બ્રેખ્ત, બર્ટોલ્ટ (જ. 10 ફેબ્રુઆરી 1898, ઑગ્સબર્ગ, જર્મની; અ. 14 ઑગસ્ટ 1956, ઇસ્ટ બર્લિન) : જર્મન નાટ્યકાર, કવિ. વીસમી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય આ નાટ્યકારે નાટ્યલેખન, અભિનય અને દિગ્દર્શનને સૈદ્ધાંતિક રીતે પણ સામાજિક ર્દષ્ટિકોણ આપ્યો; એથી વીસમી સદીના ઉત્તરાર્ધના નટ-પ્રેક્ષક સંબંધને નવું પરિમાણ મળ્યું. સદીના પૂર્વાર્ધની જર્મન રંગભૂમિ પર ગ્રામ્ય- વ્યાપારી, સસ્તાં મનોરંજક નાટકો, ડ્રૉઇંગરૂપ કૉમેડી અને મેલોડ્રામા ‘જમ્યા પછીના મનોરંજન’ તરીકે પીરસાતાં હતાં.
વાસ્તવવાદના ચલણી સિક્કા જેવા દ્વિઅર્થી સંવાદો અને ઘટના-પ્રચુરતાનું એમાં પ્રભુત્વ હતું. એની સામે મોટા ઉત્સવોની જેમ રંગદર્શી નાટકો રજૂ કરતા દિગ્દર્શક રેઇનહાર્ટ, પ્રશિષ્ટ નાટકોના દિગ્દર્શક જેશ્નર અને પ્રચારલક્ષી દસ્તાવેજી નાટકોના દિગ્દર્શક પિસ્કાટર પણ સક્રિય હતા. આવી રીતે ધમધમતી જર્મન રંગભૂમિ માટે 20 વર્ષની ઉંમરે બ્રેખ્તે પ્રથમ નાટક ‘બાલ’ લખ્યું અને એમની ‘ભભૂકતા યુવાનની કાળઝાળ બંડખોર મુદ્રા’ ઊપસી આવી. એ દિવસોમાં આપખુદ હિટલરનો ઉદય થઈ રહ્યો હતો અને તત્કાલીન સોવિયેત સંઘમાં સ્ટાલિનનો ભરડો કલાને વધુ ને વધુ ભીંસતો જતો હતો; આમ છતાં ‘સંપત્તિની સમાન વહેંચણી’ના આદર્શે રંગાયેલા જે કલાકારો કાર્યરત હતા એમાં બ્રેખ્ત અને એમની અભિનેત્રી પત્ની હેલન વાઇગલ મોખરે હતાં. 1926માં એમણે પહેલું લોકપ્રિય નાટક ‘થ્રી પેની ઑપેરા’ લખ્યું. ગીતો, મેલોડ્રામા અને લાગણીશીલ ર્દશ્યોને લીધે એ ખૂબ ભજવાયું. જોકે એના બીજા વર્ષે એમણે રચેલા નાટક ‘સેન્ટ જૉન ઑવ્ સ્ટૉકયાર્ડ’માં મૂડીપતિઓની ધનલાલસા દ્વારા થતા પ્રખ્યાત પાત્ર સેન્ટ જૉનના શોષણની કોરસ અને પ્રતિકોરસની નાટ્યાત્મક પ્રસ્તુતિ થઈ છે. એ જ શૈલીનું ‘એક્સેપ્શન ઍન્ડ ધ રૂલ’ નાટક મજૂરોના શોષણ અને અન્યાયી કાયદાઓ સામે લાલબત્તી ધરે છે. આ દરમિયાન એમની રંગભાષા પક્વ બનતી ગઈ. ચીનમાં બંડખોરો તરીકે મોકલાયેલા 4 ક્રાંતિકારીઓએ પોતાના સાથીદારની હત્યા કેમ કરી એનો અહેવાલ રજૂ કરતું નાટક ‘ધ મેઝર’ (1930) અને મેક્સિમ ગૉર્કીની નવલકથા ‘મધર’ના નાટ્યરૂપાંતરમાં અભણ મજૂરણની રુસી ક્રાંતિમાંની સંડોવણીના ચિત્રણમાં બ્રેખ્તની નવા થિયેટરની કલ્પના સાકાર બનવા માંડી. આ દરમિયાન હિટલરના સમર્થકોએ જર્મન બુદ્ધિવાદીઓને પજવવા માંડ્યા અને બ્રેખ્તનાં પુસ્તકોની હોળી કરી. બ્રેખ્ત દંપતી રાતના અંધારાનો લાભ લઈ સોવિયત સંઘ અને ભારત થઈને અમેરિકા પહોંચ્યું. પેટનો ખાડો પૂરવા એમણે કેટલીક ફિલ્મ-સ્ક્રિપ્ટ પણ લખી અને એ દરમિયાન નિર્લેપતાના પોતાના નાટ્ય-સિદ્ધાંત મુજબનાં 4 શ્રેષ્ઠ નાટકો લખ્યાં – ‘ગૅલેલિયો’ (1938), ‘મધર કરેજ’ (1939), ‘સેટ્ઝુઆન’ (1940) અને ‘કૉકેશિયન ચૉક સર્કલ’ (1944). યુદ્ધવિરોધી નાટક ‘મધર કરેજ’માં પોતાનાં 4 સંતાનોનો ભોગ આપીને યુદ્ધના ફાયદે જીવતી માતા કેન્દ્રમાં છે, ‘ગૅલેલિયો’માં ધર્મસત્તા સામે ઝૂકી પડતા જણાતા ચતુર વિજ્ઞાની ‘ગૅલેલિયો’ની સંશોધનપ્રીતિ આલેખાઈ છે. ‘સેટ્ઝુઆન’માં જીવનનાં સત્-અસત્ તત્વોના ઘર્ષણમાંથી અસત્ જીતે છે એવો આકરો કટાક્ષ પણ સત્-તત્ત્વોમાં જ શ્રદ્ધા પ્રેરે છે અને ‘કૉકેશિયન ચૉક સર્કલ’માં પાલક માતાના માનવપ્રેમના વિજયની રમ્ય કથા છે. બ્રેખ્તના એવા બીજા એક નોંધપાત્ર નાટક ‘આર્તુરો ઉઈનો ઉદય’(1941)માં હિટલર પાત્ર તરીકે પેશ થયો છે. ચાર્લી ચૅપ્લિન વીસમી સદીનો બીજો એકમાત્ર એવો કલાકાર હતો જેણે પણ હિટલરને એટલી જ હિંમતથી પ્રસ્તુત કર્યો હતો. બ્રેખ્ત માનતા હતા કે નટે પાત્રમય બનવું ન જોઈએ, કારણ કે આભાસી પાત્રપ્રવેશથી પ્રેક્ષકો ગેરમાર્ગે દોરવાય છે; તેઓ પાત્રચિત્રણથી વિચારતા થવા જોઈએ; એ માટે નટે પાત્રનો ‘અહેવાલ’ રજૂ કરવાનો છે, એને ‘પ્રસ્તુત’ કરવાનું છે, પાત્રથી ‘નિર્લેપતા’ સિદ્ધ કરવાની છે. એ માટે એમણે નાટ્યલેખનમાં પણ એવું ર્દશ્યબંધારણ કરવા માંડ્યું કે જેથી નટ પાત્રથી અળગો રહી શકે, ક્રિયા કરતાં કરતાં પ્રતિક્રિયા પ્રસ્તુત કરી શકે, વિશ્લેષણાત્મક પાત્રપ્રસ્તુતિ નીરસ ન બની જાય અને પ્રેક્ષકો લાગણીના આવેશોને બદલે સમાજ અને જીવનનું પૃથક્કરણ કરતા થાય. આ સિદ્ધાંતો સમજાવતાં એમણે અનેક લેખો પણ લખ્યા જે ઉપરછલ્લી ર્દષ્ટિએ કેટલાકને મતે રુસી નાટ્યગુરુ સ્તાનિસ્લાવ્સ્કીના સિદ્ધાંતોના સામે ધ્રુવે બેસતા જણાયા છે. બ્રેખ્તે પોતાના આ સિદ્ધાંતોમાં પૌર્વાત્ય અને ખાસ કરીને ભારતીય રંગભૂમિ, લોકનાટ્ય અને નૃત્યશૈલીમાંથી અનેક તત્વો ગ્રહણ કર્યાં હતાં. 1945માં અમેરિકામાં સામ્યવાદ-વિરોધીઓની ભીંસમાંથી એ ચતુરાઈથી છટકી ગયા અને પૂર્વ જર્મનીમાં સરકાર-દીધા થિયેટર ‘બર્લિનર એન્સેમ્બલ’માં જીવનનાં છેલ્લાં આઠ વર્ષ પોતાના સિદ્ધાંતો મુજબ નાટકો કર્યાં. પત્ની હેલન વાઇગલનો પૂરો સાથ મળ્યો તેનાથી અનુયાયીનો વિશાળ વર્ગ ઊભો કર્યો. એમના જીવનની કરુણતા એ હતી કે ફાસીવાદવિરોધી એમનાં નાટકો હિટલરના કાળમાં ભજવાયાં નહિ, અને સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પોતાના સિદ્ધાંત મુજબનાં નાટકો રજૂ કરવા એવે વખતે એમને તક મળી કે જ્યારે પેલાં નાટકો એ દેશકાળને સુસંગત નહોતાં રહ્યાં. તેમ છતાં આ નાટ્યવિદે એમના વિદ્યાર્થીઓ અને એ વિદ્યાર્થીઓનાય વિદ્યાર્થીઓના પ્રબોધાયેલા નાટ્યસિદ્ધાંતો તેમજ એ મુજબનાં નાટ્યનિર્માણોએ જગતભરનાં રંગકર્મીઓમાં લોકલક્ષી નાટ્યપરંપરા ઊભી કરવામાં શકવર્તી પ્રદાન કર્યું. કવિ અને વાર્તાકાર તરીકે પણ બ્રેખ્ત ખૂબ નોંધપાત્ર રહ્યા છે. એમનાં અનેક નાટકો – ‘થ્રી પેની ઑપેરા’, ‘ગૅલેલિયો’, ‘કૉકેશિયન ચૉક સર્કલ’, ‘એક્સેપ્શન’, ‘સેટ્ઝુઆન’ વગેરે ભારતની અનેક ભાષાઓમાં ભજવાયાં છે, ગુજરાતીમાં પણ એ નાટકોના અનુવાદો થયા છે અને અવારનવાર ભજવાયાં છે. રાજકીય પૂર્વગ્રહોનો ભોગ બનેલ આ નાટ્યકાર વિશેની ગેરસમજો ધીમે ધીમે દૂર થઈ રહી છે. કોઈ રાજકીય વિચારસરણીના પ્રચારક તરીકે નહિ, પરંતુ નવીન કલારીતિ દ્વારા સમાજ-પરિવર્તનની દિશા ચીંધનાર નાટ્યવિદ તરીકે હવે એમની મુલવણી વ્યાપક રીતે થઈ રહી છે.
હસમુખ બારાડી