બ્રુન્સવીક : જર્મનીમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 52° 16´ ઉ. અ. અને 10° 31´ પૂ. રે. પર તે હેનોવરથી આશરે 55 કિમી. અંતરે અગ્નિકોણમાં ઓકર નદીને કિનારે વસેલું છે. ‘બ્રુન્સવીગ’ (Braunschweig) એ પ્રાચીન લૅટિન શબ્દ (અર્થ બ્રુનોનું ગામ) છે અને તેના પરથી આ સ્થળને નામ અપાયેલું છે. અહીંના નદીપ્રદેશના સમૃદ્ધ ગણાતા ખેતીવિસ્તારમાં તે આવેલું હોવાથી વેપાર તથા ઉદ્યોગનું મથક બની રહેલું છે. જર્મનીની ટૅકનૉલૉજી સંસ્થાનું પણ આ મથક છે. આ ઉપરાંત અહીં જર્મનીના લોઅર સેક્સની વિભાગના રાસાયણિક ઇજનેરી, પ્રિસિઝન ઇજનેરી તથા ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો પણ વિકસ્યા છે.
નવમી સદીના ઉત્તરાર્ધકાળમાં આ સ્થળની આજુબાજુનો પ્રદેશ ચીફટેન બ્રુનોના શાસન હેઠળ હતો. તેરમીથી સોળમી સદી સુધીનો મધ્યયુગીન સમય તેનો સુવર્ણકાળ ગણાય છે. ત્યારે પણ તે ઉત્તર જર્મનીનું એક મહત્વનું શહેર ગણાતું હતું. 1618થી 1648ના ત્રીસ-વર્ષીય યુદ્ધના ગાળા દરમિયાન આ શહેર લગભગ સંપૂર્ણપણે નાશ પામેલું. 1676થી તે થોડો સમય ‘ડચી’ (જાગીર) રહેલું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન પણ તે તારાજીનો ભોગ બનેલું.
ગિરીશભાઈ પંડ્યા