બ્લૅક હિલ્સ : યુ.એસ.નાં નૈર્ઋત્ય ડાકોટા અને ઈશાન વ્યોમિંગમાં આવેલો, છૂટી છૂટી ટેકરીઓથી બનેલો, લગભગ ઘસાઈ ગયેલો પર્વતીય પ્રદેશ. આ પર્વતપ્રદેશ બ્લૅક હિલ્સ નૅશનલ ફૉરેસ્ટમાં આવેલો છે. તેની ફરતે ચેયની અને બેલે નદીઓ આવેલી છે. નજીકનાં ગ્રેટ પ્લેઇન્સના સંદર્ભમાં આ ટેકરીઓની ઊંચાઈ આશરે 900 મીટર જેટલી છે. હાર્ને પીક દક્ષિણ ડાકોટાનું સર્વોચ્ચ (ઊંચાઈ 2,195 મીટર) શિખર છે. આ ટેકરીઓના શીર્ષભાગો ગોળાકાર દેખાય છે તેમજ તેમના ઢોળાવો જંગલ આચ્છાદિત હોવાથી દૂરથી તે કાળા રંગના દેખાય છે, આ કારણે તેમનું નામ બ્લૅક હિલ્સ પડેલું છે.
જ્યૉર્જ એ. ક્યુસ્ટરની આગેવાની હેઠળ અહીં યોજવામાં આવેલા લશ્કરી અભિયાનમાં 1874માં સોનું મળી આવેલું; 1875–76માં ત્યાં સુવર્ણ-ધસારો (gold-rush) થયેલો, તે પછીથી ત્યાં બેરિલિયમ અને લિથિયમ સહિત બીજાં ઘણાં ખનિજો પણ શોધી કાઢવામાં આવેલાં અને તે બધાંનું ખનનકાર્ય પણ થયેલું.
દક્ષિણ ડાકોટામાં આવેલાં માઉન્ટ રશમોર નૅશનલ મેમૉરિયલ, સ્પિયરફિશ અને બ્લૅક હિલ્સ પૅશન પ્લે, જ્વેલ કેવ નૅશનલ મૉન્યુમેન્ટ, વિન્ડ કેવ નૅશનલ પાર્ક, ક્યુસ્ટર સ્ટેટ પાર્ક વગેરે પ્રવાસી માટેનાં આકર્ષણકેન્દ્રો ગણાય છે. આ ઉપરાંત વ્યોમિંગમાં ડેવિલ્સ ટાવર નૅશનલ મૉન્યુમેન્ટ પણ જોવાલાયક છે.
ગિરીશભાઈ પંડ્યા