બ્રૉન્ટ એમિલી (જ. 30 જુલાઈ 1818, થૉર્નટન, યૉર્કશાયર; અ. 19 ડિસેમ્બર 1848) : નવલકથાકાર, કવયિત્રી. ઉપનામ ‘એલિસ બેલ’. આઇરિશ પિતા બ્રૉન્ટ પૅટ્રિક, માતા મારિયા બ્રાનવેલ. 1820માં પિતા હાવર્થ(બ્રેડફૉર્ડ પાસે, યૉર્કશાયર)ના પાદરી બન્યા ને ત્યાં જ રહ્યા. 1821માં 15મી સપ્ટેમ્બરે કૅન્સરથી માતાનું અવસાન. ત્યારબાદ માસી એલિઝાબેથ બ્રાનવેલ ઘર સંભાળતી. બાળપણ માતાની કાળજી તથા હૂંફ વિનાનું વીત્યું. પિતાએ તેને લૅન્કેશાયરમાં કૉવન બ્રિજ ખાતે નવી જ શરૂ થયેલી શાળામાં દાખલ કરી, જ્યાં તેની મોટી બહેનોય ભણતી હતી. ત્યાં ફી ઓછી હતી પણ જમવાનું સારું મળતું નહિ ને વિદ્યાર્થિનીઓ માંદી રહેતી. તેની મોટી બે બહેનો –મારિયા અને એલિઝાબેથ પણ માંદી પડી ને ઘરે લઈ ગયા બાદ મરણ પામી. જૂન 1825માં એમિલી તથા શાર્લોટને ઘરે પાછાં લાવ્યાં. લગભગ પાંચેક વર્ષ તેઓ ઘરમાં જ રહ્યાં અને ભણ્યાં. ત્યાં ચારેય બાળકો – શાર્લોટ, એમિલી, અન્ના અને બ્રાનવેલ કલ્પનાશક્તિ વિકસે તેવી રમતો રમતાં. એન્ગ્રિયા રાજ્યની તેઓ કલ્પના કરતા ને પછી તો યુદ્ધ, રાજકારણ, અમીરઉમરાવો, તેઓનાં વેરઝેર, પ્રેમ વગેરે ઉમેરાતું જતું ને તેઓની કલ્પનાશક્તિ વિલસતી-વિકસતી રહેતી. 1831માં શાર્લોટને રો હેડ ખાતેની શાળામાં મોકલાયા બાદ એમિલી અને અન્નાએ તેમના પોતીકા કપોલકલ્પિત રાજ્યની કલ્પના કરી. આ અનુભવો ભવિષ્યમાં કથાલેખનમાં ખપ લાગ્યા. 1832થી ત્રણેક વર્ષ ચારેય બાળકો હાવર્થમાં સાથે ભણ્યાં, રમ્યાં અને લખતાં રહ્યાં. સમગ્ર પરિવારને ચિત્રકળા તથા સંગીતમાં રસ હતો. 1835માં શાર્લોટ શિક્ષિકા તરીકે રો હેડ ગઈ. એમિલી પણ વિદ્યાર્થી તરીકે ત્યાં ગઈ તો ખરી, પરંતુ તે ઘર માટે ઝૂરતી રહી અને ત્યાં રહી શકી નહિ. પરિણામે તેની જગ્યા તેની નાની બહેન અન્નાએ લીધી. એમિલી હેલિફામ પાસે લૉહિલ ખાતેની શાળામાં 6 મહિના શિક્ષિકા તરીકે રહી, પરંતુ પછી રાજીનામું આપીને ઘરે પાછી ફરી. આ જ ગાળામાં શાર્લોટ પણ પાછી ફરી. 1842ના ફેબ્રુઆરીમાં શાર્લોટ અને એમિલી ફ્રેન્ચ તથા જર્મન શીખવા માટે બ્રસેલ્સ ગયાં. એમિલી ત્યાં ભણી ને પછીથી પિયાનો શીખવતી; પરંતુ બ્રાનવેલના અવસાનના કારણે બંને બહેનો હાવર્થ પાછી ફરી. ઘર સંભાળવા માટે એમિલી હાવર્થમાં જ રોકાઈ ગઈ અને શાર્લોટ બ્રસેલ્સ ગઈ. 1845ની શરદમાં શાર્લોટ એમિલીનાં કાવ્યોમાંથી પસાર થઈ. 1846માં ત્રણેય બહેનોનો સંયુક્ત કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ઑવ્ ક્યૉરર, એલિસ ઍન્ડ ઍક્ટન બેલ’ પ્રગટ થયો. ઉપનામોનો ઉપયોગ રહસ્ય જાળવવા માટે તેમજ અવલોકનકારોના સ્ત્રીઓ પ્રત્યેના ખાસ વલણને ટાળવા થયેલો. 1847માં એમિલીની નવલકથા ‘વુધરિંગ હાઇટ્સ’ પ્રકાશિત થઈ, પણ તે પછીનું વર્ષ કરુણ રહ્યું. સપ્ટેમ્બરમાં તેના ભાઈ બ્રાનવેલનું અવસાન થયું. તેની અંતિમક્રિયા વખતે બ્રૉન્ટ એમિલી શરદીમાં સપડાઈ અને તેને ટી.બી. થયો. તેણે તબીબી સારવારની ના પાડી. ડિસેમ્બરની 19મીએ તે મરણ પામી. એમિલી તેના જીવનકાળ દરમિયાન ઓછી જાણીતી હતી; પણ પછીથી આધુનિક વિવેચકો તથા ચરિત્રલેખકોને તેનામાં રસ પડ્યો. એમિલીનાં કાવ્યોમાં તેના વ્યક્તિત્વની સોડમ મળે છે. સંગીત તથા છંદોલયની તેની સૂઝ અને મર્યાદિત પણ સશક્ત કાવ્યપદાવલી ધ્યાનપાત્ર છે. તેની નવલકથા ‘વુધરિંગ હાઇટ્સ’ (2 ભાગ) (1847)ના કેન્દ્રમાં પ્રેમ અને ઘૃણા છે. તેની પ્રથમ પુરુષ કથનવાળી નાટ્યાત્મક અને કાવ્યાત્મક રજૂઆત તથા અસામાન્ય સંરચનાના કારણે આ નવલકથા તે સમયની નવલકથાઓ કરતાં જુદી તરી આવે છે.
યોગેશ જોશી