બ્રેક્ટન, હેન્રી દ (જ. ?; અ. 1268) : મધ્યયુગીન અંગ્રેજ ન્યાયવિદ. બ્રિટિશ ન્યાયશાસ્ત્રના પિતામહ તરીકે તેઓ કાયદાશાસ્ત્રમાં ઓળખાય છે. તેઓ પાદરી બન્યા અને થોડાક સમય માટે ઇંગ્લૅન્ડના રાજાની સેવામાં રહ્યા. એમાં ખાસ તો એમનું પ્રસિદ્ધ પુસ્તક ‘De legibus et con suetu dinibus Angiae (‘On the Laws and Customs of England’) સામાન્ય અંગ્રેજી કાયદા (English Common Law) પરના શાસ્ત્રીય પ્રબંધ (treaties) પૈકી જૂનામાં જૂનું ગણાય છે. તેમનો આ ગ્રંથ તે સમયના યુરોપના જાણીતા ન્યાયવિદોના પ્રભાવ હેઠળ લખાયો હતો. ઇંગ્લૅન્ડના ન્યાયને લગતા ચુકાદાઓ અને ઇંગ્લૅન્ડના ન્યાયાધીશો માટે જરૂરી એવી દલીલભરી રજૂઆત (pleading) કરવાની પદ્ધતિને આધારે, બ્રેક્ટને સામાન્ય કાયદાના કાર્યક્ષેત્રને વ્યાપક બનાવ્યું.
1245માં તેઓ ઇંગ્લૅન્ડના રાજા, હેન્રી ત્રીજાના ફરતા ન્યાયાધીશ (Itinerant Justice) હતા. 1247થી 1257ના સમયગાળા દરમિયાન તેઓ ન્યાયાધીશ હતા; 1264ની સાલથી તેઓ એક્ઝિટર કેથિડ્રલના ચાન્સેલર નિમાયા હતા.
તેમણે 2,000 અંગ્રેજી કાયદાના ખટલાઓને આધારે એક હસ્તલિખિત સંગ્રહ 1884માં તૈયાર કર્યો. તે પાછળથી ‘ધ નોટબુક’ના નામે 1887ની સાલમાં પ્રસિદ્ધ થયો. તેનું સંપાદન કાયદાના નિષ્ણાત ફ્રેડરિક મેઇટલૅન્ડે કર્યું હતું.
આનંદ પુ. માવળંકર