર, મીઠું, કેરોસીન, ખાંડ, ગોળ, તેલ, મરચાં, મસાલા, તમાકુ વગેરેની આયાત થાય છે. જિલ્લામાં ગોંદિયાનગર બૅંકિંગ પ્રવૃત્તિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.
પરિવહન-પ્રવાસન : મુંબઈ–નાગપુર–કૉલકાતાનો પૂર્વ-પશ્ચિમ બ્રૉડગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. ભંડારા રોડ, તુમસર રોડ, તિરોરા, ગોંદિયા, આમગાંવ અને સલેકરા તેના પરનાં મુખ્ય રેલમથકો છે. તુમસરથી તિરોડી(મ.પ્ર.)નો 29 કિમી.નો શાખા-રેલમાર્ગ મૅંગેનીઝની હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે. ઉત્તર-દક્ષિણ જતો જબલપુર-ચાંદા રેલમાર્ગ તથા નાગપુર-ચાંદા જતો માત્ર 10 કિમી.નો નૅરોગેજ રેલમાર્ગ પણ અહીંથી પસાર થાય છે. અહીંની વાંસ તેમજ અન્ય વન્ય પેદાશોની હેરફેર આ રેલમાર્ગોથી કરવામાં આવે છે. આ જિલ્લામાંથી નાગપુર, રાયપુર તરફનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 પસાર થાય છે. ભંડારા અને સાકોલી તેના પરનાં મુખ્ય મથકો છે. જિલ્લાનાં મહત્વનાં વેપારી મથકો તથા તાલુકામથકો પણ જુદા જુદા માર્ગોથી એકમેક સાથે સંકળાયેલાં છે. આ જિલ્લો વેપારવણજનાં મથકો ધરાવતો હોઈ અહીં વિશિષ્ટ ગણી શકાય એવાં કોઈ પ્રવાસી-સ્થળો આવેલાં નથી, પરંતુ વર્ષના મુખ્ય બધા જ તહેવારો નિમિત્તે અહીં મેળા ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 21,07,629 જેટલી છે. તે પૈકી 10,60,275 પુરુષો અને 10,47,354 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 18,31,735 અને 2,75,894 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 17,92,740; મુસ્લિમ : 39,826; ખ્રિસ્તી : 1,892; શીખ : 1,708; બૌદ્ધ : 2,55,968; જૈન : 1,504; અન્યધર્મી : 9,363 તથા ઇતર : 4,628 છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 11,43,915 જેટલું છે. તે પૈકી 6,99,946 પુરુષો અને 4,43,969 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 9,51,595 અને 1,92,320 જેટલું છે. જિલ્લામાં 25 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે; નગરો ઉપરાંત 523 જેટલાં ગામડાંઓમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 13 તાલુકાઓ અને 13 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 1,803 (149 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. ગોંદિયા અહીંનું એકમાત્ર એક લાખથી વધુ વસ્તી(1,09,271 – 1991)વાળું શહેર છે.
ઇતિહાસ : અહીંના સ્થાનિક અર્થઘટન મુજબ ‘ભંડારા’ નામ કદાચ ‘ભનાડા’નું અપભ્રંશ સ્વરૂપ છે. અહીં રતનપુરમાંથી મળેલા ઈ.સ. 1100ના એક લેખમાં તેનો ભનાડા તરીકેનો ઉલ્લેખ મળે છે. 1818થી 1830 દરમિયાન આ જિલ્લો રાજ્યકારભારીના વહીવટ હેઠળ રહેલો. 1820 અગાઉ તેનો વહીવટ લાંજીથી થતો હતો, તે પછીથી 1820–21માં લાંજીથી જિલ્લામથકને ખેસવીને ભંડારા ખાતે લાવવામાં આવેલું. 1853માં તે બ્રિટિશ હકૂમત હેઠળ આવેલું. 1867માં ભંડારા જિલ્લામાંથી કેટલાક ભાગો લઈને બાલાઘાટનો નવો જિલ્લો રચેલો; ત્યારે એક તાલુકામથક પણ સાનગઢીથી ખેસવીને સાકોલી ખાતે લવાયેલું. 1881માં ત્યાં તિરોરા અને સાકોલી નામના બે જ તાલુકા હતા. ભંડારા તાલુકાની રચના પછીથી થયેલી છે. 1911 અને 1955 દરમિયાન જિલ્લા કે તાલુકાઓની સરહદોમાં કોઈ મુખ્ય ફેરફારો કરાયેલા નથી; માત્ર તિરોરા તાલુકામથકને ગોંદિયા ખાતે લઈ જવાયું છે તથા તાલુકાનું નામ પણ 1914માં ગોંદિયા રાખેલું છે. 1947થી 1956માં વિદર્ભના અન્ય જિલ્લાઓની સાથે સાથે ભંડારા જિલ્લો પણ તત્કાલીન મધ્ય પ્રાંતનો એક ભાગ હતો. 1956માં જ્યારે રાજ્યોની પુનર્રચના થઈ ત્યારે ભંડારા જિલ્લો મધ્યપ્રદેશમાંથી મુંબઈ રાજ્યમાં મૂકવામાં આવેલો. 1960માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે તેને મહારાષ્ટ્રમાં મુકાયો છે. ભંડારા જિલ્લાનાં 5 નગરો ભંડારા, તુમસર અને પૌની 1867માં, ગોંદિયા 1919માં અને તિરોરા 1956માં સ્થપાયેલાં છે.
ભંડારા (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા જિલ્લાનું શહેર અને જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 21° 12´ ઉ. અ. અને 79° 40´ પૂ. રે. તે નાગપુરથી પૂર્વમાં વેનગંગા નદીના કિનારા પર આવેલું છે. નદી પરથી જવા-આવવાના મુખ્ય સ્થાન પર તે વસેલું હોવાથી તે વાણિજ્યના મુખ્ય મથક તરીકે વિકસ્યું છે. અહીંના ઉદ્યોગોમાં પિત્તળનાં વાસણોનો અને સિગારેટનો ઉદ્યોગ મહત્વનો છે. અહીં નાગપુર યુનિવર્સિટીસંલગ્ન કૉલેજ આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા