બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ

January, 2001

બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ (જ. 18 નવેમ્બર 1897, લંડન; અ. 13 જુલાઈ 1974, લંડન) :  કૉસ્મિક વિકિરણના પ્રખર અભ્યાસી અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. વિજ્ઞાનનું શિક્ષણ તેમણે કેમ્બ્રિજ ખાતે લીધું અને પીએચ.ડી. થયા બાદ તેઓ ઇંગ્લૅન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપક રહ્યા. તેમણે રુથરફૉર્ડની રાહબરી હેઠળ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો વિગતવાર પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો. 1925માં બ્લૅકેટના પ્રયોગો પરથી જાણવા મળ્યું કે આલ્ફા-કણ જેવા કોઈ કણોનો પ્રહાર (bombardment) કોઈ તત્વના પરમાણુ પર કરવામાં આવે તો તેની નાભિનું કૃત્રિમ વિભંજન થાય છે અને તે રીતે બીજું તત્વ બને છે. ન્યૂક્લિયર ભૌતિકી તેમજ કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે વિલ્સન-ક્લાઉડ ચેમ્બરની પદ્ધતિના વિકાસ તેમજ આનુષંગિક સંશોધનો માટે તેમને 1948ના વર્ષનું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ બ્લૅકેટ

1937માં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. સીસાના સ્તરમાં થઈને ગૅમા કિરણો પસાર કરતાં તે કેટલીક વખત અર્દશ્ય થાય છે તેવું તેમણે 1935માં પ્રાયોગિક રીતે બતાવ્યું, પરિણામે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની જોડ મળી. આથી ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થાય છે તેવી પ્રતીતિ કરાવી અને આઇન્સ્ટાઇનના પ્રસિદ્ધ સમીકરણ ઊર્જા E = mc2 સાબિત કરી બતાવ્યું. કૉસ્મિક કિરણોના સંશોધન માટે એક સંસ્થાની સ્થાપના કરી. આ સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રે સંશોધન માટેની તકો વિકસાવી સંશોધકોને પ્રેરણાબળ પૂરું પાડ્યું. તેને કારણે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં રેડિયો-ખગોળવિદ્યા માટે પ્રથમ વાર પ્રાધ્યાપકનું પદ સ્થાપિત થયું. આથી રેડિયો-ખગોળવિદ્યા માટે જોડ્રલ બૅંક પ્રાયોગિક મથક તૈયાર થયું.

1953માં લંડનની વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની ઇમ્પિરિયલ કૉલેજમાં પ્રાધ્યાપક અને ભૌતિકવિજ્ઞાન વિભાગના અધ્યક્ષપદે નિયુક્ત થયા. ત્યાં તેઓ 1965માં વરિષ્ઠ સંશોધન-ફેલો બન્યા. 1965માં તેઓ રૉયલ સોસાયટીના અધ્યક્ષપદે ચૂંટાયા હતા.

જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ ન્યૂક્લિયર (કે પરમાણુ) ઊર્જાનાં  પરિણામો અને અસરો વિશે ઊંડો રસ ધરાવતા થયા હતા. પૃથ્વીનું ચુંબકત્વ પણ તેમના રસનો વિષય રહ્યું હતું.

કમલનયન ન. જોશીપુરા