બ્લૅક કૉમેડી : તીખા કટાક્ષોથી સભર, આક્રમક, પ્રસ્થાપિત મૂલ્યોનું ઉન્મૂલન કરવાના ઇરાદે લખાયેલી નાટ્યકૃતિ. તેને ‘કૉમેડી ઑવ્ ધ ઍબ્સર્ડ’ કે ‘ટ્રૅજિક ફાર્સ’ જેવા શબ્દપ્રયોગોથી પણ ઓળખવામાં આવે છે. બ્લૅક કૉમેડીમાં બ્લૅક હ્યુમર ભારોભાર હોય છે. ‘બ્લૅક હ્યુમર’ શબ્દનો આધુનિક અર્થમાં સૌપ્રથમ વાર પ્રયોગ ફ્રેંચ પરાવાસ્તવવાદના પ્રણેતા આન્દ્ર બ્રેતોંએ કર્યો. 1940માં તેમણે ‘ઍન્થૉલૉજી ઑવ્ બ્લૅક હ્યુમર’ શીર્ષકવાળો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, જેમાં દ્વિઅર્થી ઉક્તિઓ, વ્યંગ્યાત્મક શબ્દપ્રયોગ અને તીખા કટાક્ષો દ્વારા સ્થાપિત મૂલ્યો અને સામાજિક ધોરણોની ઠેકડી ઉડાવતાં કાવ્યોનો સમાવેશ થાય છે. નાટ્યકારોએ બ્લૅક હ્યુમરનો ઉપયોગ કરીને જે નાટ્ય-રચનાઓ કરી તેને બ્લૅક કૉમેડી તરીકે ઓળખવામાં આવે છે. કરુણ નાટકને અનુરૂપ હોય તેવી વિષયવસ્તુને તેઓ કૉમેડી માટે પસંદ કરે છે અને તેના તીખા, વેધક કટાક્ષયુક્ત સંવાદો દ્વારા માનવીના તર્ક ઉપર સીધું આક્રમણ કરી જગતના સત્યને બહાર લાવવાનો તેઓ પ્રયાસ કરે છે. સૅમ્યુઅલ બૅકેટ નામના ફ્રેંચ નાટ્યકારના પ્રસિદ્ધ નાટક ‘વેઇટિંગ ફૉર ગોદો’(1952)માં આધ્યાત્મિક અને ઈશ્વર-સંબંધી બાબતો, જૂનીપુરાણી મજાકો તથા મોજ-મજા માટેના સંગીત જલસાઓ સાથે ભેળસેળ થતાં રમૂજી ર્દશ્યો સર્જાયાં છે અને ગંભીર તથા કરુણ-પ્રધાન કહી શકાય તેવી વાતોને, જાણે આ સૌની ઠેકડી ઉડાવવાનો ઉપક્રમ હોય તેમ, વ્યંગ્યાત્મક, વેધક સંવાદો પ્રયોજીને મજાકમાં ફેરવી નાખવામાં આવી છે. આયૉનેસ્કોએ તેના ‘ધ બોલ્ડ સૉપ્રાનો’(1953)માં સામાન્ય સામાજિક વાતચીતોના ચીલાચાલુ શબ્દપ્રયોગો દ્વારા જગતના પાગલપણા તરફ આંગળી ચીંધી છે. આ પ્રકારનાં નાટકોમાં બ્લૅક હ્યુમરનો ભારોભાર ઉપયોગ છે. બ્લૅક કૉમેડી પ્રકારનાં નાટકોમાં લેખકનો મુખ્ય હેતુ શ્રોતાગણને મૂંઝવી નાખીને, ન ધાર્યું હોય તેવું બનતું જોવાથી ઊભા થતા અજંપાના ભાવ દ્વારા પ્રસ્થાપિત ધોરણો અને મૂલ્યોના ઉન્મૂલનનો હોય છે. આવાં નાટકોનો ધ્વનિ વ્યંગોક્તિનો હોય છે. એ વ્યંગોક્તિઓ દ્વારા બૌદ્ધિક પ્રહારોના માધ્યમથી લેખક સત્યને પ્રગટ કરવાનો પ્રયાસ કરે છે.
પંકજ જ. સોની