બ્લૅકસ્ટોન, વિલિયમ (જ. 10 જુલાઈ 1723, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1780, વાલિંગફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના પ્રખર ધારાશાસ્ત્રી. પિતા ચાર્લ્સ રેશમનો વેપાર કરતા હતા. માતાનું નામ મેરી. બાર વર્ષની વયે માતાનું અવસાન થયું. કાકા ટૉમસ બિગ સર્જન હતા, તેમની નિશ્રામાં તેમનો ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ ચાર્ટર હાઉસ(1730–38)માં અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની પેમ્બ્રૉક કૉલેજમાં લીધું. પ્રાચીન ગ્રીક અને લૅટિનના અધ્યયન ઉપરાંત તર્કશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કર્યો. આ બધાંની છાપ તેમનાં તે પછીનાં લખાણોમાં સ્પષ્ટપણે વર્તાય છે. 1741માં મિડલ ટેમ્પલમાં કાયદાના અભ્યાસાર્થે જોડાયા. 1743માં ઑક્સફર્ડની ઑલ સોલ્સ કૉલેજના સભ્યપદે ચૂંટાયા અને થોડાક સમય બાદ તેના ફેલો નિમાયા. 1746માં બૅરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. વકીલાતમાં ખાસ કોઈ તેજસ્વિતા છતી થઈ ન હતી, પરંતુ અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ પોતાની છાપ ઉપસાવી શકવામાં સફળ નીવડ્યા. ખાસ તો કૉરિંગ્ટન ગ્રંથાલયની સ્થાપના અને વિકાસમાં તેમનો ફાળો ખૂબ નોંધપાત્ર રહ્યો હતો. 1743માં સ્થાપત્યના વિષય પર તેમણે ‘ઍલીમેન્ટસ ઑવ્ આર્કિટેક્ચર’ નામનો ગ્રંથ લખ્યો, જેની સુધારેલી અને સંવર્ધિત આવૃત્તિઓ ક્રમશ: 1746 અને 1747માં પ્રકાશિત થઈ હતી.
1750માં તેમણે કાયદાશાસ્ત્રમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. 1753માં વકીલાત સમેટી લેવાનો અને બાકીનું જીવન કાયદાશાસ્ત્રના અધ્યાપનમાં સમર્પિત કરવાનો નિર્ણય લીધો. 1751થી તેઓ ચાન્સેલરની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમાયા હતા. જે પદ પર 1759 સુધી તેમણે સેવાઓ આપી. 1763થી તેમણે ઇંગ્લૅન્ડના કૉમન લૉ પર વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી. આ વિષય પર યુનિવર્સિટી ખાતે સર્વપ્રથમ વ્યાખ્યાન શ્રેણી આપવાનો જશ તેમને ફાળે જાય છે. 1756માં તેમણે તેમની ઉપર્યુક્ત વ્યાખ્યાનશ્રેણીના સંક્ષિપ્ત મુદ્દાઓનું વિવરણ કરતો ગ્રંથ ‘ઍન ઍનાલિસિસ ઑવ્ ધ લૉઝ ઑવ્ ઇંગ્લૅન્ડ’ પ્રકાશિત કર્યો. ઑક્ટોબર 1758માં તેમને કૉમન લૉના સન્માનનીય પ્રાધ્યાપક નીમવામાં આવ્યા. આ બહુમાન મેળવનાર તેઓ ઇંગ્લૅન્ડના પ્રથમ ધારાશાસ્ત્રી હતા. ઑક્સફર્ડ ખાતેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે યુનિવર્સિટી પ્રેસના કામકાજમાં અને તેના વહીવટમાં મહત્વના સુધારા-વધારા દાખલ કર્યા. બ્લૅકસ્ટોનના માર્ગદર્શન હેઠળ ઑક્સફર્ડ પ્રેસે ‘મૅગ્ના કાર્ટા’ અને ‘ચાર્ટર ઑવ્ ધ ફૉરેસ્ટ’ની જે નકલો પ્રકાશિત કરી તે તેના વિશિષ્ટ છાપકામ માટે ખૂબ પ્રશંસા પામી. 1761માં બ્લૅકસ્ટોનની ‘સોસાયટી ઑવ્ એન્ટિક્વરિઝ’ના ફેલો તરીકે ચૂંટણી થઈ, જ્યાં તેમણે 1762 અને 1775માં સંશોધનલેખો પ્રસ્તુત કર્યા.
1759માં તેમણે ન્યાયાધીશ-પદેથી રાજીનામું આપ્યું. 1761માં મિડલ ટેમ્પલમાં પ્રાધ્યાપક અને નિરીક્ષકના પદે તેમની નિમણૂક થઈ. માર્ચ 1761માં તેઓ વિલ્ટશાયરના હિન્ડોન મતવિસ્તારમાંથી સંસદ માટે ચૂંટાયા (1761–68) અને ત્યારબાદ 1768–80ના બે વર્ષ દરમિયાન તેમણે વેસ્ટબરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. જુલાઈ 1761માં તેઓ ન્યૂ ઇન હૉલ નામથી જાણીતી બનેલી કાયદાશાસ્ત્રની કૉલેજના આચાર્ય પદે નિમાયા. 1763માં ઇંગ્લૅન્ડની મહારાણીના સૉલિસિટર જનરલ-પદે તેમની નિમણૂક થઈ. ન્યૂ ઇન હૉલને માત્ર કૉમન લૉના અધ્યયન–અધ્યાપન માટે જ વિકસાવવી જોઈએ આ અંગેની બ્લૅકસ્ટોનની ભલામણ ફગાવી દેવામાં આવતાં 1766માં તેમણે તે સંસ્થામાંથી રાજીનામું આપ્યું. 1770માં તેમણે સોલિસિટર જનરલનું પદ સ્વીકારવાની ના પાડી, છતાં ન્યાયાધીશનું પદ સ્વીકારવાની તરફેણ કરી. સજા પામેલા ગુનેગારોને દેશવટો આપવા કરતાં સુધારાગૃહોમાં મોકલવાની તેમણે હિમાયત કરી અને તે અંગેનો ખરડો ‘હાર્ડ લેબર બિલ’ તેમણે ઘડી કાઢ્યો, જે 1779માં ઇંગ્લૅન્ડમાં કાયદો બન્યો.
તેમનું અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમને સેન્ટ પીટર્સ ચર્ચ ખાતે દફનાવવામાં આવ્યા. કાયદાશાસ્ત્ર પર તેમણે જે ભાષ્ય ‘કૉમેન્ટરિઝ’ લખ્યું તે ઇંગ્લૅન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં કાયદાશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનનો મુખ્ય આધાર બન્યો. સંસદની સર્વોપરીતાના તેઓ પ્રખર હિમાયતી હતા અને તેને અનુલક્ષીને આમસભામાં તેમણે અવાર-નવાર કરેલાં વક્તવ્યો દરમિયાન જે વિધાનો કર્યાં તે શકવર્તી સાબિત થયાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે